ચેતજો! બીયુ મુદ્દે ન્યૂ રાણીપની આશ્રય-9 અને 10 સ્કીમના 180 ફ્લેટ સીલ કરાયા

ચેતજો! બીયુ મુદ્દે ન્યૂ રાણીપની આશ્રય-9 અને 10 સ્કીમના 180 ફ્લેટ સીલ કરાયા

અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના એસ્ટેટ-ટીડીઓ ખાતા દ્વારા આજે શહેરના ન્યૂ રાણીપ વિસ્તારમાં આવેલી આશ્રય-૯ અને આશ્રય-૧૦ રહેણાંકની સ્કીમના ૧૮૦ જેટલા ફ્લેટ સીલ કરી દીધાં હતા. અમદાવાદ મ્યુનિ.એ આ બંને સ્કીમને બીયુ પરમીશન વિના ફ્લેટનો વપરાશ શરૂ કરવાના મુદ્દે સીલ કરી દીધાં હતા.

અમદાવાદ મ્યુનિ.ના અધિકારીઓએ એવું પણ કહ્યું છે કે, જે ફ્લેટમાં કોઇ રહેતું હોય તેને સીલ કરાયા નથી તો બીજી તરફ સ્થાનિક રહેવાસીઓનો આરોપ છે કે, લોકોએ પૈસા ભરીને ફ્લેટ ખરીદ્યા અને બિલ્ડરે પઝેશન આપ્યા બાદ તેઓ રહેવા આવ્યા છે તેમના ફ્લેટ સીલ કરી દીધાં છે.

અમદાવાદ શહેરના રાણીપ-ચેનપુર અને રાણીપની ટીપી સ્કીમ નંબર ૬૬/એના ફાઇનલ પ્લોટ નંબર ૭૬/૨માં ન્યૂ રાણીપના ખોડિયાર મંદિરની સામે આશ્રય-૯ અને આશ્રય-૧૦ નામની રેસીડેન્શિયલ સ્કીમ આવેલી છે. આ સ્કીમ તેના પર્યાવરણની એનઓસી અને બીયુ પરમીશનના મુદ્દે વિવાદમાં છે.

આ સ્કીમના બિલ્ડર સામે પણ વ્યાપક ફરિયાદો છે. મ્યુનિ.એ આ બિલ્ડીંગને બીયુ પરમીશન આપી ન હતી છતાં બિલ્ડર દ્વારા નાગરિકો પાસે પૈસા લઇ ફ્લેટ આપવામાં આવ્યા હતા જેનો વપરાશ શરૂ થતાં મ્યુનિ.એ બે સ્કીમના ૧૮૦ જેટલા ફ્લેટ સીલ કરી દીધાં છે.

ડે. ટીડીઓ ચૈતન્ય શાહે જણાવ્યું હતુ કે,’બીયુ પરમીશન વિના ફ્લેટનો વપરાશ શરૂ થતાં ૧૮૦ જેટલા યુનિટ સીલ કર્યા છે. અમે ધ્યાને રાખીને ખાલી હોય તેવા ફ્લેટ સીલ કર્યા છે. આ બિલ્ડીંગના પર્યાવરણના એનઓસીમાં પણ ક્ષતિ હોવાથી નવી એનઓસી રજુ કરવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.’