આ ચાની દુકાનને જોવા માટે આવે છે સહેલાણીઓનો હુજુમ, ‘મોદી ટી સ્ટોલ’ તરીકે છે લોકપ્રિય
ગુજરાતના વડનગર રેલવે સ્ટેશન પર આવેલ એક ચાની દુકાન પર્યટકો વચ્ચે ઘણી ફેવરેટ છે. આ ચાની દુકાન સામાન્ય નથી. આ દુકાનને જોવા માટે દૂર દૂરથી લોકો અહીં આવે છે. જી હાં, કારણ કે આ ચાની દુકાનનો સંબંધ છે દુનિયાના સૌથી મોટા લોકતંત્રના લોકપ્રિય અને લાડલા નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે. તો આવો આજે અમે પીએમ મોદીના જન્મદિવસે તેના અંગે જણાવીએ…
આપને જણાવી દઈએ કે વડનગર રેલવે સ્ટેશન પર સ્થિત આ ચાની દુકાન પર બાળપણમાં પીએમ મોદી તેમના પિતા દામોદાર મોદીને ચા વેચવામાં મદદ કરતા હતા. અત્યાર સુધી લાખો લોકોએ આ ચાની દુકાનની મુલાકાત લીધી છે અને સતત આ સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જોકે હવે સહેલાણીઓની સંખ્યા સતત વધતા અને સ્થાનની લોકપ્રિયતામાં વધારો થતા અમદાવાદના અંબાજી મંદિર તરફ જતા સમયે વચ્ચે આવનાર વડનગર રેલવે સ્ટેશનને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.
લાકડાની બનેલી આ દુકાનને તેના મૂળ સ્વરુપે જ રાખવા માટે હવે તેના ફરતે કાચનું કવર બનાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય પ્રવાસન વિભાગ આ સ્થળને એક ટૂરિસ્ટ સ્પોટ તરીકે વિકસિત કરવા માગે છે. વડનગર સ્ટેશનને વિકસિત કરવા માટે 8 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યા છે. ટૂંક સમયમાં જ વડનગર અને ઉંઝા વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવશે. આ ઉપરાંત પ્રવાસીઓ હાટકેશ્વર મહાદેવ મંદિર પર જાય છે. જ્યાં પીએમ મોદી ઘણીવાર પૂજા કરવા જતા હોય છે. તેથી ત્યાં પણ સુવિધાઓ વધારવામાં આવી છે.