નિર્ણય : બાઈડેન 20 જાન્યુઆરીએ પદભાર સંભાળતા જ સમગ્ર દેશમાં માસ્ક ફરજિયાત કરાવશે

નિર્ણય : બાઈડેન 20 જાન્યુઆરીએ પદભાર સંભાળતા જ સમગ્ર દેશમાં માસ્ક ફરજિયાત કરાવશે

  • કોરોનાના 1 કરોડથી વધુ કેસ અને આશરે અઢી લાખ મૃત્યુ બાદ અમેરિકા જાગ્યું
  • પેન્ડેમિક ટેસ્ટિંગ બોર્ડ બનાવી ટેસ્ટની સંખ્યા પણ વધારશે

કોરોના મહામારીએ સૌથી વધુ હાહાકાર અમેરિકામાં મચાવ્યો છે. ત્યાં અત્યાર સુધી 1.28 કરોડથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ચૂક્યા છે. 2.43 લાખ મૃત્યુ થયાં છે. આટલું બધું થવા છતાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે દેશમાં માસ્ક ફરજિયાત કરવાનો પ્રયાસ ન કર્યો. તે પોતે જ માસ્ક પહેરવાનું ટાળતા રહ્યા અને છેવટે ચેપગ્રસ્ત થયા. સારા સમાચાર એ છે કે નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે તે 20 જાન્યુઆરી 2021ના રોજ પદ સંભાળતા જ તમામ રાજ્યોમાં માસ્ક ફરજિયાત કરશે. તેના માટે તમામ રાજ્યોના ગર્વનર સાથે વાતચીત પણ કરશે. જો ગર્વનર નહીં માને તો બાઈડેન મેયર સાથે વાત કરશે.

બાઈડેન મહામારીનો સામનો કરવા નેશનલ સપ્લાય ચેન કમાન્ડરની નિમણૂક કરશે અને પેન્ડેમિક ટેસ્ટિંગ બોર્ડની રચના કરશે. આ પગલું પૂર્વ રાષ્ટ્રપતિ ફ્રેન્કલિન ડી રુઝવેલ્ટ દ્વારા બીજા વિશ્વયુદ્ધના સમયે રચાયેલ વૉર પ્રોડક્શન બોર્ડની તર્જ પર છે. વૉર પ્રોડક્શન બોર્ડનો ઉદ્દેશ્ય ઓછા સમયમાં ટેન્ક, બોમ્બ અને અન્ય હથિયારો તૈયાર કરવાનો હતો. બાઈડેન પેન્ડેમિક ટેસ્ટિંગ બોર્ડના માધ્યમથી ઓછા સમયમાં રેકોર્ડ સંખ્યામાં કોરોના ટેસ્ટિંગ કિટ સહિત અન્ય સામગ્રી તૈયાર કરાવવા માગે છે.

પેરિસ સમજૂતીમાં અમેરિકાની વાપસી માટે યુએનને પત્ર
બાઈડેનની ટીમે જણાવ્યું કે તે તેમના કાર્યકાળના પહેલા જ દિવસે સંયુક્ત રાષ્ટ્રને પત્ર લખશે. તેમાં તે ક્લાઈમેટ ચેન્જનો મુકાબલો કરવા પેરિસ સમજૂતીમાં અમેરિકાની વાપસીની જાહેરાત કરી શકે છે. 174 દેશ આ અભિયાનનો હિસ્સો છે પણ ટ્રમ્પે આ સમજૂતીથી અમેરિકાને બહાર નીકળવાનો નિર્ણય કર્યો હતો. ઉપરાંત આર્થિક રિકવરી અને જાતીય સમાનતા સંબંધિત અમુક જાહેરાતો કાર્યકાળના પહેલા દિવસે
જ કરી શકે છે.

મેલાનિયા ઈચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ હવે પરાજય સ્વીકારી લે
અમેરિકાની ફર્સ્ટ લેડી મેલાનિયા ટ્રમ્પ ઈચ્છે છે કે પતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં જો બાઈડેન દ્વારા મળેલા પરાજયને સ્વીકારી લે. સૂત્રો મુજબ મેલાનિયાએ ચૂંટણી અંગે જાહેરમાં કોઈ ટિપ્પણી નથી કરી પણ અંગતરૂપે ટ્રમ્પ સમક્ષ અભિપ્રાય રજૂ કર્યો હતો. ટ્રમ્પના જમાઈ અને તેમના વરિષ્ઠ સલાહકાર જેરેડ કુશનરે પહેલાંથી જ રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને દેખાતી સ્થિતિને સ્વીકારવા કહ્યું હતું.

ચીન અને રશિયાએ કહ્યું – અંતિમ પરિણામ પછી શુભેચ્છા પાઠવીશું
જો બાઈડેન અને કમલા હેરિસને દુનિયાભરમાંથી શુભેચ્છા સંદેશ મળી રહ્યા છે પણ ચીન, રશિયા અને મેક્સિકો જેવા અમુક દેશોએ હાલ મૌન સાધી રાખ્યું છે. ચીને સોમવારે બાઇડેનને શુભેચ્છા પાઠવવા ઈનકાર કરતાં કહ્યું કે અમે અંતિમ પરિણામની રાહ જોઈ રહ્યા છીએ. જ્યારે રશિયાએ ટ્રમ્પ તરફથી ગેરરીતિનો આરોપ અને કાયદાકીય વિકલ્પો અપનાવવાનો તર્ક આપી બાઇડેનને વિજેતા માન્યા નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે બાઈડેને ખુદને ચૂંટણીના વિજેતા જાહેર કર્યા છે. અમારું માનવું છે કે ચૂંટણીનાં પરિણામ અમેરિકી કાયદા અને પ્રક્રિયા મુજબ થશે. જ્યારે રશિયાએ ટ્રમ્પના સુરમાં સુર પૂરાવતા ચૂંટણીમાં ગેરરીતિનો મુદ્દો ઉઠાવ્યો હતો. રશિયાના ચૂંટણી પ્રમુખે સોમવારે કહ્યું કે અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેલ ઈન વોટિંગે મતદાનમાં ગેરરીતિનો માર્ગ મોકળો કર્યો હતો.