અમેરિકાનું નામ ‘અમેરિકા’ કેવી રીતે પડયું?

અમેરિકાનું નામ ‘અમેરિકા’ કેવી રીતે પડયું?

આખા વિશ્વએ અમેરિકાના પ્રમુખની ચૂંટણી રસપૂર્વક નિહાળી. અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં વિશ્વના દરેક દેશને રસ છે, કારણ કે અમેરિકા કાંઈ પણ કરે છે તો તેની સીધી અથવા આડકતરી અસર વિશ્વના દરેક દેશની રાજનીતિ અને અર્થતંત્ર પર પડે છે. અમેરિકા ખાડીના કોઈ દેશ સામે યુદ્ધ કરે તો બળતણના તેલમાં ભડકો થઈ શકે છે. અમેરિકાને કોઈ દેશ સાથે બનતું ન હોય અને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા તે દેશ પર આર્થિક નિયંત્રણો મૂલવી દે તો જે તે દેશનું અર્થતંત્ર ખોરવાઈ જતું હોય છે.

પરંતુ આજે અહીં અમેરિકાની રાજનીતિની વાત નથી. વિશ્વનો જમાદાર ગણાતો દેશ અમેરિકા આખરે શું છે તેની કેટલીક રસપ્રદ વાતો કરવી છે. વિશ્વભરમાં અમેરિકા યુનાઈટેડ સ્ટેટ ઓફ અમેરિકા તરીકે ઓળખાય છે. અમેરિકા ૫૦ જેટલાં રાજ્યોનો બનેલો દેશ છે. અમેરિકા મુખ્યત્વે મધ્ય, ઉત્તર અમેરિકામાં આવેલો છે. તેની ઉત્તરે કેનેડા અને દક્ષિણમાં મેક્સિકો છે. અમેરિકાનું પાટનગર વોશિંગ્ટન ડીસી છે. ન્યૂયોર્ક પછી તે સહુથી વધુ વસતી ધરાવતું શહેર છે.

અમેરિકાની વસતી ૩૨.૫ કરોડ લોકોની છે. આખું અમેરિકા ૩૭.૯ કરોડ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. વસતીની દૃષ્ટિએ તે વિશ્વનો ત્રીજો સહુથો મોટો દેશ છે.

અમેરિકામાં રહેતા નાગરિકોનું વંશીય પૃથક્કરણ કરીએ તો અહીં ૭૭.૨ ટકા ગોરા, ૧૩.૩ ટકા અશ્વેત, ૨.૬ ટકા બહુ વંશીય, ૫.૬ ટકા એશિયન્સ, ૧.૨ ટકા મૂળ અમેરિકન રહે છે. તે પૈકી ૭૦ ટકા ખ્રિસ્તી સમુદાયમાંથી આવે છે. તે પછી યહૂદીઓ અને બીજા એક ટકા કરતાં ઓછા છે.

અમેરિકામાં ભારતીય મૂળના ૪૦ લાખ લોકો રહે છે. તે પૈકી ૧૫ લાખ નાગરિકો મતદારો છે. તેમાંથી ૨૫ ટકા ગુજરાતી છે. આ ગુજરાતી મતદારોને આકર્ષવા જ ગયા વર્ષના નવેમ્બર માસમાં ‘હઉડી મોદી’નો ભવ્ય કાર્યક્રમ યોજ્યો હતો અને ભારતના વડાપ્રધાન મોદીની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવા પ્રેસિડેન્ટ ટ્રમ્પે એ કાર્યક્રમમાં હાજરી આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા જોઈ ટ્રમ્પ પણ વિચારમાં પડી ગયા હતા. યાદ રહે કે અમેરિકામાં વસતા ગુજરાતીઓ બંને પક્ષોને મોટું ચૂંટણીફંડ પણ આપે છે. બીજી એ વાત પણ નોંધવી જોઈએ કે અમેરિકાના પૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામા પણ પીએમ મોદીના મિત્ર રહ્યા છે.

અમેરિકામાં એચવન વિઝા ધરાવતા ૪ લાખ લોકો છે તેમાં ૩ લાખ ભારતીયો છે.

હવે ફરી એક વાર અમેરિકાના ઇતિહાસ પર આવીએ. અમેરિકાનું નામ ‘અમેરિકા’ કેમ પડયું તે પણ જાણવા જેવું છે. ઈ.સ. ૧૫૦૭માં જર્મન નકશા આલેખક માર્ટિન વાલ્ડસીમુલરે તૈયાર કરેલા નકશામાં આ વિસ્તારને ‘અમેરિકા’નામ આપ્યું હતું. તેનું કારણ રસપ્રદ છે. આ નકશો તૈયાર થયો તેના ઘણાં વર્ષો પૂર્વે ઈટાલીનો ‘અમેરિગો વેસ્યુસી’નામનો એક સંશોધક ફરતો ફરતો આ ભૂખંડ પર ગયો હતો અને લાંબી દરિયાઈ મુસાફરી બાદ ઈટાલી પાછો ફર્યો હતો. એણે આ ભૂખંડ પર કેટલીક નોંધ કરી હતી. આ બાબત જર્મન નકશા આલેખક માર્ટિનના ધ્યાન પર આવતાં એણે તૈયાર કરેલા નવા નકશામાં ઈટાલીના સંશોધક અને નકશા આલેખક અમેરિગો વેસ્યુસીના માનમાં આ ભૂખંડ પર ‘અમેરિગો’ એવું નામ લખ્યું હતું. એટલે કે વર્ષો પહેલાં ઈટાલીનો અમેરિગો જ્યાં જઈ આવ્યો હતો તે પ્રદેશ આ રીતે પશ્ચિમ ગોળાર્ધની ભૂમિને અમેરિગોના નામના આધારે ‘અમેરિકા’ એવું નામ પ્રાપ્ત થયું.

એ પછી બ્રિટિશ સંસ્થાનોએ પણ આ દેશના આધુનિક નામનો જ ઉપયોગ કરી સ્વતંત્રતાનું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જે તા. ૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ યુનાઈટેડ સ્ટેટસ ઓફ અમેરિકાનાં ૧૩ યુનાઈટેડ સ્ટેટસ દ્વારા અપનાવેલી સર્વસંઘની ઘોષણા હતી. યુનાઈટેડ સ્ટેટસ માટેનું એક જમાનામાં લોકપ્રિય નામ કોલંબિયા કે જે ક્રિસ્ટોફર કોલંબસના નામ પરથી આવ્યું હતું.

અમેરિકાનો કુલ જમીન વિસ્તાર ૧.૯ અબજ એકર છે. કેનેડા નજીકનું અને યુનાઈટેડ સ્ટેટસથી છૂટું પડતું અલાસ્કા ૩૬.૫ લાખ એકર વિસ્તાર ધરાવતું સહુથી મોટું રાજ્ય છે. રશિયા અને કેનેડા પછી અમેરિકા કુલ વિસ્તારની દૃષ્ટિએ વિશ્વનું ત્રીજું કે ચોથું સહુથી મોટું રાષ્ટ્ર છે. યાદ રહે કે આ દેશની સ્થાપના તા.૪ જુલાઈ, ૧૭૭૬ના રોજ ગ્રેટ બ્રિટનનાં ૧૩ સંસ્થાનોએ કરી હતી.

જેમણે ગ્રેટ યુનાઈટેડ કિંગ્ડમથી અલગ થઈને તેમની સ્વતંત્રતાની ઘોષણા કરી હતી. બળવાખોર રાજ્યોએ અમેરિકાની સ્વતંત્રતા માટે પ્રથમ સફળ સંસ્થાનવાદી યુદ્ધ, અમેરિકી ક્રાંતિ યુદ્ધમાં ગ્રેટ બ્રિટનને હાર આપી હતી. તા.૧૭ સપ્ટેમ્બર, ૧૭૮૭ના રોજ ફિલાડેલ્ફિયામાં મળેલા એક સંમેલને યુનાઈટેડ સ્ટેટસના હાલના બંધારણને અપનાવ્યું હતું.

અત્રે એ નોંધવું જોઈએ કે અમેરિકામાં ગુલામીની પ્રથા પણ હતી. કેટલાંક રાજ્યો વચ્ચે વિવાદો પણ થયા હતા. ૧૮૬૭માં અમેરિકામાં આંતરવિગ્રહ પણ થયો હતો. એક તબક્કે અમેરિકામાં ગુલામીની પ્રથાનો કાનૂની દૃષ્ટિએ અંત પણ આવ્યો હતો. ૧૮૭૦માં સુધીમાં અમેરિકા વિશ્વનું સહુથી મોટું અર્થતંત્ર પણ બન્યું હતું. ૧૯૪૫માં અમેરિકા બીજા વિશ્વયુદ્ધમાંથી બહાર આવ્યા બાદ એક અણુ તાકાત તરીકે એ દેશ પ્રસ્થાપિત થયો. અમેરિકા સંયુક્ત રાષ્ટ્રસંઘની સુરક્ષા સમિતિનું કાયમી સભ્ય બન્યું અને ‘નાટો’ના સ્થાપક તરીકે પણ સ્થાપિત થયું. અમેરિકા આજે પણ વસાહતીઓના દેશ તરીકે ઓળખાય છે. ઇતિહાસ એવો છે કે અલાસ્કાના વતની સહિતના અમેરિકાની મુખ્ય ભૂમિના નિવાસીઓ એશિયામાંથી સ્થળાંતર કરીને અહીં આવ્યા હતા. તેઓ કમ સે કમ ૧૨,૦૦૦ અને વધુમાં વધુ ૪૦,૦૦૦ વર્ષો પહેલાં અહીં આવતા થયા હતા. ૧૬૨૦માં નવી દુનિયાની ખોજ હેઠળ કેટલાક લોકોએ અહીં આવવા પ્રયત્નો કર્યા. જોકે ઈ.સ. ૧૪૯૨માં જેનોવાવાસી સંશોધક ક્રિસ્ટોફર કોલંબસ સ્પેનના રાજાના કરાર હેઠળ કેટલાક કેરેબિયન ટાપુ પર પહોંચ્યો હતો અને અહીંના મૂળ નિવાસી લોકો સાથે પ્રથમ સંપર્ક કર્યો હતો. એના ઘણાં વર્ષો બાદ યુરોપિયનો અહીં આવવા લાગ્યા. તેમ ‘મે ફ્લાવર’ નામના વહાણમાં આવેલા યુરોપિયનોની બીના જાણીતી છે.

અમેરિકાને વિશ્વના લોકો વિશ્વ જમાદાર કહે છે પરંતુ વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં અમેરિકાનું પ્રદાન નોંધપાત્ર છે. ચંદ્ર પર પહેલું માનવ ઉતરાણ અમેરિકાએ કર્યું. ૧૮૭૬માં એલેકઝાન્ડર ગ્રેહામ બેલે ટેલિફોનની શોધ કરી. અમેરિકાના જ થોમસ એડીસને ફોનોગ્રાફ અને વીજળીના બલ્બની શોધ કરી. તેમણે જ મૂવી કેમેરા પણ વિકસાવ્યો. નિકોલા ટેસ્લાએ ઓલ્ટરનેટિવ કરંટ, એસી મોટર અને રેડિયોની શોધ કરી. અમેરિકાના જ હેન્રી ફોર્ડે પ્રથમ ઓટોમોબાઈલ કંપની સ્થાપી. અમેરિકાના જ રાઈટ ભાઈઓએ પ્રથમ વિમાન ઉડાડયું. અણુબોમ્બ પણ પહેલી જ વાર અમેરિકામાં બન્યો. રોકેટયુગ અને અંતરીક્ષ સંશોધન કરતી ‘નાસા’ નામની સંસ્થા અમેરિકામાં જ છે. ઈન્ટરનેટનો વિકાસ પણ અમેરિકામાં જ થયો. ગૂગલ અને માઈક્રોસોફટ જેવી કંપનીઓ પણ અમેરિકામાં જ વિકસી. વિશ્વને શ્રેષ્ઠ ફિલ્મો આપનાર હોલિવૂડ પણ અમેરિકામાં જ છે. વોલ્ટ ડિઝનીનું ડિઝની વર્લ્ડ પણ અમેરિકામાં જ છે.

એક અંદાજ પ્રમાણે દર એક હજાર અમેરિકને ૭૫૯ મોટરકારો છે. જ્યારે યુરોપના દેશોમાં દર એક હજારે ૪૭૪ મોટરકારો જ છે.

અમેરિકામાં વિમાનો પણ બને છે. ન્યૂયોર્ક અને શિકાગો જેવાં શહેરોનાં વિમાનીમથકો વિશ્વનાં સહુથી વ્યસ્ત એરપોર્ટ્સ મનાય છે. વિશ્વનાં સહુથી વ્યસ્ત ૩૦ વિમાનીમથકો પૈકી ૧૬ વિમાનીમથકો અમેરિકાનાં છે. તેમાં સહુથી વ્યસ્ત હાર્ટ્સફિલ્ડ નેકસન એટલાન્ટા હવાઈમથક છે. વિશ્વનો અનેક વાર નાશ કરી શકે તેવા સહુથી વધુ પરમાણુ બોમ્બ પણ અમેરિકા પાસે જ છે.

ગીત, સંગીત અને ફિલ્મની દુનિયામાં પણ અમેરિકા અગ્રેસર છે. વિશ્વના શ્રેષ્ઠ ફિલ્મ સ્ટુડિયોઝ અમેરિકામાં છે. ‘સ્ટારવોર્સ’ અને ‘ટાઈટેનિક’ જેવી ફિલ્મો અમેરિકાએ જ આપેલી છે. એક જમાનાના શ્રેષ્ઠ કલાકારો જ્હોન વેઈન, ગ્રેગરી પેક, મેરિલિન મનરો, માઈકલ જેક્સન, મેડોના પણ અમેરિકન જ હતાં. રોક એન્ડ રોલ્સનો ઉદ્ભવ પણ અમેરિકામાં જ થયો.

યુટયુબ, માય સ્પેસ, ફેસબુક અને વિકિપીડિયા જેવી લોકપ્રિય વેબસાઈટ્સ પણ અમેરિકામાં જ હેડક્વાર્ટર ધરાવે છે.

આ છે અમેરિકા

( Source – Sandesh )