ભેદભાવ:અમદાવાદમાં બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં સરકારી જંત્રી ઓછી તેને વધુ વળતર અને જંત્રી વધુ તેને ઓછું વળતર

ભેદભાવ:અમદાવાદમાં બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં સરકારી જંત્રી ઓછી તેને વધુ વળતર અને જંત્રી વધુ તેને ઓછું વળતર

  • વળતરની ગંગા ઊંધી ચાલતા જમીન સંપાદનમાં અડચણ આવે છે, જમીનધારકો નારાજ
  • અમદાવાદમાં પણ જમીન સંપાદનમાં બુલેટ ટ્રેનના અધિકારીઓ ઉપકાર કરતા હોય તેવું વર્તન કરે છે

બુલેટ ટ્રેન જમીન સંપાદન પ્રક્રિયામાં સરકારે જે જંત્રી નક્કી કરી છે તેના કરતા પણ ઊંધી પ્રક્રિયા હાથ ધરાઇ રહી હોવાનું બહાર આવ્યું છે. સુત્રોના કહ્યા પ્રમાણે અમદાવાદમાં જ બુલેટ ટ્રેન સંપાદનમાં એવી પરિસ્થિતિ છે કે, બુલેટ ટ્રેન જમીન સંપાદનમાં અધિકારીઓ તેની મનમાની કરતા હોય તેવું બહાર આવ્યું છે. સરકારે જે જમીનની જંત્રી ઓછી નક્કી કરી છે તે જમીન ધારકોને વધારે વળતર અપાય છે અને જે જમીનની વધુ જંત્રી નક્કી કરી છે તેને ઓછું વળતર અપાતું હોવાનું બહાર આવ્યું છે. આ અંગે રજૂઆતો છતાં કોઈ નિવેડો ન આવતાં છેવટે જમીન ધારકો કાયદાકીય રસ્તો અપનાવી રહ્યા છે.

બુલેટ ટ્રેનમાં સંપાદિત જમીનના વળતરમાં ભેદભાવ!
બુલેટ ટ્રેનમાં જમીન આપવા માટે જમીન ધારકો તૈયાર છે,પણ જે રીતે જમીન સંપાદન અને વળતર અપાય છે તેમાં ભેદભાવ રખાય છે. એક જમીનનું વળતર વધારે તો બાજુની જમીનનું વળતર ઓછું અપાય છે. પરિણામે કોર્ટ કાર્યવાહીની સ્થિતિ સર્જાય છે.

એપેલેટ ઓથોરિટી કયાં છે તે પણ ખબર નથી !
અમદાવાદમાં સંપાદન કર્યા પછી વળતર બાબતે વિવાદ હોય તો તે માટે એપેલેટ ઓથોરીટી નિમવામાં આવી છે. પણ, તે કયાં બેસે છે તેની જાણ જમીન ધારકને મળતી નથી.