રેલવે ભરતી:રેલવેમાં 2.65 લાખ જગ્યા ખાલી, જેટલા નિવૃત્ત થઇ રહ્યા છે તેનાથી અડધી જ ભરતી થઈ રહી છે

રેલવે ભરતી:રેલવેમાં 2.65 લાખ જગ્યા ખાલી, જેટલા નિવૃત્ત થઇ રહ્યા છે તેનાથી અડધી જ ભરતી થઈ રહી છે

  • માત્ર 18% જગ્યાઓ પર ભરતી, જેમાંથી 85% સેફ્ટી કેટેગરીની
  • 2008થી 2018 સુધી રિટાયરમેન્ટના પ્રમાણમાં ઓછી ભરતીઓ ​​​​​​​
  • રેલવેના વિવિધ વિભાગોમાં હાલ 2,65,547 જગ્યાઓ ખાલી છે, જે રેલવેમાં સ્વીકૃત જગ્યાઓના અંદાજે 18% છે. ખાલી જગ્યાઓ પૈકી 2,177 ગેઝેટેડ અને 2,63,370 નોન-ગેઝેટેડ છે. એવું નથી કે આટલી મોટી સંખ્યામાં જગ્યાઓ એક-બે વર્ષમાં પડી છે. ઘણા વર્ષોથી આ સ્થિતિ છે.

    તેનું મોટું કારણ એ છે કે નિવૃત્ત થતા કર્મચારીઓની સરખામણીમાં નવી ભરતી અડધી જ છે. 2008થી 2018 સુધી દર વર્ષે નિવૃત્ત થતા કર્મચારીઓની સરખામણીમાં ભરતી ઓછી થઇ. જોકે, 2019-20માં નવી 1,28,456 ભરતી થઇ, જે તે વર્ષે નિવૃત્ત થયેલા કર્મચારીઓની સંખ્યા (47 હજાર)થી ત્રણ ગણી છે. છેલ્લા 3 વર્ષમાં રેલવેમાં 1,50,483 જગ્યાઓ ભરાઇ છે જ્યારે 2014થી ’19 દરમિયાન 1,84,262 ભરતી થઇ. રેલવેમાં કુલ 15,24,127 જગ્યાઓ સ્વીકૃત છે.

    ખાલી જગ્યાઓ નહીં ભરાય તો ભવિષ્યમાં સંકટ ઊભું થશે. ડિસેમ્બર સુધીમાં હજુ અંદાજે 50 હજાર કર્મચારીઓ નિવૃત્ત થશે.- શિવ ગોપાલ મિશ્ર, મહાસચિવ, એઆઇઆરએમએફ

    ખાલી જગ્યાઓ ન ભરાવાથી રેલવેકર્મીઓ પર કામનો બોજ વધી ગયો છે, જેની અસર તેમના કામ પર પડે છે. - ઓ. પી. શર્મા, ઝોનલ સેક્રેટરી, ઇસીઆર ઓલ ઇન્ડિયા મેન્સ ફેડરેશન