કબૂતરબાજીમાં મોટો ઘટસ્ફોટ - મહેસાણાના કબૂતરબાજોએ અત્યાર સુધી 30 કુટુંબોને અમેરિકા મોકલ્યા, પ્રતિ ફેમિલિ રૂ.1.20 કરોડના ભાવે 36 કરોડ વસૂલ્યા

કબૂતરબાજીમાં મોટો ઘટસ્ફોટ - મહેસાણાના કબૂતરબાજોએ અત્યાર સુધી 30 કુટુંબોને અમેરિકા મોકલ્યા, પ્રતિ ફેમિલિ રૂ.1.20 કરોડના ભાવે 36 કરોડ વસૂલ્યા

 
  • 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ કબ્જે કર્યા
  • થોડા દિવસ પહેલા કેનેડા બોર્ડર પર ગુજરાતી પરિવાર ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશવા જતા ઠંડીમાં થીજીને મોતને ભેટ્યું હતું. આ કરૂણાંતિકા બાદ ગુજરાત પોલીસે ગેરકયદે રીતે વિદેશ મોકલનાર કબૂતરબાજો સામે લાલ આંખ કરી એક બાદ એક અનેક લોકોને ઝડપી લીધા છે. આ મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે હરેશ પટેલ નામના કબૂતરબાજની ધરપકડ કરી છે અને ગેરકાયદે રેકેટનો પર્દાફાશ કર્યો છે. હરેશ પટેલે પૂછપરછમાં સ્વીકાર્યું કે, 28થી 30 કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. જેમાં એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ લીધા છે.

    ખોટા આઈડી પ્રૂફ દ્વારા ખોટો પાસપોર્ટ બનાવડાવ્યો
    ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, મહેસાણા ખાતેનો કબૂતરબાજ એવા હરેશ પટેલ-હાર્દિક પટેલ, રાજુ પ્રજાપતિ અને શિલ્પાબેન પટેલને ગેરકાયદે રીતે અમેરિકા મોકલવાના છે, જે માટે તેમને બંનેને નકલી પતિ-પત્ની બનાવ્યા છે. જેમાં રાજેન્દ્ર પટેલ અને કામિની પટેલ નામના ખોટા આઈડી પ્રૂફ દ્વારા ખોટો પાસપોર્ટ બનાવ્યો છે. તેમજ 2 બાળકને તેમના બાળકોને બતાવીને તેમની સાથે મોકલવાના હતા. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે બંને કબૂતરબાજ તથા અમદાવાદના અન્ય એજન્ટ રજત ચાવડા અને નકલી દસ્તાવેજ પર અમેરિકા જનાર વ્યક્તિઓની ધરપકડ કરી હતી.

    અનેક બેંકોમાં ખોલાવેલા ખાતાઓની પાસબુક કબ્જે કરી
    આ અંગે ક્રાઇમ બ્રાન્ચના DCP ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે ક્રાઈમ બ્રાન્ચે આરોપી હરેશ પટેલ પાસેથી 78 પાસપોર્ટ, 44 આધારકાર્ડ, 13 ઇલેક્શન કાર્ડ, 23 પાનકાર્ડ અને અન્ય દસ્તાવેજ કબ્જે કર્યા છે. આ ઉપરાંત આરોપી રજત ચાવડા પાસેથી યુનિયન બેંક,બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા, કાવ્ય વિઝા કન્સલ્ટન્ટન્સીના રબર સ્ટેમ્પ તથા બેંકમાં ખોલાવેલ નકલી એકાઉન્ટની પાસબુક કબજે કરી છે.

    મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા
    અરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપીએ અત્યાર સુધી 28 થી 30 કુટુંબોને ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. જેમાં એક વ્યક્તિ દીઠ 60 થી 65 લાખ લીધા છે. બે બાળકોને સાથે મોકલવાના હતા, તેમના માતા-પિતાને અગાઉ જ ગેરકાયદે રીતે અમેરિકા મોકલેલા છે. કબૂતરબાજોની સિન્ડિકેટ દ્વારા અમેરિકામાં ગેરકાયદે રીતે પ્રવેશવા માટે યુરોપના દેશોના ટેમ્પરરી વિઝા અપાવી ત્યાંથી મેક્સિકો મારફતે અમેરિકામાં ઘૂસણખોરી કરાવતા હતા. હવે વિઝા પ્રોસેસ કડક ચેકીંગ થતા નાઇઝીરિયા થઈ મેક્સિકો અને ત્યાંથી અમેરિકા ઘૂસણખોરી કરાવે છે.

    આ રીતે આખું રેકેટ પકડ્યું
    ઈનપુટના આધારે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવીર સિંહ અને નાયબ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલિકે કાયદેસરની કાર્યવાહીની સૂચના આપી હતી. દરમિયાન પોલીસે ટેક્નિકલ રિસોર્સિસ તેમજ હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી પાસપોર્ટ માટે રજૂ કરાયેલા પુરાવા અંગેના દસ્તાવેજો અમદાવાદના પાસપોર્ટ અધિકારી પાસેથી માહિતી મગાવી તપાસ કરી હતી. જેમાં રાજુ પ્રજાપતિ તથા રાજેન્દ્ર ભીખાભાઈ પટેલ નામના પાસપોર્ટ બનાવવા માટે રજૂ કરેલા આધારકાર્ડના નંબર એક જ હતા. જોકે સરનામું અને જન્મ તારીખ અલગ અલગ દર્શાવ્યા હતાં. રજૂ કરેલું પાનકાર્ડ એક જ વ્યક્તિના ફોટોગ્રાફવાળા પણ અલગ-અલગ નામવાળાં હતાં, જેથી તમામ દસ્તાવેજ બોગસ હોવાનું જણાઈ આવ્યું હતું.

    આરોપીઓ છેલ્લાં 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ
    આરોપીઓની પૂછપરછમાં હકીકત સામે આવી હતી કે હરેશકુમાર અંબાલાલ પટેલ તથા હાર્દિક પટેલ છેલ્લાં 3 વર્ષથી પાસપોર્ટ એજન્ટ તરીકે કામ કરે છે. આજ દિવસ સુધી તેમણે ત્રીસેક જેટલા ભારતીય નાગરિકોને પાસપોર્ટ તેમજ વિઝા કઢાવી આપી વિદેશ મોકલી આપ્યા છે.

    બે લોકોને આ રીતે મોકલવાતા વિદેશ
    આરોપી રાજુ પ્રજાપતિ અને શિલ્પા પટેલને US જવું હોવાથી આરોપી હરેશ પટેલ અને હાર્દિક પટેલનો સંપર્ક કર્યો હતો. આ બંને આરોપીએ રાજુ અને શિલ્પા બંને સિંગલ હોવાથી અમેરિકા જવા માટે ફેમિલી ગ્રુપ તરીકે વિઝા પ્રોસિઝર કરવા માટે તેમના ડુપ્લિકેટ પાસપોર્ટ બનાવી રાજુને રાજેન્દ્ર પટેલ અને શિલ્પાને રાજેન્દ્ર પટેલનાં પત્ની કામિની પટેલના નામે ખોટા પાસપોર્ટ બનાવી ખોટો પરિવાર બનાવી આપ્યો હતો. એના આધારે બંનેને નાઈજીરિયાના વિઝા માટે દિલ્હી લઈ જઈ વિઝા એપ્લાય કરાવ્યા હતા. તેના આધારે તેઓ નાઈજીરિયાથી મેક્સિકો ઓન એરાઈવલ વિઝા કરાવીને યુએસ-મેક્સિકો બોર્ડરથી યુએસ રેફ્યુજી કેમ્પમાં મોકલી હંગામી અમેરિકન સિટિઝનશિપ અપાવી સ્થાયી કરવાની ફિરાકમાં હતા.

    ફેમિલી હોય તો સવા કરોડનો ચાર્જ વસૂલતા
    આ રેકેટમાં સંડોવાયેલા હરેશ પટેલ, હાર્દિક પટેલ તથા પાસપોર્ટ એજન્ટ રજત ચાવડાને તેમની ઉપરના દિલ્હી સ્થિત એજન્ટો મારફત સમગ્ર નેટવર્ક ચલાવે છે. એમાં વિદેશમાં તથા યુએસએ ખાતે સ્થાયી થવા ઈચ્છતા લોકો પાસેથી વ્યક્તિદીઠ રૂ. 60થી 65 લાખ, જ્યારે 3 લોકોના પરિવાર પાસેથી રૂ. 1.20 કરોડથી રૂ. 1.30 કરોડ સુધીની રકમ નક્કી કરતા હતાં. જે વ્યક્તિ કે ફેમિલીને ભારતથી ડુપ્લિકેટ પાસપોર્ટ કઢાવી આપવાથી યુએસએ-વિદેશના રેફ્યુજી કેમ્પમાંથી બહાર લાવવા સુધીની જવાબદારી એજન્ટો લેતા હોય છે. સંપૂર્ણ કામ પૂર્ણ થયા બાદ જ પેમેન્ટની ચુકવણી થતી હોય છે. પાસપોર્ટના કૌભાંડની સમગ્ર તપાસ પીઆઈ ડીબી બારડના સુપરવિઝન હેઠળ પીએસઆઈ એબી જેબલિયા ચલાવી રહ્યા છે.

    આરોપીઓ

    1) રાજુ પ્રજાપતિ- વડસમા ,મહેસાણા

    2) હરેશ અંબારામ પટેલ, મહેસાણા

    3) હાર્દિક હરેશ પટેલ, મહેસાણા

    4) રજત નટવર ચાવડા- શાહીબાગ અમદાવાદ

  • ( Source - Divyabhaskar )