PAKનું રાજકારણ ભારતના માર્ગે:કેજરીવાલના પક્ષની માફક પાકિસ્તાનમાં પણ બની આમ આદમી પાર્ટી; પરિવારવાદને ખતમ કરી આમ નાગરિકને સત્તામાં લાવશે
- નવેમ્બર, 2021માં પાકિસ્તાનના ચૂંટણી પંચ સમક્ષ રજિસ્ટ્રેશન થયેલું
- જોકે, પક્ષના લોંચિંગનો સમારંભ રવિવારે યોજવામાં આવ્યો હતો
-
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની પાર્ટી સત્તામાં આવ્યાના પાંચ વર્ષ હજુ પૂરા થયા નથી, પણ હવે તેમના વિકલ્પ અંગે ચર્ચાએ વેગ પકડ્યો છે. પાકિસ્તાનમાં અત્યારે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીની માફક આમ આદમી મૂવમેન્ટની રચના કરવામાં આવી છે.
પાકિસ્તાનના ભૂતપુર્વ લશ્કરી અધિકારી મેજર જનરલ સાદ ખટ્ટુકે પાકિસ્તાન આમ આદમી મૂવમેન્ટ (PAAM)ની રચના કરવાની જાહેરાત કરી છે. ખટ્ટુકના જણાવ્યા પ્રમાણે આ રાજકીય પક્ષનો ઉદ્દેશ પરિવારવાદના રાજકારણને ખતમ કરવી આમ આદમીને સત્તામાં લાવવાનો છે.
- અત્રે ઉલ્લેખનીય છે કે ખટ્ટુક અગાઉ શ્રીલંકામાં પાકિસ્તાનના રાજદૂત રહી ચુક્યા છે. પોતાની 35 વર્ષની સૈન્ય કેરિયરમાં ખટ્ટુકે વિવિધ ઓપરેશનલ ટ્રેનિંગ, લીડરશીપ અને અનેક અસાઈન્મેન્ટ પર કામ કર્યું છે. તેઓ બલુચિસ્તાન અને FATA (2018માં બલુચિસ્તાનમાં સામેલ)માં સુરક્ષા તથા આતંકવાદ વિરોધી અભિયાનમાં સક્રિયપણે સામેલ રહ્યા હતા.
- પાકિસ્તાનના અખબાર ડોનના અહેવાલ પ્રમાણે કરાચી પ્રેસ ક્લબમાં પોતાના રાજકીય પક્ષના શુભારંભ સમારંભને સંબોધિત કરતા ખટ્ટુકે કહ્યું કે તેમનો પક્ષ પ્રજાના ખરા પ્રતિનિધિત્વ તરીકે ઉભરી આવશે અને આમ આદમીને સત્તામાં લાવશે. આ પાર્ટી અન્ય રાજકીય પક્ષોની માફક પોતાના અંગત સ્વાર્થ માટે સામાન્ય પ્રજાનો ઉપયોગ નહીં કરે.
-
તેમણે દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે દેશની સત્તામાં બેઠેલા લોકોએ રાજકારણમાં સામાન્ય પ્રજાને અપ્રાસંગિક બનાવી દીધા છે. હવે સમય આવી ગયો છે કે પરિવારો, સામંતો અને ઉદ્યોગપતિઓનું પ્રભૂત્વ ધરાવતા રાજકારણનો અંત લાવવામાં આવે અને લોકો અને સામાન્ય લોકોને યોગ્ય તક આપવામાં આવે.
નિવૃત જનરલે PAAMને આમ આદમીને રાજકીય મંચ આપવા અને ઉદ્યોગપતિઓના પ્રભૂત્વને ખતમ કરવાના આંદોલન ગણાવ્યું અને કહ્યું કે પાર્ટી દેશમાં વ્યવસ્થાને બદલવા માટે પ્રયત્ન કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નવેમ્બર, 2021માં પાકિસ્તાનના ચૂંટણી પંચ સમક્ષ PAAMનું રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. જોકે, તેનો લોંચિંગ સમારોહ રવિવારે યોજવામાં આવ્યો હતો. આ સમયે PAAMના નેતાઓએ પત્રકારો સમક્ષ પાર્ટીનું ઘોષણાપત્ર રજૂ કર્યું હતું, જેમાં ઈ-ગવર્નન્સ, શિક્ષણ, સ્વાસ્થ્ય, યુવાનોને સશક્ત કરવા, પર્યાવરણ, કાયદો-વ્યવસ્થા અને અન્ય પ્રણાલીને કેન્દ્રમાં રાખવામાં આવી છે.