અમદાવાદીઓની ગેરમાર્ગે દોરવણી?:કોરોનાની સારવાર માટે AMCએ માત્ર 51 હોસ્પિટલને નોટિફાય કરી છે, જ્યારે સરકારી એપ 200થી વધુ દર્શાવે છે

અમદાવાદીઓની ગેરમાર્ગે દોરવણી?:કોરોનાની સારવાર માટે AMCએ માત્ર 51 હોસ્પિટલને નોટિફાય કરી છે, જ્યારે સરકારી એપ 200થી વધુ દર્શાવે છે

  • હોસ્પિટલોમાં ખાલી બેડની માહિતી આંગળીના ટેરવે આપવાના હેતુથી બનાવવામાં આવેલી એપ ગેરમાર્ગે દોરે છે
  • GERMISની એપમાં શહેરની 200થી વધુ હોસ્પિટલનો ડેટા મૂકી દેવામાં આવતાં ગૂંચવાડો સર્જાયો
  • એપ્લિકેશન લોન્ચ કરવાની હોવાથી હોસ્પિટલોની મંજૂરી વગર જ ડેટા અપલોડ કરવામાં આવ્યો
  • કોરોનાની ત્રીજી લહેરને ધ્યાને રાખી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ગુજરાત એપિડેમિક રિસ્પોન્સ મેનેજમેન્ટ ઈન્ફોર્મેશન સિસ્ટમ (GERMIS) 15 દિવસ પહેલા લોન્ચ કરી હતી. એપ્લિકેશન તૈયાર કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ ગુજરાતની પ્રજાને આંગળીના ટેરવે રાજ્યની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં ખાલી બેડની વિગતો મળી રહે તે હતો. જો કે હાલ આ એપ્લિકેશન લોકોને ગેરમાર્ગે દોરી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.

    GERMIS એપ્લિકેશનમાં કોરોનાની સારવાર માટે અમદાવાદની 200થી વધુ હોસ્પિટલનો ડેટા મૂકવામાં આવેલો છે. જો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 13 જાન્યુઆરી સુધીમાં શહેરની માત્ર 51 હોસ્પિટલને જ નોટિફાય કરી છે. એટલે કે તે મુજબના એમઓયુ કરેલા છે. રાજ્ય સરકારમાં GERMIS એપ્લિકેશનનું સંચાલન કરતા એક અધિકારીએ કબૂલ્યુ કે, એપ્લિકેશનની આ ખૂબ મોટી ખામી છે.

    તેમણે કહ્યું કે, ખાસ કરીને રાજ્યના છેવાડાના એવા જિલ્લાઓ કે જ્યાં હોસ્પિટલ સેવા ઉપલબ્ધ નથી એવા જિલ્લાઓમાં હાલ જે પ્રકારે કોરોના કેસ વધી રહ્યાં છે ત્યાંથી ફરિયાદો આવવાની શરૂઆત થઈ ચૂકી છે. આ બાબતે આરોગ્ય વિભાગના અધિકારીઓનું ધ્યાન દોરવામાં આવ્યું છે, પરંતુ નિર્ણય લેવાના અભાવે સિસ્ટમમાં સુધારો લાવવા વિલંબ થઈ રહ્યોં છે. મોબાઈલ એપ્લિકેશન પાછળ સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ તે હાલ પ્રજા માટે બિનઉપયોગી સાબિત થઈ રહ્યોં છે. 28 ડિસેમ્બરે મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીએ આ એપ્લિકેશન લોન્ચ કરી હતી.

    રાજ્ય સરકારની સત્તાવાર www.gujhealth.gujarat.gov.in વેબસાઈટ પર મૂકેલી લિન્ક પર ક્લિક કરી આ એપ્લિકેશન ડાઉનલોડ થઈ શકે છે. આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું કે, અત્યાર સુધી જુદાજુદા 15 મોટા શહેર અને જિલ્લામાંથી ફરિયાદો આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા બીજી લહેરમાં જેટલી હોસ્પિટલો નોટિફાઈડ કરી હતી તે તમામને કોઈ પ્રકારની જાણ કર્યા વગર વિગતો અપલોડ કરવામાં આવી છે. છેલ્લા બે મહિનાથી એપ્લિકેશનમાં હોસ્પિટલ અને લેબોરેટરીનો ડેટા અપલોડ કરવામાં આવી રહ્યોં હતો. મુખ્યમંત્રી એપ્લિકેશન લોન્ચ કરવાના હતા ત્યારે કાર્યક્રમમાં આરોગ્ય વિભાગનો ફિયાસ્કો ના થાય તે માટે હોસ્પિટલોની મંજૂરી વગર જ તેમના નામો એપ્લિકેશનમાં અપલોડ કરવામાં આવ્યા હતા. આ મામલે આરોગ્ય વિભાગના એક પણ ઉચ્ચ અધિકારી બોલવા તૈયાર નથી.

    NHP પોર્ટલની કોપી કરવા ગયા પણ મહત્ત્વનો ડેટા સમાવવામાં નિષ્ફળતા
    કેન્દ્ર સરકારના નેશનલ હેલ્થ પોર્ટલ (NHP) પર જે પ્રકારે દર્દીને મદદરૂપ માહિતી ઉપલબ્ધ છે તે પ્રકારે ગુજરાત સરકારે પણ GERMIS એપ્લિકેશન શરૂ કરી હતી. જોકે સરકારના અધિકારીઓ એપ્લિકેશનમાં મહત્ત્વના ક્રિડેન્શિયલ્સ મૂકવામાં જ નિષ્ફળ ગયા હોવાનું ખુદ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ જણાવી રહ્યાં છે. GERMIS એપ્લિકેશન ઉપર હાલ રાજ્યના હોસ્પિટલોની જે વિગતો મૂકાઈ છે તે ડેટા બીજી લહેર મુજબનો છે.