WHOના નિવેદન પર ધ્યાન આપો:2022ના મધ્ય સુધીમાં દરેક દેશમાં 70 ટકા લોકો વેક્સિનેટેડ થઈ જાય તો આ મહામારીને ખતમ કરી શકાય
કોરોના વાઇરસના નવા વેરિયન્ટ ઓમિક્રોન આવ્યા પછી દેશમાં સંક્રમણની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોવિડના 1,94,720 લાખ નવા કેસ આવ્યા છે અને સંક્રમણનો દર 11.05 ટકા થઈ ગયો છે. જો ઓમિક્રોનની વાત કરીએ તો દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,868 નવા કેસ નોંધાયા છે. કોરોના મહામારીની નવી લહેર વચ્ચે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ ફરી દુનિયાના દરેક દેશ સુધી વેક્સિન પહોંચાડવાની વાત કરી છે.
WHOના પ્રમુખે કહ્યું હતું કે આ મહામારીને સમાપ્ત કરવી શક્ય છે, પરંતુ એ માટે કડક પગલાં લેવા પડશે. WHO ચીફ ટેડ્રોસ એડનોમે કહ્યું હતું કે ચોક્કસપણે કોવિડને હરાવી શકાય છે, પરંતુ એ માટે સમગ્ર દુનિયાની સરકાર અને વેક્સિનેશન ઉત્પાદકોએ 2 વાત માટે વિશ્વાસ અપાવવો પડશે. પહેલો એ કે એવા દેશો, જ્યાં વેક્સિન નથી પહોંચી, પરંતુ કોરોનાનું જોખમ છે, એ દેશોમાં વેક્સિનની સપ્લાય વધારવી પડશે અને બીજું એ કે વેક્સિન આપવા માટે જરૂરી સંસાધનો હોવા જોઈએ. આપણે ત્યાં સુધી સુરક્ષિત નથી, જ્યાં સુધી દરેક વ્યક્તિ સુરક્ષિત નથી.
WHO પ્રમુખે 2021ના તેમના છેલ્લા સંબોધનમાં પણ એવું કહ્યું હતું કે કોઈપણ દેશ આ મહામારીથી નથી બચ્યું. અમારી પાસે કોવિડ-19ને રોકવા અને એનો ઈલાજ કરવા ઘણાં નવાં સાધનો છે. વેક્સિનની અસામનતા (ઘણા નાના અને ગરીબ દેશોમાં વેક્સિન પહોંચી નથી) જેટલી લાંબી ચાલશે ત્યાં સુધી સંક્રમણ વધવાનું જોખમ વધારે જ રહેશે, જેને આપણે રોકી શકીશું નહીં. જો આપણે વેક્સિનની અસમાનતાને પૂરી કરીશું તો આપણે મહામારીને પણ ખતમ કરી દઈશું
સમગ્ર દુનિયામાં 70 ટકા વેક્સિનેશનનું લક્ષ્ય
WHO ચીફે કહ્યું હતું કે કોવિડ-19 મહામારીએ ત્રીજા વર્ષે ત્રીજી લહેરમાં પ્રવેશ કરી દીધો છે. જો આપણે બધા સાથે મળીને આની સાથે લડીશું તો આ વર્ષે આપણે આ મહામારીને ખતમ કરી શકીશું. વધુમાં તેમણે કહ્યું હતું કે 2022ના મધ્ય સુધીમાં દરેક દેશમાં 70 ટકા લોકો વેક્સિનેટેડ થઈ જાય તો આ મહામારીને ટક્કર આપી શકાય છે.
વેક્સિન અસમાનતા વિશે ચિંતા વ્યક્ત કરી
WHO ચીફ 2022થી જ વેક્સિન અને તેનાં પૂરતાં સાધનોના મહત્ત્વ પર ભાર આપી રહ્યા છે. તેમણે આ વાત ફરી રિપીટ કરી છે કે વિશ્વના નેતાઓએ વેક્સિનની અસમાનતાને પૂરી કરવી જોઈએ, કારણ કે ઘણા દેશોમાં વેક્સિનની અછતને કારણે દેશમાં એક મોટો વર્ગ વેક્સિનેટેડ થઈ શકતો નથી. જ્યારે અમુક અમીર દેશોએ તેમના ત્યાં બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી દીધી છે.
જ્યારે ગયા સપ્તાહે જ વેક્સિનની અસમાનતા વિશે WHO ચીફે કહ્યું હતું કે જો આપણે વેક્સિનને યોગ્ય રીતે શેર કરવામાં અસફળ રહ્યા તો વાઇરસના નવા વેરિયન્ટ આવતા રહેશે અને આપણને બરબાદ કરતા રહેશે.