ડુક્કરનું હૃદય ધબકશે માણસના શરીરમાં !:USના ડોક્ટર્સનો ગજબ પ્રયોગ, માનવશરીરમાં ડુક્કરના હૃદયનું સફળ ટ્રાન્સપ્લાન્ટ; ભવિષ્યમાં દર્દીઓ માટે નવો વિકલ્પઃ તબીબો
મેરીલેન્ડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટ નામના દર્દીમાં ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરાયું
મેડિકલ સાયન્સની દુનિયામાં અમેરિકન ડોક્ટરોએ નવો રેકોર્ડ બનાવ્યો છે. ડોકટરોએ ડુક્કરનું હૃદય માનવશરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે. ડોકટરોએ જિનેટિકલી મોડિફાઈડ પિગના હૃદયને 57 વર્ષના માણસમાં સફળતાપૂર્વક ટ્રાન્સપ્લાન્ટ કરીને મોટી સફળતા મેળવી છે. આ સફળતાથી હવે અંગદાનની અછતને દૂર કરવામાં પણ મદદ મળી શકે છે.
યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડ મેડિકલ સ્કૂલે સોમવારે એક નિવેદન જારી કરીને કહ્યું કે આ 'ઐતિહાસિક' હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ' શુક્રવારે કરવામાં આવ્યું હતું. જોકે તેમણે એમ પણ કહ્યું હતું કે આ ટ્રાન્સપ્લાન્ટ પછી પણ દર્દીના રોગની સારવાર હજુ નિશ્ચિત નથી, પરંતુ પ્રાણીના હૃદયનું માનવમાં ટ્રાન્સપ્લાન્ટની આ પ્રક્રિયા એક સીમાચિહનરૂપ સાબિત થશે.
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, મેરીલેન્ડના રહેવાસી 57 વર્ષીય ડેવિડ બેનેટ નામના દર્દીને ઘણી ગંભીર બીમારીઓ હતી. હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે તેમને યોગ્ય માનવામાં આવતા નહોતા, પરંતુ તેની હાલત ખૂબ જ ખરાબ હોવાથી તેમનો જીવ બચાવવા માટે આ નિર્ણય લેવો પડ્યો હતો અને અંતે, ડેવિડના શરીરમાં એક ડુક્કરનું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું.
ટ્રાન્સપ્લાન્ટ પછી દર્દીની સ્થિતિ કેવી છે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે સફળ ટ્રાન્સપ્લાન્ટ પછી ડેવિડ બેનેટ હવે સ્વસ્થ થઈ રહ્યા છે. તેમના શરીરમાં નવું અંગ કેવી રીતે કામ કરી રહ્યુ છે, તેના પર અમેરિકાના ડોકટરો/સર્જન નજર રાખી રહ્યા છે. તેમની તપાસ અને દેખરેખ કાળજીપૂર્વક કરવામાં આવી રહી છે.
ખરેખર, ડેવિડ છેલ્લા ઘણા મહિનાઓથી બીમાર હોવાથી પથારીમાં જ હતા. તેઓ હાર્ટ-લંગ બાયપાસ મશીનના સપોર્ટ પર છે. ડેવિડ કહે છે- 'મારી પાસે માત્ર બે જ વિકલ્પ બચ્યા હતા, કાં તો હું મરી જાઉં અથવા મારે આ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું જોઈએ. મેં જીવવાનું પસંદ કર્યું હતું અને ટ્રાન્સપ્લાન્ટ અંધારામાં તીર મારવા જેવું હતું, પરંતુ એ મારો છેલ્લો વિકલ્પ હતો. અત્યારે હું સ્વસ્થ થયા પછી બીમારીમાંથી બહાર નીકળવા માટે ઉત્સુક છું.
ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નવો વિકલ્પ
ડોકટરોના જણાવ્યા અનુસાર, અમે આ ટ્રાન્સપ્લાન્ટ પ્રક્રિયામાં સાવધાનીપૂર્વક આગળ વધી રહ્યા છીએ. અમે આશાવાદી છીએ કે વિશ્વની પ્રથમ આવી સર્જરી ભવિષ્યમાં દર્દીઓ માટે એક મહત્ત્વપૂર્ણ નવો વિકલ્પ પ્રદાન કરશે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આશરે 110,000 અમેરિકનો હાલમાં અંગ પ્રત્યારોપણની રાહ જોઈ રહ્યા છે અને દર વર્ષે 6,000થી વધુ દર્દીઓ એની ઊણપથી મૃત્યુ પામે છે.
ડુક્કરનું હૃદય જ શા માટે?
હૃદય ટ્રાન્સપ્લાન્ટનાં રિપોર્ટમાં જમાવવામાં આવ્યુ છે કે ડુક્કરના હૃદય મનુષ્યમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે યોગ્ય છે, પરંતુ ડુક્કરના કોષોમાં એક
આલ્ફા-ગેલ સુગર સેલ હોય છે. માનવ શરીર આ કોષને સ્વીકારતું નથી, જેના કારણે દર્દીનું મૃત્યુ પણ થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે, પહેલા ડુક્કરને જ
જેનેટિકલી મોડિફાઈ કરવામાં આવ્યું હતું.
1984માં એક બાળકીમાં બબુન (વાંદરાની એક પ્રજાતિ)નું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાયુ હતુ
વર્ષ 1984માં એક બાળકીના શરીરમાં બબુન (વાંદરાની એક પ્રજાતિ)નું હૃદય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતુ. યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના પ્રોફેસર ડો.મુહમ્મદ મોહિઉદ્દીન કહે છે કે જો આ સર્જરી સફળ થશે તો લાખો લોકો માટે આશાનું નવું કિરણ હશે. જો કે, અગાઉ જ્યારે આવા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા, ત્યારે તે સફળ થયા ન હતા. 1984માં એક બબૂન (વાંદરાની એક પ્રજાતિ)નું હૃદય બાળકના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. પરંતુ તે બાળક સર્જરી બાદ 21 દિવસ જ જીવિત રહી શક્યું હતું. યુનિવર્સિટીના આરોગ્ય અધિકારી ડૉ. ડેવિડ ક્લાસેને કહ્યું હતુ કે, અમે આ ઝેનોટ્રાન્સપ્લાન્ટેશનને મોટી ઘટના તરીકે જોઈએ છીએ.
અમેરિકામાં 1.10 લાખથી વધુ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે
અમેરિકામાં લગભગ 1.10 લાખથી વધુ લોકો ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટની રાહ જોઈ રહ્યા છે. અમેરિકામાં ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટના અભાવને કારણે દર વર્ષે 6000થી વધુ દર્દીઓ મૃત્યુ પામે છે. જ્યારે, યુનાઇટેડ નેટવર્ક ફોર ઓર્ગન શેરિંગ અનુસાર, અમેરિકામાં ગયા વર્ષમાં 3800થી વધુ રેકોર્ડેડ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા.
ન્યૂયોર્કમાં ડુક્કરની કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ન્યૂયોર્કનાં એનવાઈયુ લેંગોન હેલ્થ સેન્ટરના કેટલાક સંશોધકોએ આ પ્રકારનો એક પ્રયોગ કર્યો હતો. આમાં, ડોકટરોએ હગામી રીતે ડુક્કરની કિડનીને એક મૃત માનવીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરી હતી.