દાઉદનો ભત્રીજો નાસી ગયો:અમેરિકા ભારતને સોંપે એ પહેલાં જ દાઉદ ઈબ્રાહિમનો ભત્રીજો સોહૈલ કાસકર દુબઈ થઈ પાકિસ્તાન પહોંચી ગયો
- સોહૈલ કાસકરની અમેરિકન એજન્સીએ નાર્કો ટેરરિઝમના આરોપમાં ધરપકડ કરી હતી
- સોહૈલને સોંપવા અંગે ભારત-અમેરિકા વચ્ચે મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ્સ ટ્રીટી સાઈન થઈ હતી
- સોહૈલ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે
-
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમના ભત્રીજા સોહૈલ કાસકરને ભારત લાવવાનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો છે. મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સોહૈલ કાસકર જેની અમેરિકન એજન્સીએ નાર્કો ટેરરિઝમના આરોપમાં ધરપકડ કરી હતી, તે હવે પાકિસ્તાન જતો રહ્યો છે. અમેરિકન એજન્સી દ્વારા સોહૈલ કાસકર સાથે ધરપકડ કરવામાં આવેલા અલી દાનિશને ભારત લાવવામાં સફળતા મળ્યા પછી મુંબઈ પોલીસ તેને ભારત લાવવાની તૈયારી કરી રહ્યા હતા. સોહૈલ 1993ના મુંબઈ બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે.
પાકિસ્તાન પહોંચ્યો સોહૈલ કાસકર
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ એક ઈન્ટસેપ્શનમાં ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીઓને સોહૈલ કાસકરનો અવાજ સંભળાયો હતો. ત્યાર પછી એજન્સીઓએ તપાસ શરૂ કરી કે તો ખબર પડી કે તે અમેરિકાથી નીકળી ગયો છે અને દુબઈ થઈને પાકિસ્તાન પહોંચ્યો છે. જોકે પોલીસ હજી સુધી એ સમજી નથી શકી કે અમેરિકાએ સોહૈલ કાસકરને ભારતને સોંપવાને બદલે જવા કેમ દીધો.કોણ છે અલી દાનિશ?
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અલી દાનિશના પિતા દિલ્હીની જામા મસ્જિદમાં કામ કરતા હતા. તેના બે ભાઈઓમાંથી એક ડોક્ટર છે, જે રશિયામાં પ્રેક્ટિસ કરે છે. જ્યારે બીજો ભાઈ સિનિયર વકીલ છે, જે સુપ્રીમકોર્ટમાં પ્રેક્ટિસ કરે છે. મુંબઈ પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, વર્ષ 2001માં દાનિશ દુબઈ ગયો હતો અને ત્યાં તેની મુલાકાત સોહૈલ કાસકર સાથે થઈ હતી. ત્યાં બેથી ત્રણ વર્ષ બંને સાથે રહ્યા હતા અને પછી સોહૈલે દાનિશને હીરાની દાણચોરી વિશે જણાવ્યું હતું અને ત્યાર પછી તેણે નક્કી કર્યું હતું કે તે રશિયા જશે, જ્યાં હીરાની ઘણી ખાણ છે.
દાનિશે બહુ પ્રયત્નો કર્યા, પરંતુ તેને રશિયાના વિઝા ના મળ્યા. ત્યાર પછી વર્ષ 2003-04માં તે સ્ટૂડન્ટ વિઝા લઈને રશિયા ગયો હતો. ત્યાં તેણે 2 વર્ષ અભ્યાસ કર્યા પછી હીરાની દુનિયામાં પગપેસારો શરૂ કર્યો. આ દરમિયાન સોહૈલ દક્ષિણ આફ્રિકામાં હીરાની સ્મગલિંગના આરોપમાં પકડાઈ ગયો અને આ જ આરોપમાં તે અંદાજે એક વર્ષ સુધી જેલમાં રહ્યો. જેલથી છૂટ્યા પછી સોહૈલ અને દાનિશ સાથે મળીને હથિયારોની દાણચોરી કરતા હતા.આ રીતે અમેરિકન એજન્સીની રડાર પર આવ્યા
સોહૈલ અને દાનિશ ત્યાર પછી સ્પેન જતા રહ્યા અને તેઓ પહેલીવાર અમેરિકન એજન્સીની રડાર પર આવ્યા. ત્યાર પછી અમેરિકન એજન્સી અને સ્પેનિશ પોલીસે એક પ્લોટ બનાવ્યો, જેથી તેઓ બંને આરોપીનાં કામકાજને સારી રીતે સમજી શકે. ત્યાર પછી તેમની એજન્સીનો એક અધિકારી આતંકી બન્યો અને તે સોહૈલ અને દાનિશના સંપર્કમાં આવ્યો. તે નકલી આતંકીએ પોતાને રિવોલ્યુશનરી આર્મ્ડ ફોર્સ ઓફ કોલંબિયા સાથે જોડાયેલો હોવાનો દાવો કર્યો. તેમને વિશ્વાસ અપાવ્યો કે તે કોલંબિયા સરકાર વિરુદ્ધ છે, તેથી તેના માટે હથિયાર ખૂબ મહત્ત્વનાં છે.અમેરિકન ઈન્ટેલિજન્સ એજન્સીઓએ તેમની દરેક મીટિંગનું સ્ટિંગ ઓપરેશન કર્યું, જેથી તેમની ધરપકડ વખતે પૂરતા પુરાવા મળી રહે. એટલું જ નહીં, અમેરિકન એજન્સીઓએ તેમના માણસને હથિયારની ડીલ કરવા પૈસા પણ આપ્યા. ત્યાર પછી વર્ષ 2014માં અમેરિકન એજન્સીઓએ સોહૈલ-દાનિશની ડ્રગ્સ અને એર મિસાઈલના ડીલિંગ કેસમાં ધરપકડ કરી. ત્યાર પછી આ કેસ તપાસ માટે ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનને સોંપવામાં આવ્યો. નોંધનીય છે કે સોહૈલ દાઉદ ઈબ્રાહિમના ભાઈ નૂરા કાસકરનો પુત્ર છે. નૂરાનું મોત વર્ષ 2010માં પાકિસ્તાનમાં કિડની ફેલ થવાને કારણે થયું હતું.
સોહૈલની જ્યારે ધરપકડ કરવામાં આવી ત્યારે તેની સાથે હામિદ ચિસ્તી ઉર્ફે બેની, વાહબ ચિસ્તી અને અલી દાનિશની પણ ધરપકડ કરવામાં આવી હતી. 12 સપ્ટેમ્બર 2018ના રોજ કાસકરને US ફેડરલ કોર્ટે સજા આપી હતી. ત્યાર પછી તેને ભારત મોકલવાની તૈયારી કરવામાં આવી હતી, કારણ કે તેની ધરપકડ વખતે તેની પાસેથી ભારતીય પાસપોર્ટ મળ્યો હતો. ભારત અને અમેરિકા વચ્ચે વર્ષ 2005માં મ્યુચ્યુઅલ લીગલ આસિસ્ટન્ટ્સ ટ્રીટી સાઈન થઈ હતી. તેના આધારે જ સોહૈલને ભારત લાવવાનો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે જો તેની કસ્ટડી ભારતને આપવામાં આવશે તો દાઉદ વિશે વધારે માહિતી મેળવવામાં મુંબઈ પોલીસને સરળતા રહેશે.