કોરોનાની આડઅસર:મહામારીને લીધે ભારતીયોની સરેરાશ ઉંમરમાં બે વર્ષનો ઘટાડો થયો, સ્પેન પર સૌથી વધારે અસર; નવા સંશોધનમાં સામે આવી આઘાતજનક માહિતી

કોરોનાની આડઅસર:મહામારીને લીધે ભારતીયોની સરેરાશ ઉંમરમાં બે વર્ષનો ઘટાડો થયો, સ્પેન પર સૌથી વધારે અસર; નવા સંશોધનમાં સામે આવી આઘાતજનક માહિતી

અપેક્ષિત આયુષ્ય વધારવા માટે છેલ્લા એક દાયકામાં જે પ્રગતિ કરેલી તેની ઉપર કોરોનાએ પાણી ફેરવી દીધું

 

કોરોના મહામારીને લઈ એક આઘાતજનક અહેવાલ સામે આવ્યો છે. એક સંશોધન પ્રમાણે કોરોનાને લીધે ભારતીયોના સરેરાશ આયુષ્યમાં 2 વર્ષ સુધીનો ઘટાડો થયો છે. ઈન્ટનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ પોપ્યુલેશન સ્ટડીઝ (IIPS)ના મતે,2019માં એટલે કે કોરોના અગાઉ ભારતમાં પુરુષોની સરેરાશ ઉંમર 69.5 વર્ષ હતી, જે વર્ષ 2020માં ઘટીને 67.5 વર્ષ થઈ ગઈ છે.

એવી જ રીતે ભારતીય મહિલાઓની સરેરાશ ઉંમર વર્ષ 2019માં 72 વર્ષ હતી, જે હવે 69.8 વર્ષ થઈ ગઈ છે. IIPSના આસિસ્ટન્ટ પ્રોફેસર સૂર્યકાંત યાદવનું આ સંશોધન 'BMC પબ્લિક હેલ્થ' જર્નલમાં પ્રકાશિત થયું છે.

35થી 69 વર્ષના વયજૂથમાં પુરુષોમાં મૃત્યુદર ઊંચો રહ્યો
આ અભ્યાસમાં વિવિધ વયજૂથમાં જીવનચક્ર (Life Cycle)માં આવેલા પરિવર્તન અંગે પણ માહિતી આપવામાં આવી છે. આ અભ્યાસ પ્રમાણે 35 વર્ષથી 69 વર્ષના વયજૂથમાં પુરુષોમાં મૃત્યુદર સૌથી વધારે રહ્યું છે. નિષ્ણાતોના મતે વર્ષ 2020માં કોરોનાને લીધે આ ઉંમરના લોકોનું સૌથી વધારે મોત થયું છે અને તેને લીધે સરેરાશ ઉંમર પર વિપરીત અસર થઈ છે.

કોરોનાએ 10 વર્ષની મહેનત પર પાણી ફેરવ્યું
અભ્યાસ કરનાર સૂર્યકાંત યાદવના મતે સરેરાશ ઉંમર વધારવા માટે છેલ્લા એક દાયકામાં આપણે અપેક્ષિત આયુષ્ય (Life Expectancy)ના મોરચે જે પ્રગતિ દર્શાવી હતી તેની ઉપર કોરોના મહામારીએ પાણી ફેરવી દીધુ છે. હવે ભારતમાં અપેક્ષિત આયુષ્ય વર્ષ 2010ના સ્તરે પહોંચી ગયું છે. હવે આપણે વર્ષ 2019ની સ્થિતિ સુધી પહોંચવામાં અનેક વર્ષોનો સમય લાગશે.

સ્પેન પર સૌથી વધારે અસર
આ અભ્યાસમાં 145 દેશમાં Global Burden of Diseaseનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત કોવિડ ઈન્ડિયા એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ પોર્ટ મારફતે અપેક્ષિત આયુષ્યનું વિશ્લેષણ કરવામાં આવ્યું. અભ્યાસમાં જાણવા મળ્યું કે વિશ્વભરના દેશોમાં મૃત્યુ દર પર કોવિડની જે ઘાતક અસર થઈ છે તે દ્રષ્ટિએ ભારત મિડલ લેવલ પર આવે છે.

ઇંગ્લેન્ડ અને વેલ્સ, અમેરિકામાં જન્મ સમયે અપેક્ષિત આયુષ્યમાં એક વર્ષથી વધારે સમયનો ઘટાડો થયો છે. સ્પેનમાં અપેક્ષિત આયુષ્ય 2.28 વર્ષ સુધી ઘટી ગયું છે. સ્વાસ્થ્ય મંત્રાલયની આંકડાકીય માહિતીને જોવામાં આવે તો સરેરાશ જીવનકાળમાં બે વર્ષથી વધારે ઘટાડો થયો છે. કેન્દ્ર સરકારની આંકડાકીય માહિતી પ્રમાણે માર્ચ 2020થી અત્યાર સુધી ભારતમાં કોરોના સંક્રમણથી 4.5 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે.