... તો રસી મફત કેવી રીતે કહેવાય?:પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાંથી વેક્સિનનો ખર્ચ નીકળે છે, ઉજ્જવલા જેવી સ્કીમ ચલાવાય છે: પેટ્રોલિયમ મંત્રી

... તો રસી મફત કેવી રીતે કહેવાય?:પેટ્રોલ-ડીઝલ પરના ટેક્સમાંથી વેક્સિનનો ખર્ચ નીકળે છે, ઉજ્જવલા જેવી સ્કીમ ચલાવાય છે: પેટ્રોલિયમ મંત્રી

પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરીએ શુક્રવારે એવો તર્ક આપ્યો હતો કે દેશમાં કોરોનાની રસી વિનામૂલ્યે આપી શકાય એ માટે પેટ્રોલ પરના ટેક્સનો દર ઊંચો છે. તેમણે કહ્યું હતું કે, ‘ભારતમાં એવી સરળ રાજકીય દલીલ કરવામાં આવે છે કે, (પેટ્રોલના) ભાવ વધ્યા છે, તો તમે ટેક્સમાં ઘટાડો કેમ નથી કરતા. એટલે જ્યારે પણ અન્ય કારણોસર પેટ્રોલના ભાવ વધે છે ત્યારે તેઓ કહે છે કે તમે પોતાના પગ પર કુહાડી મારો.’

પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે વિનામૂલ્યે કોરોના વેક્સિન તથા મહામારીના સમયમાં લાખો લોકોને ભોજન, રસોઈ ગેસ પૂરા પાડવા માટે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વસુલવામાં આવે છે. પુરીના મતે આ ટેક્સમાં કાપ મૂકવો એ પોતાના પગ પર કુહાડી મારવા સમાન છે.

પુરીએ એમપણ કહ્યું હતું કે ક્રુડ ઑઇલના આંતરરાષ્ટ્રીય ભાવ પ્રતિ બેરલ ઘટીને 19 ડૉલર થાય કે વધીને 84 ડૉલર થશે તો પણ સરકાર દ્વારા પેટ્રોલ અને ડીઝલ પર લેવામાં આવતા ટેક્સમાં ઘટાડો થશે નહીં.

ઉલ્લેખનીય છે કે અગાઉ કેરળ હાઇકોર્ટે પેટ્રોલ-ડીઝલનો જીએસટી હેઠળ સમાવેશ કરવા સૂચન કર્યું હતું. એ પછી જીએસટી કાઉન્સિલ સમક્ષ પણ આ પ્રસ્તાવ રજૂ કરાયો હતો. જો કે બાદમાં કાઉન્સિલની બેઠકમાં બન્ને ઇંધણને જીએસટીની બહાર રાખવાનો નિર્ણય લેવાયો હતો.

“હાલમાં જ આપણે 100 કરોડો લોકોને કોરોના વેક્સિન આપી. અમે એક આખા વર્ષ દરમિયાન 90 કરોડ લોકોને દિવસમાં ત્રણ વખત ભોજન આપ્યું. અમે ઉજ્જવલા સ્કીમ (8 કરોડ લાભાર્થીઓને વિનામૂલ્યે રસોઈ ગેસ) આપી. આ બધું જ પ્રતિ લિટરે લેવામાં આવતા 32 રૂપિયા એક્સાઇઝ ડ્યૂટીના કારણે શક્ય બન્યું. ટેક્સમાંથી એકત્ર થતા ભંડોળમાંથી રોડ બનાવવામાં આવે છે, ગરીબો માટે ઘર બનાવાય છે તથા સામાજિક સુખાકારીની યોજનાઓ ચલાવવામાં આવે છે.”- હરદીપ પુરી, પેટ્રોલિયમ મંત્રી

...છેલ્લા 18 મહિનામાં પેટ્રોલ પ્રતિ લિટર 36 રૂપિયા, ડીઝલ 26 રૂપિયા મોંઘું થયું
પેટ્રોલ-ડીઝલના ભાવમાં શનિવારે પ્રતિ લિટર 35 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. ઓક્ટોબરમાં ભાવ 18 વખત વધ્યા છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં પેટ્રોલ 25.53 રૂપિયા તથા ડીઝલ 21.86 રૂપિયા મોંઘું થયું છે. જ્યારે છેલ્લા 18 મહિનામાં પેટ્રોલ 36 રૂપિયા અને ડીઝલ 26 રૂપિયા મોંઘું થયું છે. છેલ્લા 20 વર્ષના આંકડા પર નજર નાખીએ તો 1 વર્ષમાં પેટ્રોલના ભાવ ક્યારેય આટલા વધ્યા નથી. ગત 1લી જાન્યુઆરીએ દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 83.71 રૂપિયા પ્રતિ લિટર હતો જે હવે 107.24 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. એટલે કે આ વર્ષે પેટ્રોલ 28 ટકા મોંઘું થયું છે.