પાકિસ્તાનનો 'મૌકા' પર ચોગ્ગો, 3 ખેલાડીએ ભારતને હરાવ્યું; 29 વર્ષના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતની પાક. સામે પહેલી હાર

પાકિસ્તાનનો 'મૌકા' પર ચોગ્ગો, 3 ખેલાડીએ ભારતને હરાવ્યું; 29 વર્ષના વર્લ્ડ કપ ઈતિહાસમાં ભારતની પાક. સામે પહેલી હાર

ભારત v/s પાકિસ્તાન...ક્રિકેટની એલ ક્લાસિકો ગણાતી આ મેચ ICC ઈવેન્ટની શાન છે. તેવામાં ફરી એકવાર T-20 ફોર્મેટમાં 2045 દિવસો પછી એટલે કે 5 વર્ષ 7 મહિના અને 5 દિવસ પછી બંને ટીમ એકબીજાની સામ-સામે આવી હતી. રવિવારે ભારત અને પાકિસ્તાનની ટીમ વચ્ચે ICC T-20 વર્લ્ડ કપમાં છઠ્ઠીવાર ટક્કર દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી. જેમાં PAK ટીમના કેપ્ટન બાબર આઝમે ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરવાનો નિર્ણય લીધો હતો. તેવામાં પહેલા બેટિંગ કરતા વિરાટ સેનાએ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 151 રન કર્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાની ઓપનર્સે એકપણ વિકેટ ગુમાવ્યા વિના સ્કોર ચેઝ કરી ભારતને 10 વિકેટથી હરાવ્યું છે. 

પાકિસ્તાને 10 વિકેટથી મેચ જીતી

બાબર આઝમે 52 બોલમાં અણનમ 68 અને મોહમ્મદ રિઝવાને 55 બોલમાં અણનમ 79 રન કર્યા હતા. જેની સહાયથી PAK ટીમે 13 બોલ પહેલા મેચ જીતી લીધી હતી.

ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનનો આ પહેલો વિજય છે. ટીમ ઈન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપના ઈતિહાસમાં પ્રથમ મેચ 1992 માં રમાઈ હતી.

ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપની મેચોમાં એક પણ વખત હાર્યું ન હતું, પરંતુ આજે આ વિનિંગ સ્ટ્રિક તૂટી ગઈ હતી.

 

પાકિસ્તાનની પાવરપ્લેમાં સારી શરૂઆત રહી

ભારતે આપેલા 152 રનના ટાર્ગેટને ચેઝ કરતા સમયે પાકિસ્તાની બેટર્સની સારી શરૂઆત રહી હતી.

બાબર આઝમે પાવરપ્લે સુધી 17 બોલમાં 17 રન તથા મોહમ્મદ રિઝવાને 19 બોલમાં 27 રન કર્યા હતા.

પાવરપ્લેમાં ઈન્ડિયન ટીમના 2 બોલર્સે પાણીની જેમ રન વહાવ્યા હતા. ભુવીએ 2 ઓવરમાં 18 તથા શમીએ 2 ઓવરમાં 19 રન આપી એકપણ વિકેટ લીધી નહોતી.

છેલ્લી 5 ઓવરમાં ભારતે કર્યા 51 રન

ઈન્ડિયન ટીમે ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરતા 7 વિકેટના નુકસાને 151 રન કર્યા હતા.

પહેલા પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવ્યા પછી ટીમ ઈન્ડિયાએ છેલ્લી 5 ઓવરમાં 51 રન કરી સ્કોર 150+ને પાર પહોંચાડ્યો હતો.

વિરાટ કોહલીએ ડેથ ઓવર્સમાં સારી બેટિંગ કરી હતી. તેણે 49 બોલમાં 57 રન કરી મેચની ઈનિંગ સંભાળી રાખી હતી. ઉલ્લેખનીય છે કે વિરાટ કોહલી T-20 વર્લ્ડ કપમાં પહેલી વાર પાકિસ્તાન વિરૂદ્ધ આઉટ થયો હતો.

તેવામાં ઈનિંગની 19મી ઓવરના ચોથા બોલ પર શાહીન આફ્રિદીના સ્લોઅર બોલને મારવા જતા આઉટ થયો હતો.

મિડલ ઓવર્સમાં વિરાટ-પંતની જોડીએ લાજ રાખી

પાવરપ્લેમાં ટોપ ઓર્ડરના ધબડકો થયા પછી વિરાટ અને પંતે ઈનિંગ સંભાળી હતી. બંને બેટર વચ્ચે 40 બોલમાં 53 રન કર્યા હતા.

ત્યારપછી શાદાબ ખાનના ફુલ લેન્થ બોલને સ્વિપ કરવા જતા પંત 39 રન કરી પેવેલિયન ભેગો થયો હતો.

વિરાટ કોહલીએ મિડલ ઓવર્સમાં ટીમનો એક એન્ડ સંભાળી રાખ્યો હતો. તેણે હસન અલીની એક ઓવરમાં બેક ટુ બેક ચોગ્ગા ફટકાર્યા હતા.

16 ઓવર સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 110/4 હતો.

પહેલી ઓવરમાં હિટમેન ફેલ

ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા આવેલી ઈન્ડિયન ટીમની શરૂઆત સારી રહી નહોતી. ટીમે પહેલી ઓવરના ચોથા બોલ પર જ રોહિત શર્મા LBW થઈ ગયો હતો.

પાકિસ્તાની બોલર શાહિન આફ્રિદીએ મિડલ ઓફની લાઈન પર ફુલર બોલ નાંખ્યો હતો, જે રોહિતના પેડ પર વાગતા રોહિત શર્મા આઉટ થયો હતો. T20Iમાં રોહિત શર્મા 7મી વાર શૂન્ય રન પર આઉટ

રોહિત આઉટ થયા પછી કે.એલ.રાહુલ પણ સિંગલ ડિજિટ સ્કોર નોંધાવી પેવેલિયન ભેગો થયો હતો. ઈનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલ પર શાહિન આફ્રિદીએ કે.એલ.રાહુલને ક્લિન બોલ્ડ કર્યો હતો.

પાવરપ્લે સુધી ઈન્ડિયન ટીમનો સ્કોર 36/3નો હતો. બંને ઓપનર્સના આઉટ થયા પછી કોહલી અને સૂર્યકુમાર વચ્ચે 25 રનની પાર્ટનરશિપ નોંધાઈ હતી. ત્યારપછી હસન અલીએ સૂર્યકુમાર યાદવને આઉટ કરી ઈન્ડિયન ટીમને મુશ્કેલીમાં મુકી દીધી હતી.

પાકિસ્તાની ફેન્સને ટિકિટ જ ના મળી
પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ અને PCB વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. PAK ફેન્સ અનુસાર ભારતીય ફેન્સે ઓનલાઈન ટિકિટનું વેચાણ શરૂ થયાની ગણતરીની મિનિટમાં આખુ સ્ટેડિયમ બુક કરાવી લીધું હતું. જેના પરિણામે પાકિસ્તાની ફેન્સને ટિકિટ ખરીદવાની તક નહોતી મળી. એક પાકિસ્તાની દર્શકના જણાવ્યા પ્રમાણે ભારતે 90% મેચ ટિકિટ ખરીદી છે.