ભેંસ મરે તો 50 હજારનું વળતર ને માનવી મરે તો પણ 50,000!

ભેંસ મરે તો 50 હજારનું વળતર ને માનવી મરે તો પણ 50,000!

કોરોના મુદ્દે વિધાનસભામાં વિપક્ષે વૉકઆઉટ કરતાં કહ્યું

મૃતકોને શ્રધ્ધાજંલિ આપવા ભાજપના ધારાસભ્યો ઉભા થયા જ નહીં, 'શરમ કરો- ન્યાય આપો'ના સૂત્રોથી ગૃહ ગુંજયું

અમદાવાદ : વિધાનસભા  સત્રના પ્રથમ દિવસે વિપક્ષે કોરોનાના મૃતકોના પરિવારજનોને રૂા.4 લાખ વળતર આપવાની ઉગ્ર માંગ  કરી  હંગામો મચાવ્યો હતો. એટલું જ નહીં, કોરોનાના મૃતકોને શ્રધ્ધાજંલિ આપવા પ્રસ્તાવ રજૂ કર્યો હતો પણ શાસકપક્ષના એકેય ધારાસભ્ય શ્રધ્ધાજંલિ અર્પવા ઉભા થયા ન હતાં. આખરે કોંગ્રેસે આ મુદ્દે ગૃહ ત્યાગ કર્યો હતો. 

વિધાનસભા સત્રના પહેલા જ દિવસે કોરોનાનો મુદ્દાને લઇ કોંગ્રેસે આક્રમક વલણ અપનાવ્યુ હતું. બપોરના સેશનમાં કોગ્રેસે કોરોનાથી મૃત્યુ પામેલા લોકોને શ્રધ્ધાજંલિ અર્પવા પ્રસ્તાવ રજૂ  કર્યો હતો.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુંકે, રાજ્ય સરકાર ભલે કોરોનાનો મૃત્યુઆંક 10 હજાર દર્શાવે છે જયારે કોંગ્રેસે ગામડે ગામડે ફરીને ફોર્મ ભરીને વિગતો એકત્ર કરતાં એવુ જાણવા મળ્યુ કે, 36 હજારથી વધુના મોત નિપજ્યા છે. કોરોના મૃતકોના પરિવારજનોને રૂા.4 લાખ વળતર આપવુ જોઇએ. આમ તો, ગુજરાતમાં કોરોનાથી કુલ ત્રણ લાખથી વધુના મોત થયા છે. 

ધારાસભ્ય વિરજી ઠુમરે વળતર મુદ્દે એવો મત વ્યક્ત કર્યો કે, ભેંસનુ મૃત્યુ થાય તો ય રૂા.50 હજાર વળતર અપાય છે અને કોરોનાના મૃત્યુ થાય તો મૃતકને રૂા.50 હજાર ચૂકવાય છે.

આમ, આ સરકારને પશુ અને માણસ વચ્ચે ફરક જ જણાતો નથી. જોકે, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગૃહમાં ખાતરી આપી કે, ગુજરાતમાં ચાર લાખ લોકો કોરોનાથી મોતને ભેટયા છે તેવો વિપક્ષનો આરોપ ખોટો છે. સુપ્રિમ કોર્ટમાં કોરોનાના મૃતકોને રૂા.50 હજાર વળતર આપવા સરકારે સોગદનામુ કર્યુ છે.

સુપ્રિમની માર્ગદર્શિકા અને કેન્દ્ર સરકારના આદેશ મુજબ કોરોનાના મૃતકોના પરિવારજનોને વળતર ચૂકવાશે. કોંગ્રેસે કોરોનાના મૃતકોને શ્રધ્ધાજંલિ અર્પવા રાજકીય જીદ પકડી રાખી હતી. આ બાજુ, અધ્યક્ષે આ મુદ્દાને રાજકીય મુદ્દો નહી બનાવવા વિપક્ષને અપીલ કરી હતી.છેવટે કોંગ્રેસના ધારાસભ્યોએ બે મિનીટ મૌન પાળીને શ્રધ્ધાંજલિ અર્પી હતી. 

કોંગ્રેસે ગૃહમાં ન્યાય આપો, શરમ કરો, કોરોનાના મૃતકોને વળતર ચૂકવો તેવા સૂત્રોચ્ચાર કરી વોકઆઉટ કર્યુ હતું. આજે ગૃહ શરૂ થતા પહેલાં પણ કોંગ્રેસના ઘારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઇમરાન ખેડાવાલા કોરોનાના મૃતકોને ચાર લાખ વળતર આપો તેવા સૂત્રો લખેલા એપ્રન પહેરીને ગૃહમાં આવ્યા હતાં. બંને ધારાસભ્યોએ આ મુદદે વિરોધ નોંધાવ્યો હતો.