નમસ્તે ટ્રમ્પ / પ્રોટોકોલમાં આશ્ચર્યજનક ઘટના; ત્રણ વચ્ચે 2 ખુરશી, જ્યાં ટ્રમ્પ બેસતા, ત્યાં જ મોદી બેસતા

નમસ્તે ટ્રમ્પ / પ્રોટોકોલમાં આશ્ચર્યજનક ઘટના; ત્રણ વચ્ચે 2 ખુરશી, જ્યાં ટ્રમ્પ બેસતા, ત્યાં જ મોદી બેસતા

  • અમેરિકાના પ્રમુખની ખુરશીમાં નરેન્દ્ર મોદીનું બેસવું એ તેમના આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે
  • આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રોટોકોલ પ્રમાણે આ ઘટના કોયડા સમાન છે

ગાંધીનગર: અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજાયેલા નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનો મંચ વિશ્વની બે મહાન લોકશાહી દેશની હસ્તીને કારણે ઘણો શક્તિશાળી લાગ્યો, પરંતુ આખાંય કાર્યક્રમ દરમિયાન ઊડીને આંખે વળગે તેવી બાબત રહી તે મંચ પર મુકાયેલી માત્ર બે ખુરશી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે આ મંચ પર એક જ ખુરશી મુકાઇ અને બન્ને નેતા વારાફરતી એ એક જ ખુરશીમાં બેઠા. સામાન્ય રીતે પ્રોટોકોલની દૃષ્ટિએ આવું ક્યારેય બનતું નથી. અમેરિકાના પ્રમુખની ખુરશીમાં નરેન્દ્ર મોદીનું બેસવું એ તેમના આંતરરાષ્ટ્રીય સ્તરે શક્તિશાળી અસ્તિત્વની પ્રતીતિ કરાવે છે. સાથોસાથ આ ઘટના મોદી અને ટ્રમ્પની દોસ્તીનું પ્રતીક પણ ગણી શકાય.
મોદી સંબોધન કરવા ઊભા થયા ત્યારે ટ્રમ્પ એ ખુરશી પર બેઠા હતાં
આંતરરાષ્ટ્રીય રાજદ્વારી પ્રોટોકોલ પ્રમાણે આ ઘટના કોયડા સમાન છે કારણ કે જ્યારે મોદી સંબોધન કરવા ઊભા થયા ત્યારે ટ્રમ્પ એક ખુરશી પર બેઠા હતા અને તેમની બાજુમાં મુકાયેલી બીજી ખુરશી પર તેમના પત્ની મેલેનિયા બિરાજમાન હતા. આંતરરાષ્ટ્રીય કાર્યક્રમમાં ભાગ લેનારા તમામ દેશોના પ્રોટોકોલ અધિકારીઓ એકબીજા સાથે જે-તે દેશના પ્રોટોકોલના નિયમોની વિગતે ચર્ચા કરતા હોય છે, જેથી પ્રોટોકોલનો ભંગ ન થાય.