ભારત જેવી ધાર્મિક સ્વતંત્રતા બીજા દેશમાં જોવા મળતી નથી : ટ્રમ્પ

ભારત જેવી ધાર્મિક સ્વતંત્રતા બીજા દેશમાં જોવા મળતી નથી : ટ્રમ્પ

। નવી દિલ્હી ।

નાગરિકતા સુધારા કાયદાના વિરોધમાં દિલ્હીમાં ત્રણ દિવસથી હિંસા ચાલી રહી છે અને ૧૩ લોકોએ જીવ ગુમાવ્યા છે ત્યારે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે ધાર્મિક સ્વતંત્રતાનાં મામલે મોદી મજબૂતીથી કામ કરી રહ્યા છે. તેઓ લોકોને ધાર્મિક સ્વતંત્રતા આપવા કટિબદ્ધ છે. દરેક લોકો પાસે ધાર્મિક સ્વતંત્રતા છે. મોદી એક મજબૂત નેતા છે. ધાર્મિક સ્વતંત્રતા માટે ભારત સારું કામ કરી રહ્યો છે. ભારતમાં જેવી ધાર્મિક સ્વતંત્રતા છે તેવી અન્ય કોઈ દેશમાં જોવા મળતી નથી.

મોદી મુસ્લિમો પ્રત્યે પૂર્વગ્રહ રાખતા હોવાની વાત અયોગ્ય છે: ટ્રમ્પ

ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે મોદી મુસ્લિમો પ્રત્યે પૂર્વગ્રહ રાખતા હોવાની વાત અયોગ્ય છે. તેઓ મુસ્લિમો સાથે પણ ખૂબ જ નજીકથી, સમાનતાથી કામ કરે છે. તેનું સૌથી મોટું ઉદાહરણ એ છે કે, એક સમયે ભારતમાં ૧૪ કરોડ મુસ્લિમ હતા હાલમાં તેમની વસતી ૨૦ કરોડ છે. તેમના માટે મોદી કામ કરે છે તે દેખાય છે. ટ્રમ્પે કહ્યું કે મેં દિલ્હીમાં હિંસક ઘટનાઓ અંગે પીએમ મોદી સાથે વાત કરી નથી. આ ભારતનો આંતરિક મામલો છે. CAA પણ ભારતનો આંતરિક મુદ્દો છે. મને આશા છે કે પીએમ મોદી આ મામલે દેશના લોકોનાં હિતમાં યોગ્ય નિર્ણય લેશે. તેમણે કહ્યું કે આ મુદ્દે મારે મોદી સાથે વાત થઈ નથી. મારા અને મારા પરિવાર માટે આ પ્રવાસ યાદગાર રહેશે. મોદી આતંકવાદ નાથવા સક્ષમ

પાકિસ્તાન શું કરી રહ્યો છે અને ત્યાં શું ચાલી રહ્યું છે તે સમગ્ર વિશ્વ જાણે છે. મેં અને પીએમ મોદીએ પાકિસ્તાન અને આતંકવાદ વિશે આજે ઘણી ચર્ચા કરી છે. અમે સરહદ પારના આતંકવાદને ડામવા અંગે પણ ઘણી ચર્ચા કરી છે. મોદી આતંકવાદને સારી રીતે નાથવા સક્ષમ છે. મેં તેમને આક્રમક રીતે આ દિશામાં કામ કરતા જોયા છે અને તેઓ આગળ પણ આવા જ આક્રમક અને કડક પગલાં લેશે. પાકિસ્તાનમાં આતંકવાદ સૌથી મોટો પ્રશ્ન છે. જો કે ટ્રમ્પે ફરી એકવાર કાશ્મીર મુદ્દે મધ્યસ્થીની ઓફર કરીને ઊંઘતા સાપને છંછેડયો હતો.

ભારતના મોંઘેરા મહેમાન ટ્રમ્પ અને તેમનાં પરિવારનાં સન્માનમાં મંગળવારે રાત્રે રાષ્ટ્રપતિ ભવનમાં ડિનરનું આયોજન કરાયું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા ટ્રમ્પનાં સન્માનમાં રાત્રિ ભોજનનું આયોજન કરાયું હતું. ટ્રમ્પના રસથાળમાં ભારતીય તેમજ અમેરિકન વાનગીઓનો મિક્સ રસથાળ પીરસવામાં આવ્યા હતા. ટ્રમ્પને એપેટાઈઝરમાં સોનાનાં વરખ સાથે ઓરેન્જ બેઝ ડિશ પીરસાઈ હતી. તે પછી સ્ટાર્ટર અને ભોજનમાં સાલ્મોન ફિશ ટિક્કા, દાળ રાયસીના અને રબડી જેવી વાનગીઓ પણ પીરસવામાં આવી હતી. શાકાહારી વાનગીમાં આલૂ ટિક્કા અને પાલક કે સ્પીનાચ ચાટ અને સૂપમાં લેમનગ્રાસ સૂપ રાખવામાં આવ્યું હતું. ટ્રમ્પ પોતે માંસાહારી ભોજન વધારે પસંદ કરે છે તેથી રાન અલી-શાન નામની ખાસ વાનગી બનાવાઈ હતી જેમાં ગ્રેવી અને મટન બિરિયાની સાથે રોસ્ટેડ મટન લેગનું મિશ્રણ હોય છે. શાકાહારી વાનગીમાં પુલાવ, ગુચ્છી, મશરૂમ મટર રાખવામાં આવ્યા છે. ડેઝર્ટમાં રબડી અને માલપૂઆ, એપલ પાઈ, વેનિલા આઇસક્રીમ અને અંતે ચા, કોફી અને પાનનો મુખવાસ અપાઈ હતી. આ કાર્યક્રમમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, લોકસભા સ્પીકર ઓમ બિરલા અને કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. તે ઉપરાંત એ.આર. રહેમાન અને શેફ વિકાસ ખન્ના સહિતના કેટલાક જાણીતા સેલેબ્સ પણ હાજરી આપવા પહોંચ્યા હતા. બીજી તરફ કોંગ્રેસનાં પ્રમુખ સોનિયા ગાંધીને આમંત્રણ આપવામાં આવ્યું ન હોવાથી પૂર્વ પીએમ મનમોહનસિંહ, ગુલામનબી આઝાદે ડિનર ડિપ્લોમસીનો બોયકોટ કર્યો હતો.

ટ્રમ્પનાં અવતરણો

  • H-1B વિઝા અંગે પીએમ મોદી સાથે વાતચીત થઈ છે.
  • ભારત એક મહાન દેશ છે. અમે ભારત અમેરિકા વચ્ચે સારા સંબંધો ઈચ્છીએ છીએ. અમે આખા વિશ્વમાં શાંતિ ઈચ્છીએ છીએ.
  • ઈસ્લામિક કટ્ટરવાદીઓ સામે લડવા મેં જેટલું કામ કર્યું છે તેટલું કોઈએ કર્યું નથી.
  • મોદીનું કહેવું છે કે તેઓ મુસ્લિમો સાથે હળીમળીને કામ કરી રહ્યા છે. ભારતમાં હાલ ૨૦ કરોડ મુસ્લિમો છે. થોડાં વર્ષો પહેલાં ૧૪ કરોડ હતા.
  • અમે કોરોના વાઈરસ મુદ્દે પણ ચર્ચા કરી. ભારતમાં હાલ તેની વધુ સમસ્યા નથી. અમેરિકામાં પણ કોરોના વાઈરસના કેસ નોંધાયા નથી. અમે તેની સાથે લડવા સજ્જ છીએ.
  • અમે ઈસ્લામિક સ્ટેટનો સફળતાપૂર્વક ખાતમો બોલાવ્યો છે.
  • અફઘાનમાં તાલિબાનો સાથે સમજૂતી મુદ્દે મોદી સાથે વાત થઈ છે. દરેક લોકો આ સમજૂતીથી ખુશ છે. દરેક લોકો ઈચ્છે છે કે આ સમજુતી થવી જોઈએ.
  • બે દિવસનો અમારો પ્રવાસ સારો રહ્યો. અહીંનાં લોકો અમને ઘણા પસંદ કરે છે. પીએમ મોદી અને મારી વચ્ચે સારા સંબંધો છે.