કોરોના હોસ્પિ.માં ફરજ બજાવતી નર્સ 100 કિ.મી. એક્ટિવા ચલાવીને રોજ અંકલેશ્વરથી સુરત જાય છે, પુત્રી પુછે છે, ‘મમ્મી તમે પાછા તો આવશો ને ?’

કોરોના હોસ્પિ.માં ફરજ બજાવતી નર્સ 100 કિ.મી. એક્ટિવા ચલાવીને રોજ અંકલેશ્વરથી સુરત જાય છે, પુત્રી પુછે છે, ‘મમ્મી તમે પાછા તો આવશો ને ?’

  • કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવતી નર્સને પરિવારની સતત ચિંતા થયા કરે છે
  • ફરજ પરથી ઘરે આવીને બાળકો સાથે જ ઘરમાં રમતો રમાડતી નર્સની કોરોના સામેની ફાઇટ 
  • સ્મીમેર હોસ્પિટલ ફરજ બજાવતી 10 નર્સ રોજ એક્ટિવા પર અપડાઉન કરે છે

અંકલેશ્વર. ‘મમ્મી તમે જાવ છો ખરા પણ પાછા આવશો ને?’ અંકલેશ્વરથી સુરત 100 કિ.મી અપડાઉન કરીને કોરોના સ્પેશિયલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી નર્સની પુત્રીનો આ સવાલ માતાને નિરૂત્તર બનાવી દે છે. અંકલેશ્વરથી સુરત કોરોના સ્પેશિયલ સ્મીમેર હોસ્પિટલ એક્ટિવા પર 10 જેટલી નર્સ અપડાઉન કરે છે. ઘરે આવ્યા બાદ બાળકો સાથે જ ઘરમાં લોકડાઉન રહીને રમતો રમાડતી માતા સંગીતા પંચાલની કોરોના સામેની ફાઇટમાં પરિવારના સપોર્ટથી ફરજ નિભાવી રહી છે. 
પરિવાર અને ફરજ એમ બેવડી ભૂમિકાને ન્યાય આપવો પડે છે
કોરોના વાઈરસની મહામારીમાં આરોગ્ય કર્મીઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ બની રહી છે. એક તરફ આરોગ્ય ડ્યુટી બીજી તરફ પરિવારની બેવડી ભૂમિકાને ન્યાય આપવો પડે છે. અંકલેશ્વર જીઆઇડીસીની ગુરુકૃપા સોસાયટીમાં રહેતાં સંગીતાબેન શૈલેષભાઈ પંચાલ સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી રહ્યા છે. વર્તમાન સમયમાં કોરોના વાઈરસના સંક્રમણ વચ્ચે તેઓએ એક્ટિવા ઉપર સુરત સુધી 100 કિ.મી. ટ્રાવેલ કરી નોકરી પર પહોંચે છે અને આઇસોલેશન વોર્ડમાં 2 દિવસ ફરજ નિભાવી ઘરે આવે છે. અંકલેશ્વરથી રોજ 10 જેટલી આરોગ્ય કર્મચારીઓ એક્ટિવા કે અન્ય ટુ-વ્હીલર લઈને સુરત હોસ્પિટલ ખાતે ફરજ નિભાવવા માટે પહોંચી જાય છે. 
બાળ સહજ પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા મુશ્કેલ બની જાય છે  
સુરતની સ્મીમેર હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતા સંગીતાબેન પંચાલે જણાવ્યું હતું કે, કોરોના વાઈરસ સંક્રમણની દહેશત વચ્ચે આરોગ્ય કર્મચારી તરીકે કપરી ફરજ અદા કરવી પડે છે. કોરોના વાઈરસના દર્દીઓ સાથે સારવારમાં રહેવું પડે છે. જોકે તે ફરજનો ભાગ છે, પણ ડ્યુટી અર્થે હાલ એક્ટિવા પર સુરત સુધી જવુ અત્યંત કપરું છે. ડર પણ લાગે છે. કોરોના વોર્ડમાં ફરજ નિભાવ્યા બાદ ઘરે આવીએ છે, તો બાળકો કાંઇ થઇ તો નહીં જાયને તેવો ભય લાગે છે. જ્યારે એક્ટિવા પર સુરત જવા નીકળુ છું, ત્યારે દીકરી પૂછે છે તે મમ્મી પાછી આવીશ કે નહીં, ત્યારે બાળ સહજ પ્રશ્નનો પ્રત્યુત્તર આપવા મુશ્કેલ બની જાય છે.
ઘરની નીકળતા પુત્રી અને પુત્ર સેનેટાઇઝર આપે છે 
સંગીતાબેન પંચાલ જયારે ડ્યુટી પર એક્ટિવા લઇ સુરત જવા નિકળે છે, ત્યારે દીકરી તેમના માટે લીંબુ સરબત બનાવીને આપે છે. અને રસ્તામાં આપ પીતા રહેજો, તડકામાં એનર્જી મળશે, તો દીકરો સેનેટાઇઝર બોટલ આપી કહે છે. આનાથી હાથ સાફ કરતા રહેજો તેમ કહીને વિદાય કરે છે. 
ટ્રાન્સ્પોટેશન સેવા બંધ છતાં ફરજ પહેલી  
અંકલેશ્વરથી રોજ 10થી વધુ નર્સ બહેનો એક્ટિવા કે અન્ય ગાડી લઇને સુરત સિવિલ હોસ્પિટલ તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતે નોકરી પર પહોંચી જાય છે. ભલે ટ્રાન્સ્પોટેશન સેવા બંધ હોવા છતાં ફરજ પહેલી સમજી નોકરી પર જાય છે. આ બહેનો પૈકી 2 બહેનો વંદનાબહેન અને સરોજ બહેન તો હાલ કોરોના વોર્ડમાં ફરજ નીભવી રહ્યા છે. જેમને ઘરે આવવાની પરિવાનગી ના મળતા તેવો ત્યાં જ નોકરી કરી રહ્યા છે. જેમનો જરૂરી સમાન ઘરેથી આ બહેનો પણ લઇ પહોંચાડી રહ્યા છે.