અમેરિકામા લોકડાઉનના વિરોધમાં હજારો ટ્રમ્પ સમર્થકો બંધૂકો સાથે સડકો પર ઊતર્યાં

અમેરિકામા લોકડાઉનના વિરોધમાં હજારો ટ્રમ્પ સમર્થકો બંધૂકો સાથે સડકો પર ઊતર્યાં

। નવી દિલ્હી ।

અમેરિકામાં કોરોના મહામારીના કારણે ૩૭૦૦૦થી વધુ લોકો મોતના મુખમાં ધકેલાઇ ગયાં છે અને કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા ૭ લાખને પાર કરી ગઇ હોવા છતાં અમેરિકી પ્રમુખ દેશમાં લોકડાઉન જારી રાખવા તૈયાર નથી. ગુરુવારે આ માટેની ગાઇડલાઇન જારી કર્યાં પછી શુક્રવારે ટ્રમ્પે તેમના સમર્થકોને ડેમોક્રેટિક ગવર્નરોના શાસન હેઠળના રાજ્યોને લોકડાઉનમાંથી મુક્ત કરાવવાની અપીલ કરતાં હજારો ટ્રમ્પ સમર્થકો રાજ્યો દ્વારા લદાયેલા પ્રતિબંધાત્મક નિયંત્રણોના વિરોધમાં બંધૂકો સાથે સડકો પર ઊતરી આવ્યાં હતાં.  ટ્રમ્પે ટ્વિટ કર્યું હતું કે, `LIBERATE MINNESOTA!’ `LIBERATE MICHIGAN!’ `LIBERATE VIRGINIA’. જેના પગલે મિનેસોટા, મિશિગન અને ર્વિજનિયામાં હજારો લોકોએ નિયંત્રણો હટાવવાની માગ સાથે દેખાવો કર્યાં હતાં.

બીજીતરફ સંખ્યાબંધ રાજ્યોના ગવર્નર હજુ ટ્રમ્પના લોકડાઉન ખોલવાના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યાં છે. ન્યૂયોર્કના ગવર્નરે રાજ્યમાં લદાયેલા નિયંત્રણ ૧૫ મે સુધી લંબાવી દીધાં છે. વોશિંગ્ટનના ગવર્નર જે ઇન્સ્લીએ જણાવ્યું હતું કે, ટ્રમ્પ આ પ્રકારના આહવાન કરીને કરોડો અમેરિકનોની જિંદગી દાવ પર લગાવી રહ્યાં છે. ટ્રમ્પ ગેરકાયદેસર અને ભયાનક કૃત્યો અને બળવાને પ્રોત્સાહન આપી રહ્યાં છે. તેમના આ પ્રકારના આહવાનો હિંસા ફેલાવી શકે છે. ઓરેગોનના ગવર્નર કેટ બ્રાઉને નિયંત્રણો ૨૩ માર્જા સુધી લંબાવતાં જણાવ્યું હતું કે, કોરોના વાઇરસના કેસમાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી નિયંત્રણો હટાવાશે નહીં. દરમિયાન શુક્રવારે ફ્લોરિડામાં નિયંત્રણો હટાવીને દરિયા કિનારા ખુલ્લા મુકાતાં સેકડો લોકોના ટોળાં દરિયા કિનારા પર ધસી ગયાં હતાં. ફ્લોરિડામાં મર્યાદિત સમય માટે દરિયા કિનારા ખુલ્લા મુકાયાં છે.

બીજીતરફ શનિવારે વિશ્વભરમાં કોરોના વાઇરસના કુલ સંક્રમિતોની સંખ્યા ૨૨ લાખને પાર કરીને ૨૨,૭૫,૭૩૮ પર પહોંજી હતી. સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે થયેલાં મોતનો આંકડો દોઢ લાખને પાર કરીને ૧,૫૬,૧૦૪ પર પહોંચ્યો હતો. એકલા અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૫૫૬નાં મોત થતાં કુલ આંકડો ૩૭,૧૭૫ પર પહોંજયો હતો. અમેરિકામાં કોરોનાના કુલ સંક્રમિતોની સંખ્યા ૭,૧૦,૨૭૨ થઇ હતી.

બ્રિટનના રાણીએ ૬૮ વર્ષમાં પહેલીવાર જન્મ દિવસનો ગન સેલ્યૂટ કાર્યક્રમ રદ કર્યો

બ્રિટનના મહારાણી એલિઝાબેથ બીજાએ મંગળવારે તેમના જન્મદિવસ નિમિત્તે યોજાનારી બંધૂકની સલામીનો કાર્યક્રમ રદ કરવાનો આદેશ આપ્યો છે. કોરોના વાઇરસના પ્રસારને મધ્યનજર ક્વીન એલિઝાબેથ બીજાના ૬૮ વર્ષના શાસનકાળમાં પહેલીવાર જન્મ દિવસે યોજાતો ગન સેલ્યૂટ કાર્યક્રમ રદ કરાવ્યો છે.

જાપાનમાં કોરોના પોઝિટિવ ૧૦,૦૦૦ને પાર, હોસ્પિટલ સેવાઓ ભાંગી પડવાના આરે

જાપાનમાં શનિવારે કોરોના વાઇરસના પોઝિટિવ કેસની સંખ્યા ૧૦,૦૦૦ને પાર કરી ગઇ હતી. જાપાનમાં કોરોનાના કારણે ૨૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે.વડાપ્રધાન શિન્ઝો આબેના જણાવ્યા અનુસાર જો આ રીતે જ દેશમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતાં રહેશે તો હોસ્પિટલ સેવાઓ ભાંગી પડશે. જાપાન સરકારે ટેસ્ટિંગની સંખ્યા વધારી દેવાનો નિર્ણય કર્યો છે.

કોરોના વર્લ્ડવાઇડ

  • ઇરાને તેહરાન અને આસપાસના શહેરોમાં બિઝનેસ માટેના નિયંત્રણો હટાવાયાં
  • બાંગ્લાદેશમાં લોકડાઉનનું ઉલ્લંઘન કરી લાખો લોકો દફનવિધિમાં ઊમટયાં
  • કેનેડામાં વિમાનના પ્રવાસીઓ માટે માસ્ક ફરજિયાત બનાવાયાં

કોરોનાના કારણે ૧૫,૦૦૦થી વધુનાં મોત

૩૭,૧૭૫       અમેરિકા

૨૨,૭૪૫       ઇટાલી

૨૦,૦૪૩       સ્પેન

૧૮,૬૮૧       ફ્રાન્સ

૧૫,૪૬૪       બ્રિટન