અમેરિકામાં આ ટ્રાફિકજામ નહીં પણ કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈનો છે, પાંચ રાજ્યોમાં કોરોનાના રેકોર્ડ કેસ

અમેરિકામાં આ ટ્રાફિકજામ નહીં પણ કોરોના ટેસ્ટ માટે લાંબી લાઈનો છે, પાંચ રાજ્યોમાં કોરોનાના રેકોર્ડ કેસ

ન્યૂયોર્ક. અમેરિકામાં ગત 24 કલાકમાં કોરોનાના 59 હજાર દર્દી સામે આવ્યા હતા. અગાઉ બે દિવસમાં 61,848 અને 55,442 દર્દી મળ્યા હતા. દેશમાં ગત નવ દિવસોમાં પાંચમી વખત રેકોર્ડ દર્દી મળ્યા છે. મિસૌરી, ટેક્સાસ, ઉટા, ટેનેસી અને વેસ્ટ વર્જિનિયામાં 24 કલાકમાં કોરોનાના રેકોર્ડ કેસ નોંધાયા હતા. ગત અઠવાડિયાંથી 35 રાજ્યોમાં નવા કેસ વધી રહ્યા છે. અમેરિકામાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે. 

26 સાંસદ પોઝિટિવ મળી આવ્યા
મિસિસિપ્પીમાં 26 સાંસદો કોરોના ચેપગ્રસ્ત મળી આવ્યા હતા. બીજી બાજુ કોરોનાના વધતા કેસને જોતાં હ્યુસ્ટનમાં આગામી બે અઠવાડિયાંમાં યોજાનાર રિપબ્લિકન પાર્ટીનું કન્વેન્શન પણ રદ કરાયું છે. જ્યારે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્કૂલો શરૂ કરવા માટે દબાણ કરી રહ્યા છે. આવું ન કરવા બદલ ફન્ડિંગમાં કાપ મૂકવાની ચેતવણી પણ ઉચ્ચારી દીધી છે. 

ટેસ્ટ વધારી 6.4 લાખ કર્યા તેમ છતાં લાંબી રાહ જોવી પડે છે 
અમેરિકામાં કોરોનાના ટેસ્ટ કરાવવા માટે લોકોએ લાંબી રાહ જોવી પડે છે. બે અઠવાડિયાં પહેલાં સુધી અહીં રોજના 5.18 લાખ ટેસ્ટ થઇ રહ્યા હતા, હવે 6.4 લાખ જ થઈ રહ્યા છે તેમ છતાં લોકોને 3-4 કલાક લાગી રહ્યા છે. ટેસ્ટના પરિણામ માટે પણ અઠવાડિયા સુધી રાહ જોવી પડી રહી છે.