બિગ-બી અને અભિષેક બાદ ઐશ્વર્યા અને આરાધ્યા પણ કોરોનાથી સંક્રમિત
। મુંબઇ ।
મહારાષ્ટ્ર અને વિશેષ મુંબઇમાં કાળો કેર વર્તાવી રહેલી કોરોના મહામારીએ હવે બોલિવૂડના અગ્રણી સિતારાઓના ઘરોમાં દસ્તક દીધી છે. બોલિવૂડના સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને તેમનો અભિનેતા પુત્ર અભિષેક બચ્ચન કોરોનાથી સંક્રમિત થયા પછી હવે બિગ-બીની પુત્રવધૂ ઐશ્ચર્યા રાય-બચ્ચન અને અભિષેક-ઐશ્ચર્યાની દીકરી આરાધ્યા બચ્ચનના કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. બચ્ચન પરિવારમાં ફક્ત જયા બચ્ચનનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. અમિતાભની દીકરી શ્વેતા નંદા અને તેમના બે બાળકો અગસ્ત્ય તથા નવ્યા નવેલીના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા હતા.
અમિતાભ અને અભિષેકમાં કોરોનાના મધ્યમ લક્ષણ દેખાતાં તેમને શનિવારે સાંજે મુંબઇની નાણાવટી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. ઐશ્વર્યા અને આરાધ્યામાં કોરોનાનાં લક્ષણ ન હોવાના કારણે તેમને હોમ ક્વોરન્ટાઇન કરાયાં છે. આ દરમિયાન તેમને જયા બચ્ચનથી સુરક્ષિત અંતર જાળવવાની સલાહ અપાઇ છે. મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, ઐશ્વર્યા રાય બચ્ચન અને તેમની દીકરી આરાધ્યાના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે જ્યારે જયા બચ્ચનનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે.
નાણાવટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલે જણાવ્યું હતું કે, ૭૭ વર્ષીય અમિતાભ બચ્ચનની સ્થિતિ સ્થિર છે. તેમને કોરોનાના હળવા લક્ષણ જણાતાં આઇસોલેશન યુનિટમાં સારવાર અપાઇ રહી છે. નાણાવટી હોસ્પિટલના ક્રિટિકલ કેર વિભાગના વડા ડો. અબ્દુલ સમદ અન્સારીએ જણાવ્યું હતું કે, દેશના સૌથી મોટા આઇકોન અને તેમના પુત્રની સારવાર કરવાની બહુ મોટી જવાબદારી અમારા માથા પર છે. તેમની સ્થિતિ સ્થિર છે. તેમનામાં કોરોનાનાં હળવાં લક્ષણ છે અને તેમના શરીરના તમામ અંગો સારી રીતે કામ કરી રહ્યાં છે. સામાન્ય રીતે ૧૦-૧૨મા દિવસે શરીરમાં કોરોનાનું સંક્રમણ ચરમ પર પહોંચે છે. અમિતાભ બચ્ચનમાં પાંચ દિવસથી કોરોનાનાં લક્ષણ સામે આવ્યાં હતાં. આગામી ૭ દિવસ સુધી અમારી તેમના પર ચાંપતી નજર રાખવી પડશે. અભિષેક બચ્ચનની સ્થિતિ પણ સ્થિર છે.
અમિતાભના મુંબઇમાં આવેલા ચાર બંગલા સીલ કરાયાં, પ્રતિબંધિત વિસ્તાર ઘોષિત
બીએમસીએ અમિતાભ બચ્ચનના મુંબઇ સ્થિત ચાર બંગલા જલસા, પ્રતીક્ષા, જનક અને વત્સ સીલ કરી દીધાં છે. બીએમસી દ્વારા અમિતાભ બચ્ચનના ચારેય નિવાસસ્થાનને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરાયા છે. દરેક બંગલા પર મેડિકલ અને સેનિટાઇઝેશન ટીમ મોકલી અપાઇ છે.
બચ્ચન પરિવાર
અમિતાભ બચ્ચન ૭૭ વર્ષ કોરોના પોઝિટિવ
જયા બચ્ચન ૭૨ વર્ષ કોરોના નેગેટિવ
અભિષેક બચ્ચન ૪૪ વર્ષ કોરોના પોઝિટિવ
ઐશ્વર્યા રાય બચ્ચન ૪૬ વર્ષ કોરોના પોઝિટિવ
આરાધ્યા બચ્ચન ૦૮ વર્ષ કોરોના પોઝિટિવ
પૂજા-અર્ચના-યજ્ઞા અને દુઆઓ
- ભોપાલ, મુંબઇ, વારાણસી અને ભીલવાડા સહિત દેશનાં શહેરો અને કસબાઓમાં અમિતાભની તંદુરસ્તી માટે પૂજા
- ભોપાલના ટીટી નગરના મંદિરમાં અમિતાભની તસવીર સાથે પૂજા કરાઈ, ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં મહાઅભિષેક
- મુંબઇના બોરિવલીમાં અમિતાભ-અભિષેકની સલામતી માટે મહામૃત્યુંજયના જાપ
- રાંચીમાં અમિતાભ અને અભિષેકની તસવીરો સાથે ફેન્સે હવન કર્યું
ફેન્સને ભયભીત ન થવા અને શાંતિ જાળવવા અભિષેકની અપીલ
અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, હું અને મારા પિતા કોરોના વાઇરસથી સંક્રમિત થયાં છીએ. અમારા બંનેમાં કોરોનાનાં હળવાં લક્ષણ હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. બીએમસી અમારા સંપર્કમાં છે અને અમે તેમને સાથ સહકાર આપી રહ્યાં છીએ. અમે તમામને ભયભીત ન થવા અને શાંતિ જાળવવા અપીલ કરીએ છીએ.
રેખાનો સિક્યુરિટી ગાર્ડ કોરોના પોઝિટિવ આવતાં બંગલો સીલ કરાયો
બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાના સિક્યુરિટી ગાર્ડનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં તેનો બાંદ્રા સ્થિત સી સ્પ્રિંગ બંગલો સીલ કરી દેવાયો હતો. રેખાના બંગલાને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવ્યો છે. સિક્યુરિટી ગાર્ડને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. અગાઉ આમિર ખાન, બોની કપૂર અને જ્હાનવી કપૂર, કરણ જૌહરના સ્ટાફ પણ કોરોનાથી સંક્રમિત મળી આવ્યાં છે.
૫૪ લોકોના સંપર્કમાં આવ્યો બચ્ચન પરિવાર, ૩૦ના ટેસ્ટ કરાયા
અમિતાભ બચ્ચન અને તેમના પરિવારના સંપર્કમાં ૫૪ લોકો આવ્યા હતા. અત્યાર સુધીમાં ૩૦ લોકોના સેમ્પલ લઇ ટેસ્ટિંગ માટે મોકલી અપાયાં છે. તેમના રિપોર્ટ સોમવારે આવવાની સંભાવના છે. બચ્ચન પરિવારના હાઉસ સ્ટાફ અને તેમના સંપર્કમાં આવેલા લોકો તેમાં સામેલ છે. આ તમામને આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી છે.
અનુપમ ખેરની માતા, ભાઈ-ભાભી અને ભત્રીજી કોરોના પોઝિટિવ
બોલિવૂડના ચરિત્ર અભિનેતા અનુપમ ખેરની માતા દુલારી, ભાઈ રાજુ, ભાભી રીમા અને ભત્રીજીના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે. અનુપમ ખેરે આ માહિતી જાહેર કરતા જણાવ્યું હતું કે, મારો કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. અનુપમ ખેરના માતાને કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં છે જ્યારે બાકીના સભ્યોને હોમ ક્વોરન્ટાઇન કરાયાં છે.
નીતુ કપૂર અને રણબીર કપૂર કોરોના પોઝિટિવ હોવાની અફવા
ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂર શાનીએ રવિવારે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, મારી માતા નીતુ કપૂર અને ભાઇ રણબીર કપૂર કોરોનાથી સંક્રમિત થયાં હોવાના અહેવાલો અફવા છે. તેઓ સારા અને તંદુરસ્ત છે. કેટલાક લોકો ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.