ગુજરાતમાં સર્વોચ્ચ 902 કેસ : 13 દિવસમાં જ કોરોનાના નવા 10,165 કેસ નોંધાયા

ગુજરાતમાં સર્વોચ્ચ 902 કેસ : 13 દિવસમાં જ કોરોનાના નવા 10,165 કેસ નોંધાયા

પ્રતિ કલાકે 38ને કોરોના સંક્રમણ : જુલાઇમાં કોરોનાનું વધુ વિકરાળ રૂપ

ગુજરાતના 29 જિલ્લાઓમાં હવે 100થી વધુ કેસ : છેલ્લા 24 કલાકમાં 608 દર્દીઓ ડિસ્ચાર્જ

અમદાવાદ, તા. 13 જુલાઇ, 2020, સોમવાર

ગુજરાતમાં કોરોના વાયરસનો વ્યાપ ચિંતાજનક રીતે દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 902 સાથે ગુજરાતમાં કોરોના વાયરસના કુલ કેસનો આંક હવે 42808 થઇ ગયો છે.

આ સિૃથતિએ ગુજરાતમાં પ્રતિ કલાકે 38 વ્યક્તિને કોરોના સંક્રમણ થઇ રહ્યું છે. ગુજરાતમાં જુલાઇના 13 દિવસમાં જ કોરોનાના કુલ કેસનો આંક હવે 10165 થઇ ગયો છે.

આ ઉપરથી જ ગુજરાતમાં કોરોના વાયરસથી સર્જાઇ રહેલી ગંભીર સિૃથતિનો તાગ મેળવી શકાય છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસનો આંક 10945 છે અને આ પૈકી 74 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આમ, એક્ટિવ કેસનો આંક હવે 11 હજારની નજીક છે.

છેલ્લા 24 કલાકમાં ગીર સોમનાથ-નર્મદા-દેવભૂમિ દ્વારકા-ડાંગ સિવાય તમામ જિલ્લાઓમાં કોરોના સંક્રમણના કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાં 207-સુરત ગ્રામ્યમાં 80 એમ સૌથી વધુ 287 કેસ નોંધાયા હતા. સુરતમાં જુલાઇ માસમાં જ 3286 કેસ નોંધાઇ ચૂક્યા છે. હાલ સુરતમાં 2930 એક્ટિવ કેસ છે.

બીજી તરફ અમદાવાદમાં વધુ 164 સાથે કોરોનાના કુલ કેસનો આંક હવે 23259 થયો છે. અમદાવાદમાં હાલ એક્ટિવ કેસ 3690 છે. ગુજરાતમાં 30 જૂન સુધી 20913 કેસ હતા. આમ, જુલાઇ માસમાં અમદાવાદમાં કોરોનાના કેસની ગતિ ધીમી પડી છે. જોકે, અનલોક-1 બાદ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં કોરોનાના કેસનું પ્રમાણ સતત વધી રહ્યું છે. 

છેલ્લા 24 કલાકમાં અન્ય જિલ્લાઓ કે જ્યાં વધુ કેસ નોંધાયા તેમાં 74 સાથે વડોદરા, 46 સાથે જુનાગઢ, 40 સાથે ભાવનગર, 34 સાથે રાજકોટ, 26 સાથે સુરેન્દ્રનગર, 25 સાથે ગાંધીનગરનો મુખ્યત્વે સમાવેશ થાય છે.

વડોદરા હવે 3126, ગાંધીનગર 918, રાજકોટ 689, ભાવનગર 642, મહેસાણા 451 કુલ કેસ ધરાવે છે. ગુજરાતના જે જિલ્લાઓ 100થી વધુ કેસ ધરાવે છે તેમાં હવે મોરબીનો પણ સમાવેશ થઇ ગયો છે.

મોરબીમાં વધુ 9 સાથે કુલ કેસનો આંક 103 થયો છે. હવે છોટા ઉદેપુર, તાપી, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને ડાંગ જ એવા જિલ્લાઓ છે જ્યાં કોરોનાના 100થી ઓછો કેસ છે. છેલ્લા 24 કલાકમાં સુરતમાંથી સૌથી વધુ 5, અમદાવાદમાંથી 3 જ્યારે ગાંધીનગર-મોરબીમાંથી 1-1 એમ કુલ 10ના મૃત્યુ થયા હતા.

આમ, કોરોનાથી કુલ મરણાંક હવે 2056 થયો છે. જેમાં સૌથી વધુ 1522 અમદાવાદ, 219 સુરત, 49 વડોદરા જ્યારે 33 ગાંધીનગરમાંથી છે. છેલ્લા 24 કલાકમાં વધુ 608 સાથે કોરોનાથી સાજા થનારા દર્દીઓનો આંક હવે 29806 થયો છે. જેમાં સુરતમાંથી 186, અમદાવાદમાંથી 125, વડોદરામાંથી 102 દર્દીઓને રજા અપાઇ છે.

ગુજરાતના 56% કેસ મહાનગરોમાં

ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના કુલ 4389 કેસ નોંધાયા છે આ પૈકીના 2486 એટલે કે 56.20% કેસ માત્ર આઠ મહાનગરોમાંથી છે. આઠ મહાનગરોમાંથી 9 જુલાઇએ કુલ 467,10 જુલાઇએ 537, 11 જુલાઇએ 486, 12 જુલાઇએ 509 અને 13 જુલાઇએ 497 કેસ નોંધાયા હતા. જેમાં સુરત શહેરમાંથી છેલ્લા પાંચ દિવસમાં 1006, અમદાવાદમાંથી 776 કેસ નોંધાયેલા છે. 

છેલ્લા 24 કલાકમાં માત્ર 5619 ટેસ્ટ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 5619 ટેસ્ટ થયા છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ ટેસ્ટનો આંક હવે 4,70,265 થયો છે. જુલાઇ માસના 13 દિવસમાં ગુજરાતમાં કુલ 99652 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ક્યાં સૌથી વધુ એક્ટિવ કેસ ?

જિલ્લોએક્ટિવ કેસ
અમદાવાદ3690
સુરત2930
વડોદરા837
રાજકોટ490
ભાવનગર406
મહેસાણા239
ગાંધીનગર234
જુનાગઢ181
ભરૂચ173
સુરેન્દ્રનગર164

ગુજરાતમાં કોરોનાના સર્વોચ્ચ દૈનિક કેસ

તારીખકેસ
13 જુલાઇ902
12 જુલાઇ879
10 જુલાઇ875
11 જુલાઇ872
9 જુલાઇ861
8 જુલાઇ783