24 કલાકમાં યુએસમાં કોરોના વાઈરસના 71,750 કેસ : 1001 લોકોનાં મોત

24 કલાકમાં યુએસમાં કોરોના વાઈરસના 71,750 કેસ : 1001 લોકોનાં મોત

। વોશિંગ્ટન ।

કોરોના વાઇરસનો સૌથી વધારે ભોગ બનેલા યુએસમાં ૨૪ કલાકમાં કોરોનાના ૭૧,૭૫૦ કેસ તો બ્રાઝિલમાં ૩૯,૭૦૫ કેસ સામે આવ્યાં હતા. યુએસમાં ચોવીસ કલાકમાં ૧,૦૦૧ અને બ્રાઝિલમાં ૧,૨૬૧ લોકોનાં મોત થયાં છે. સમગ્ર વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧.૩૭ કરોડ થઈ છે અને હજુ પણ ઝડપી ગતિએ વધી રહી છે તો ૫.૮૭ લાખ લોકોનાં મોત થયાં છે. આ દરમિયાન એટલાન્ટાના મેયર કિશા લાન્સે પ્રમુખ ટ્રમ્પ પર માસ્ક ન પહેરીને કાયદો તોડવાનો આરોપ લગાવ્યો છે.

બ્રાઝિલના પ્રમુખનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ

ગુરુવારે બ્રાઝિલના ૬૫ વર્ષીય પ્રમુખ બોલ્સોનારોનો બીજો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ પહેલા ૭ જુલાઈએ પણ તેમનો કોરોનાનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. શરૂઆતમાં જ્યારે કોરોના ફેલાયો ત્યારે પ્રમુખે તેની હાંસી ઉડાવી હતી. ૬૫ વર્ષીય બોલ્સોનારોએ પત્રકારો સમક્ષ પોતે પોઝિટિવ હોવાની તથા બ્રાસિલિયા સ્થિત પોતાના ઘરમાં ક્વોરન્ટાઇનમાં રહેવાનું જણાવ્યું હતું.

ચીનમાં કોરોનાના ફક્ત ૬ કેસો : સિનેમાઘરો ખૂલ્યાં

ચીનમાં જાન્યુઆરીથી બંધ કરાયેલા સિનેમાઘરોને ગુરુવારે ખોલી દેવાયા હતા. જોકે સિનેમાઘરોએ સોશિયલ ડિસ્ટિંગના નિયમોનું પાલન કરવું પડશે. ચીનમાં કોરોના વાઇરસ લગભગ ખતમ થવાની અણીએ છે. ચીનમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના ફક્ત ૬ કેસો આવ્યાં છે.  બીજી તરફ કોરોનાના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકાની સરકારે લોકડાઉનના પ્રતિબંધો આકરા કરી દીધા છે. દેશમાં હાલમાં સંક્રમિતોનો આંકડો ૩ લાખને પાર કરી ગયો છે. દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે તથા જાહેર સ્થળોએ માસ્ક પહેરવો ફરજિયાત બનાવી દેવાયો છે.