ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ, કોરોનાથી મોત થાય તો પરિવારને આર્થિક મદદ કરો

ગુજરાત હાઇકોર્ટમાં PIL દાખલ, કોરોનાથી મોત થાય તો પરિવારને આર્થિક મદદ કરો

કોરોના મહામારીએ દુનિયાના તમામ દેશોને પોતાની ઝપેટમાં લીધા છે ત્યારે વિશ્વ સ્વાસ્થય સંસ્થાએ પણ તેને વૈશ્વિક મહામારી જાહેર કરી છે ત્યારે ગુજરાતમાં પણ કોરોનાના રોકેટ ગતિએ વધેલા કેસોમાં મૃત્યુ પામનારની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે ત્યારે કોરોના કાળમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સરકાર દ્વારા યોગ્ય વળતર આપવાની માંગ સાથે ગુજરાત હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરાઈ છે.

રાજ્ય સહીત દેશભરમાં કોરોના વાયરસના કારણે અનેક લોકો મોતને ભેટ્યા છે ત્યારે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં મૃતકના પરિવારજનોને વળતર આપવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે આ અરજીમાં પર એક નજર કરીએ તો કોરોના વાઇરસથી સંક્રમિત થયેલા અને તેના લીધે મૃત્યુ પામેલા દર્દીઓના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 હેઠળ વળતર આપવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ છે. જેની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે.

અરજીમાં અરજદારની રજૂઆત છે કે કોરોનાથી અસર પામેલા અને તેનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનોને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005 હેઠળ વળતર ચૂકવવામાં આવે. આ માટે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-2005ની કલમ 11, 12 તથા 46થી 50 ની જોગવાઈ હેઠળ વળતર ચૂકવવા માટેની યોજના ઘડવામાં આવે.

લોકતંત્રમાં પ્રજાનું રક્ષણ સરકારે માતા પિતાની જેમ કરવાનું હોય છે. કોરોના વાયરસથી મોત થતા અનેક લોકોએ પરિવારના મોભી ગુમાવ્યા છે અને વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા કોરોના વાયરસને મહામારી જાહેર કરી છે. કોરોના સામે લડવા માટે પણ દાતાઓ દ્વારા દાન કરવામાં આવ્યું છે માટે દાતાઓ દ્વારા કરવામાં આવેલા દાનનું વાર્ષિક ઓડિટ થવું જોઈએ તેવી અરજદારે માંગ કરી છે.