ગુજરાતી અમેરિકન દંપતીની 4 લાખ ડોલરની છેતરપિંડીના આરોપસર ધરપકડ

ગુજરાતી અમેરિકન દંપતીની 4 લાખ ડોલરની છેતરપિંડીના આરોપસર ધરપકડ

। વોશિંગ્ટન ।

ભારતમાં નકલી કંપની ખોલીને અમેરિકાનાં નાગરિકોને ગેરમાર્ગે દોરીને ૪,૦૦,૦૦૦ ડોલરથી વધારેની કિંમતની છેતરપિંડી કરવા બદલ ભારતીય મૂળનાં ગુજરાતી દંપતીની ધરપકડ કરવામાં આવી છે. અમેરિકાનાં ન્યાય વિભાગ દ્વારા આપવામાં આવેલ માહિતી મૂજબ મેહુલકુમાર મનુભાઈ પટેલ અને ચિતાલી દવે નામના દંપતીએ ૨૪ લોકો સાથે મે ૨૦૧૯થી જાન્યુઆરી ૨૦૨૦ સુધીમાં ચાર લાખ ડોલરની છેતરપિંડી કરી હતી. ફેડરલ ગ્રાન્ડ જ્યૂરીએ મની લોન્ડરીંગ અને કાવતરું ઘડવાનાં આરોપો મૂક્યા છે. અમેરિકન એટર્ની બાયંગ જે એ કહ્યું કે,આ દંપતી સોશિયલ સિક્યોરિટીનું નામ લઈને, પોતાને ભારત સ્થિત કોલ સેન્ટરનાં ફેડરલ એજન્ટ ગણાવીને પીડિતોને ગેરમાર્ગે દોરતા હતા.

પીડિતોનાં કોમ્પ્યૂટર એક્સેસ લઈને બેન્ક ખાતાની વિગત મેળવી લેતા

ટેક્નિકલ સપોર્ટ આધારિત આ કૌભાંડમાં આરોપીઓ પીડિતોને પૈસા મોકલવાના બદલે તેમનાં કોમ્પ્યૂટર્સમાં ટેક્નિકલ મદદ પૂરી પાડવાનાં કથિત વાયદા કરતા હતા, આ દંપતી ફોન કરીને પીડિતોને તેમની સંપતિ છીનવાઈ જવાનો ડર બતાવતા હતા અને કહેતા કે જો તેઓ પૈસા મોકલાવશે નહીં તો તેમની સંપત્તિને નુક્સાન થશે. આરોપીઓ પીડિતો ભોળવીને કોમ્પ્યૂટરનું એક્સેસ માંગીને તેમનાં બેન્ક ખાતાનું એક્સેસ મેળવી  બેન્ક ખાતામાં પૈસા ઉમેરાયા હોવાની માહિતી આપીને તેમને ગેરમાર્ગે દોરતા હતા.