90 ફાઇટર જેટ સાથે અમેરિકાનું યુદ્ધજહાજ આંદામાન-નિકોબારમાં

90 ફાઇટર જેટ સાથે અમેરિકાનું યુદ્ધજહાજ આંદામાન-નિકોબારમાં

। વોશિંગ્ટન  ।

ભારત અને ચીન વચ્ચે લદાખ સીમા વિવાદને કારણે તંગદિલી સર્જાઈ છે ત્યારે ચીનને પાઠ ભણાવવા અને જરૂર પડે તો ટાર્ગેટ બનાવવા અમેરિકાએ તેનું વિમાનવાહક જહાજ નિમિત્ઝ આંદામાન નિકોબાર નજીક મોકલ્યું છે. ૯૦ ફાઈટર જેટ તેમજ ૩૦૦૦ સૈનિકો સાથેનું આ વિમાનવાહક જહાજ અત્યંત શક્તિશાળી માનવામાં આવે છે. દુશ્મનોનો પળભરમાં ખાતમો બોલાવે તેવા ખતરનાક શસ્ત્રોથી તે સજ્જ છે. નિમિત્ઝને આંદામાન નિકોબાર નજીક તહેનાત કરીને ભારત અને અમેરિકાએ ચીન પરનું દબાણ વધાર્યું છે. ચીન નજીક સાઉથ ચાઈના સીમાં પેટ્રોલિંગ કર્યા પછી અમેરિકન નૌકા કાફલાનું આ યુદ્ધજહાજ આંદામાન નિકોબાર નજીક પહોંચ્યું છે અને હિંદ મહાસાગરમાં પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ભારતીય નેવી અગાઉથી જ આ વિસ્તારમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. અમેરિકાએ ચીનને ચારે તરફથી ઘેરી લીધા પછી તે અમેરિકા પર ભડક્યું છે અને સતત યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે.

એશિયામાં અમેરિકાનાં ત્રણ યુદ્ધજહાજો તહેનાત

અમેરિકાએ એશિયામાં તેનાં ત્રણ યુદ્ધજહાજો તહેનાત કર્યા છે. હિન્દ મહાસાગરમાં ચીનનું પ્રભુત્વ ઘટાડવા અને વિસ્તારવાદને કાબૂમાં રાખવા અમેરિકા અને ભારતે સંયુક્ત પ્રયાસો હાથ ધર્યા છે. અમેરિકાનું એક યુદ્ધજહાજ રોનાલ્ડ રિગન સાઉથ ચાઈના સીમાં છે જ્યારે થિયોડોર રૂઝવેલ્ટ ફિલિપાઈન્સના સાગરકાંઠે અને ત્રીજુ નિમિત્ઝ આંદામાન નિકોબાર નજીક પેટ્રોલિંગ કરી રહ્યું છે.

હિન્દ મહાસાગરમાં ડ્રેગનને પછડાટ આપવા વ્યૂહ

એક તરફ ભારતનું શક્તિશાળી નૌકાદળ અને બીજી તરફ આંદામાન નિકોબાર તેમજ સાઉથ ચાઈના સી તરફ અમેરિકાનું વિમાનવાહક જહાજ પેટ્રોલિંગ કરી રહ્યું છે તેથી ડ્રેગન દરિયામાં બરાબર ફસાયું છે. ચીનનો ગલ્ફનાં દેશો સાથેનો વેપાર હિન્દ મહાસાગરમાંથી થાય છે અને તે ક્રૂડ તેમજ ઊર્જાની આયાત પણ આ દરિયાઈ માર્ગે કરે છે તેથી જો ભારત આ રૂટ બ્લોક કરે તો તેને મોટી પછડાટ ખાવી પડે તેમ છે.

આધુનિક શસ્ત્રો સાથે ભારતીય નૌકાદળ દ્વારા યુદ્ધાભ્યાસ

આંદામાન નિકોબારમાં ભારતનું નૌકાદળ વિનાશક યુદ્ધજહાજ, પેટ્રોલ એરક્રાફ્ટ તેમજ સબમરીન સાથે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે. ભારતે સબમરીનને શોધી શકે તેવા વિમાનો Poseidon-8I સાથે કવાયત હાથ ધરી છે જેમાં ઘાતક હાર્પૂન બ્લોક મિસાઈલ્સ તેમજ MK-૫૪ ટોર્પિડો સામેલ છે.

શક્તિશાળી યુએસએસ નિમિત્ઝનો દબદબો

અમેરિકાનાં સુપર કેરિયર્સમાં અણુથી ચાલતું નિમિત્ઝ ખૂબ જ શક્તિશાળી છે. તેને ૩ મે ૧૯૭૫માં અમેરિકાનાં નૌકાદળમાં સામેલ કરાયું હતું. આ જહાજ યુએસનાં સ્ટ્રાઈક ગ્રૂપ ૧૧નો એક હિસ્સો છે જે એકલા હાથે અનેક દેશોનો ખાતમો કરવાની ક્ષમતા ધરાવે છે. ૩૩૨ મીટર લાંબા વિમાનવાહક જહાજમાં ૯૦ યુદ્ધ વિમાનો અને હેલિકોપ્ટર્સ તેમજ ૩૦૦૦ સૈનિકો તહેનાત રહે છે.