NRIઓ માટે મોટા સમાચાર: સહભાગીદારીની મિલકતના વેચાણ દસ્તાવેજ માટે હવે ભારતમાં ધક્કો ખાવાની જરૂર નથી

NRIઓ માટે મોટા સમાચાર: સહભાગીદારીની મિલકતના વેચાણ દસ્તાવેજ માટે હવે ભારતમાં ધક્કો ખાવાની જરૂર નથી

રાજ્ય સરકારે ધી રજિસ્ટ્રેશન (ગુજરાત એમેડમેન્ટ) એક્ટ ૨૦૧૮ના સુધારાને કેન્દ્ર સરકારે મંજુરી આપી દીધી છે. તા.૧૦મી જુલાઇથી ગુજરાતભરમાં તેનો અમલ શરૂ થઇ ગયો છે. ગુજરાતમાં કોઇપણ મિલકતની પાવર ઓફ એટર્ની કબજા વગરની હોય તો તેની નોંધણી ફરજિયાત કરી દેવાઇ છે પણ કોઇ મિલકતના માલિક વિદેશમાં રહેતા હોય અને આવી શકે તેમ ન હોય તેવા સંજોગોમાં શું કરવું તેની સ્પષ્ટતા ન હતી જે અંગે આરટીઆઇ કરવામાં આવી હતી જેમાં રાજ્ય સરકારના મદદ નોંધણી સર નિરીક્ષકે સ્પષ્ટતા કરી છે કે, સહભાગીદારીની મિલકતના વેચાણ દસ્તાવેજ માટે કલમ-૩૩નો પાવર ઓફ એટર્ની કરી શકાશે જેના આધારે વેચાણ દસ્તાવેજની નોંધણી થઇ શકશે પણ વ્યક્તિગત માલિકીના કિસ્સામાં તો વેચાણ દસ્તાવેજ માટે વિદેશથી ફરજિયાત આવવું પડશે.

આરટીઆઇમાં આપવામાં આવેલી માહિતી મુજબ, કોઇપણ મિલકતના માલિક વિદેશમાં રહેતા હોઇ અને તેઓની મિલકત વેચાણ કરવા અંગે વિદેશથી આવી શકે તેમ ન હોય અને વિદેશથી સહી થઇને આવેલા પાવર ઓફ એટર્નીના લેખ સંબંધે મિલકત માલિકે લખી આપનાર તરીકે જે દસ્તાવેજની નોંધણી કરાવવાની હોય તે દસ્તાવેજમાં જાતે સહી કરીને તે દસ્તાવેજની રજૂઆત અને કબૂલાત આપવા માટે તેની સાથે પાવર ઓફ એટર્નીનો લેખ પણ વિદેશમાં નોંધણી અધિનિયમની કલમ ૩૩માં જણાવેલ વ્યક્તિ/અધિકારી સમક્ષ સહી કરી દસ્તાવેજ તથા પાવર ઓફ એટર્ની બંને સાથે મોકલી આપેલ હોય ત્યારે નોંધણી અધિનિયમની કલમ ૩૩ મુજબ કાર્યવાહી કરવાની રહે છે.

આવા કિસ્સામાં ગુજરાત સ્ટેમ્પ એક્ટ ૧૯૫૮ની કલમ ૧૮ મુજબ સ્ટેમ્પ મારીને નોંધણી કરાવવાના દસ્તાવેજમાં તથા પાવર ઓફ એટર્નીના લેખ તેવા પાવર ઓફ એટર્નીના આધારે નોંધણી અધિનિયમની કલમ ૨૬થી ઠરાવેલ સમય મર્યાદામાં દસ્તાવેજની રજૂઆત તથા લખી આપનાર વ્યક્તિની સહીની સહીની કબૂલાત પાવર ઓફ એટર્ની હોલ્ડરની રહેશે. વિદેશથી સહી થઇને આવેલા કોઇપણ જનરલ પાવર ઓફ એટર્નીના લેખમાં નોંધણી અધિનિયમની કલમ ૩૩ના હેતુનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો ન હોય તો તેવા પાવર ઓફ એટર્નીના લેખ આધારે પાવર ઓફ એટર્નીના હોલ્ડર દ્વારા સહી કે મત્તુ થયેલ દસ્તાવેજની નોંધણી થઇ શકશે નહીં. કલમ ૩૩નો સ્પષ્ટ ઉલ્લેખ હોય તો તે માન્ય ગણાશે.

કલમ-૩૩ના પાવરને ઉદાહરણ તરીકે સમજો

અમદાવાદના એક ગામમાં કોઇ મિલકત આવેલી છે. આ મિલકત ચાર ભાઇઓના નામે છે. આ ચાર ભાઇ પૈકી એક ભાઇ વિદેશમાં રહે છે તો તેવા કિસ્સામાં ત્રણ ભાઇની સહી સાથેનો દસ્તાવેજ વિદેશમાં મોકલવાનો રહેશે તે વેચાણ દસ્તાવેજના દરેક પાના ઉપર વિદેશમાં રહેતો ભાઇ સહી કરશે અને તેના છેલ્લા પાના ઉપર એટલે કે, મત્તુમાં સહી કરશે પછી સાથે કલમ ૩૩ હેઠળ એક પાવર ઓફ એટર્ની કરી આપશે જે અહીં દસ્તાવેજની નોંધણી કરતી વખતે તેના બદલે અન્ય ભાઇ કે કોઇને સહી કરવાની સત્તા આપશે જેના આધારે તેમની ગેરહાજરીમાં પણ તે મિલકતનો વેચાણ દસ્તાવેજ થઇ શકશે. આ સહભાગીદારીની મિલકતમાં શક્ય બનશે. એક જ માલિકીની મિલકત હોય તે વિદેશમાં રહેતા હોય તો તેમણે વેચાણ દસ્તાવેજ કરવા માટે આવવું પડશે. ( Source – Sandesh )