આત્મનિર્ભર ભારત / દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા

આત્મનિર્ભર ભારત / દેશમાં 11.5 લાખ કરોડના મોબાઈલ બનશે, લૉકડાઉન પછી 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા

  • કેન્દ્રની 41 હજાર કરોડની પીએલઆઈ યોજના હેઠળ દેશવિદેશની અરજીઓ આવી
  • આઈફોન બનાવતી ફોક્સકોન, વિસ્ટ્રોન, પેગાટ્રોન પણ રેસમાં

નવી દિલ્હી. કોરોના સંકટના કારણે સર્જાયેલા આર્થિક પડકારો વચ્ચે રોજગાર ક્ષેત્રે સારા સમાચાર આવ્યા છે. 22 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કંપનીઓએ આગામી પાંચ વર્ષમાં દેશમાં આશરે રૂ. 11.5 લાખ કરોડના મોબાઈલ ફોન બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. બીજી તરફ લૉકડાઉન પછી દેશમાં 1.8 કરોડ મોબાઈલ ફોન વેચાયા. જેથી દેશમાં સ્માર્ટફોન યુઝર્સ 50 કરોડને પાર થઈ ગયા છે.

કેન્દ્રિય ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રી રવિશંકર પ્રસાદના કહેવા પ્રમાણે, આ યોજનાથી 12 લાખ લોકોને રોજગારી મળશે, જેમાં 3 લાખ પ્રત્યક્ષ અને 9 લાખ અપ્રત્યક્ષ હશે. કેન્દ્રની રૂ. 41 હજાર કરોડની પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ (પીએલઆઈ) યોજના હેઠળ આ આવેદન આવ્યા છે. આ કંપનીઓમાં આઈફોન બનાવનારી કંપની ફોક્સકોન, વિસ્ટ્રોન અને પેગાટ્રોન સિવાય સેમસંગ, લાવા અને માઈક્રોમેક્સ પણ સામેલ છે. આ પ્રસ્તાવ મંજૂર થશે તેના આધારે આ કંપનીઓ હજારો કરોડનું રોકાણ કરશે. જૂનના આખરી સપ્તાહમાં કસ્ટમમાં તપાસના નામે આયાત રોકાતા ઉત્પાદન પર અસર પડી.

એપલ પ્રોડક્શનનો 20% હિસ્સો ભારતમાં શિફ્ટ કરશે
પીએલઆઈનો લાભ લેવા માટે એપલ ભારતમાં ઉત્પાદન વધારશે. કંપની સ્માર્ટફોનનું 20% ઉત્પાદન ભારતમાં શિફ્ટ કરવાની યોજના પર કામ કરી રહી છે. માર્કેટ એક્સપર્ટ શિલ્પી જૈનના કહેવા પ્રમાણે, લાવા અને માઈક્રોમેક્સ જેવી ભારતીય બ્રાન્ડ ફાયદો ઉઠાવીને ફરી માર્કેટમાં હિસ્સો વધારી શકે છે.

અનલૉકમાં તેજી આવી
કોરોના સંકટ વચ્ચે દેશમાં સ્માર્ટફોન યુઝર્સની સંખ્યા 50 કરોડ છે. 31 માર્ચ સુધી આ આંકડો 48.3 કરોડ હતો. લૉકડાઉન ખૂલ્યા પછી મે-જૂનમાં 1.8 કરોડ ફોન વેચાયા, જેથી યુઝર્સ વધ્યા. આ સિવાય 35 કરોડ લોકો ફિચર ફોનનો પણ ઉપયોગ કરે છે. જોકે, લૉકડાઉનમાં ફોન કંપનીઓને ઘણું નુકસાન થયું. એપ્રિલથી જૂન વચ્ચે ફક્ત 1.8 કરોડ સ્માર્ટફોન વેચાયા છે, 2019માં આ જ ગાળામાં આ આંકડો 3.7 કરોડનો હતો. કાઉન્ટર પોઈન્ટના સિનિયર એનાલિસ્ટ પ્રાચીર સિંહ કહે છે કે, 40 દિવસના લૉકડાઉન પછી જૂનથી મોબાઈલ માર્કેટમાં તેજી આવી હતી. મોટા ભાગના યુનિટ એપ્રલથી બંધ થયા હતા, જે મેમાં જ ખૂલવા લાગ્યા હતા. ત્યાં પ્રોડક્શન તો ના થયું, પરંતુ કેટલીક બ્રાન્ડ્સે હૉલસેલમાં હેન્ડસેટ આયાત કરવાની માંગ પૂરી કરી.

  • 51% ઘટાડો નોંધાયો સ્માર્ટફોન વેચાણમાં. આ અછત લૉકડાઉન પછી એપ્રિલ, મે અને જૂનમાં નોંધાઈ હતી.
  • 68% ફિચર ફોન પણ ઓછા વેચાયા. ફોનના બદલે જરૂરી કામોમાં વધુ ખર્ચ કરાયો.
  • 45% રેકોર્ડબ્રેક વેચાણ ઓનલાઈન થયું અનેક પ્રોડક્ટ પણ ઓનલાઈન લૉન્ચ કરાઈ.

ચીનના વિરોધમાં સેમસંગનું વેચાણ 94% વધી ગયું

  • ચીન વિરોધી વલણનો લાભ દક્ષિણ કોરિયાની કંપની સેમસંગને થયો. એક મહિનામાં કંપનીનું વેચાણ 94% વધી ગયું.
  • સેમસંગના એક અધિકારીએ કહ્યું કે, પહેલીવાર એક મહિનામાં કોઈ કંપનીના ફોનનું વેચાણ આટલું વધ્યું છે.
  • ભારતીય બજારમાં 29% હિસ્સા સાથે ચીની કંપની શાઓમી હજુયે લીડર છે.

ચીનની મોબાઈલ કંપનીઓનો માર્કેટ હિસ્સો દેશમાં 9% ઘટ્યો
ભારતની ડિજિટલ સ્ટ્રાઈકના કારણે ચીની મોબાઈલ કંપનીઓનો માર્કેટ હિસ્સો એપ્રિલથી જૂન 2020 દરમિયાન 9% ઘટી ચૂક્યો છે. કાઉન્ટર પોઈન્ટ રિસર્ચના રિપોર્ટ પ્રમાણે, જાન્યુઆરીથી માર્ચ 2020 વચ્ચે ચીની કંપનીઓનો માર્કેટ હિસ્સો 81% હતો. એપ્રિલથી જૂન ત્રિમાસિકમાં ચીની મોબાઈલ ફોન બનાવતી કંપનીઓનો માર્કેટ હિસ્સો ઘટીને 72% પર આવી ગયો છે. ( Source – Divya Bhaskar )