‘વૈષ્ણોદેવી 0 KM’થી જાણીતા બનેલા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થતાં ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો

‘વૈષ્ણોદેવી 0 KM’થી જાણીતા બનેલા ટૂર ઓપરેટર અજય મોદીએ ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થતાં ફરસાણનો ગૃહઉદ્યોગ શરૂ કર્યો

  • લોકોને વિવિધ ટૂર પેકેજ અંગે સમજાવતાં કર્મચારીઓ હવે ફરસાણના પેકેટ પર ટેગિંગ કરે છે

એક ટેબલ અને ચાર ખુરશી સાથે પોતાના ખાડિયાના ઘરમાં ઓફિસ કરીને વૈષ્ણોદેવી યાત્રા લઇ જવાનું શરૂ કરનાર અમદાવાદના જાણીતા ટૂર ઓપરેટર અજય મોદીએ ચાર માળની ભવ્ય ટૂર ઓફિસને હાલમાં ફરસાણ કેન્દ્રમાં પરિવર્તિત કરી દીધી છે. જે સ્ટાફ પહેલાં લોકોને વૈષ્ણોદેવી, સ્વિટ્ઝરલેન્ડ કે કેરાલાની ટૂર સમજાવતો હતો તે હવે ફરસાણનાં પેકેટ પર ટેગિંગ કરે છે.

વૈષ્ણોદેવીની યાત્રાથી જાણીતા થયેલા અજય મોદી છેલ્લા 30 વર્ષમાં બે લાખથી વધુ લોકોને દર્શન કરાવ્યા હતા. આતંકવાદ હોય કે વાતાવરણનો માર ક્યારેય તેમની ટૂર બંધ નથી રહી. જોકે આ વર્ષે કોરોના મહામારીને લીધે એક પણ ભક્તને તેઓ મોકલી નથી રહ્યા. મોદીએ હાલમાં ગૃહ ઉદ્યોગ ચાલુ કર્યો છે અને સ્થિતિ નોર્મલ થાય તેની રાહ જોઇ રહ્યા છે. તેઓ ‘વૈષ્ણોદેવી 0 કિલોમીટર’ હોર્ડિંગથી જાણીતા બન્યા હતાં.

અજય મોદીએ પૌત્રીના નામથી શરૂ કરેલા ગૃહ ઉદ્યોગમાં ખાખરા, ગાઠીયા, ચવાણું અને નમકીનનું વેચાણ શરૂ કર્યું છે. જે ટ્રાવેલ ડેસ્ક પર ટુરિસ્ટ ઇન્ક્વાયરી માટે આવતાં ત્યાં અત્યારે નાસ્તાનાં પેકેટો ખડકી દેવાયા છે. આ વિશે મોદીએ ભાસ્કરને જણાવ્યું હતું કે, કોરોનાને લીધે ટુર્સ બંધ થવાથી ટ્રાવેલ ઉદ્યોગ ઠપ થઇ ગયો છે. મન કામમાં પરોવાયેલું રહે તે માટે અમારી ઓફિસને ગૃહ ઉદ્યોગમાં પરિવર્તિત કરી દીધી છે. લિમિટેડ સ્ટાફને અમે ટિકિટ બુકિંગ અને ટ્રાવેલ ઇન્ક્વાયરીને બદલે ફરસાણનાં વેચાણમાં ફેરવ્યો છે.

નવભારત હોલિડેઝ અમેરિકા, યુરોપમાં મસાલા એક્સપોર્ટ કરશે
અમદાવાદના જાણીતા ટુર ઓપરેટર નવભારત હોલિડેઝ પણ નવા ફિલ્ડમાં પદાર્પણ કરશે. નવભારતના ડાયરેક્ટર નીરવ ઠક્કરે જણાવ્યું કે, ટ્રાવેલ સેક્ટર સૌથી વધુ હિટ થયું હોઇ હાલમાં અમે પંજાબનાં પ્રખ્યાત મસાલા દુબઇ અને યુરોપ, અમેરિકા એક્સપોર્ટ કરીશું. ઇન્સ્ટન્ટ મસાલામાં પંજાબની મોનોપોલી હોઇ અમે ત્યાંની કંપની સાથે ટાઇઅપ કરીશું.

રેડિયન્ટ ઇલેક્ટ્રોનિક્સ તરફ વળશે
રેડિયન્ટ હોલિડેઝનાં ફાઉન્ડર અનુજ પાઠકનું માનવું છે કે હવે દરેક ટ્રાવેલ બિઝનેસમેને બે બિઝનેસ કરવા પડશે. કોરોના મહામારીએ સમજાવ્યું છે કે કોઇ એક ધંધા પર ડીપેન્ડન્ટ રહેવાય નહીં. હું ઇલેક્ટ્રોનિક્સનાં બિઝનેસમાં યુપીએસ અને સ્ટેબિલાઇઝર જેવી પ્રોડ્ક્ટ તરફ વળવા વિચારી રહ્યો છું.

( Source – Divyabhaskar )