ગુજરાતમાં ચાંદ દેખાયો હોવાની ચાંદ કમિટીની જાહેર, પરંતુ 30મી ઓગસ્ટે મોહરમ પર્વ, તાજિયા-જુલૂસ નહીં નીકળે

ગુજરાતમાં ચાંદ દેખાયો હોવાની ચાંદ કમિટીની જાહેર, પરંતુ 30મી ઓગસ્ટે મોહરમ પર્વ, તાજિયા-જુલૂસ નહીં નીકળે

ઈસ્લામિક કેલેન્ડર પ્રમાણે નવા વર્ષનો (હિજરી ૧૪૪૨) ૨૧મી ઓગસ્ટના શુક્રવારથી પ્રારંભ થયો છે, ગુરુવારે સાંજે ચાંદ દેખાયો હોવાની શરઈ ગવાહી મળતાં ગુજરાત ચાંદ કમિટીએ જાહેર કર્યું હતું કે, ગુજરાતમાં ૩૦મી ઓગસ્ટના રવિવારે યવમે આશુરા એટલે કે મોહર્રમ પર્વ યોજાશે.

બીજી તરફ કોરોના મહામારીના કારણે સરકારી ગાઈડલાઈનને અનુસરી આ વખતે તાજિયા-જુલૂસ નહિ નીકળે. લોકોને ઘરોમાં રહીને જ ઈબાદત કરવા તાજિયા કમિટી તરફથી સૂચનાઓ અપાઈ છે. મહત્ત્વનું છે કે, ઈસ્લામ ધર્મના પયગમ્બર હઝરત મોહંમદ (સ.અ.વ.)ના દોહિત્ર હઝરત ઈમામહુસૈન (રદિ.) અને તેમના ૭૨ સાથીઓએ કરબલાના મેદાનમાં વહોરેલી શહાદતની યાદમાં યવમે આશુરા-મોહર્રમ પર્વ મનાવવામાં આવે છે.

તાજિયા કમિટીના ચેરમેન પરવેઝ જે. મોમીને જણાવ્યું કે, મોહર્રમ મહિનાનો શુક્રવારથી પ્રારંભ થયો છે, ૧૦ દિવસ સુધી મસ્જિદોમાં વાએઝના કાર્યક્રમો થતાં હોય છે, જોકે આ વખતે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે ઓનલાઈન વાએઝ શરૂ કરાઈ છે.

અમદાવાદ શહેરના જે તે વિસ્તારોમાં તાજિયા બનાવવામાં આવે છે તેમને વિનંતી કરાઈ છે કે, કોરોના મહામારીને ધ્યાને લઈ તાજિયા બનાવવા નહિ અને જો કોઈ તાજિયા બનાવે તો બહાર જાહેરમાં લઈને ના ફરે, ૧૦-મોહર્રમના દિવસે ઘરમાં જ તાજિયા ઠંડા કરે. સ્ટેજ-મંડપ બાંધવા જેવી કામગીરી પણ ના કરવા તાકીદ કરાઈ છે.