રાહત : હવે રૂ. 40 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળા વેપારીઓને GSTમાંથી મુક્તિ, અગાઉ આ મર્યાદા 20 લાખ હતી

રાહત : હવે રૂ. 40 લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર વાળા વેપારીઓને GSTમાંથી મુક્તિ, અગાઉ આ મર્યાદા 20 લાખ હતી

  • સોમવારે નાણાં મંત્રાલયે ટ્વીટ્સ કરી જાણકારી આપી
  • GST કાઉન્સિલની આગામી બેઠક 27 ઓગસ્ટે મળશે

વાર્ષિક રૂ. 40 લાખનું ટર્નઓવર કરનારા વેપારીઓ માટે રાહતના સમાચાર છે. આ વ્યાપારીઓને ગૂડ્સ એન્ડ સર્વિસીસ ટેક્સ (GST)માંથી મુક્તિ આપવા નાણા મંત્રાલયે નિર્ણય કર્યો છે. આ સિવાય રૂ. 1.5. કરોડના ટર્નઓવર ધરાવતા લોકો કમ્પોઝિશન સ્કીમ્સ પણ પસંદ કરી શકે છે અને 1% ટેક્સ ચૂકવી શકે છે. નાણાં મંત્રાલયે ટ્વીટ્સ કરી આ અંગે જાણકારી આપી હતી.

આગામી બેઠક 27 ઓગસ્ટે યોજાશે
GST કાઉન્સિલની આગામી બેઠક 27 ઓગસ્ટે મળશે જેમાં રાજ્યોના વળતરની ચુકવણી અને આવક ઘટાડા અંગે ચર્ચા થઈ શકે છે. આજે સોમવારે ફાઈનાન્સ મીનીસ્ટ્રીએ સંખ્યાબંધ ટ્વીટ્સ કર્યા હતા અને પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીને યાદ કરીને GSTમાં સમયાંતરે કરવામાં આવેલા ફેરફારોની વાત કહી હતી.

મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડ્યા
મંત્રાલયના ટ્વિટમાં જણાવાયું છે કે GST લાગુ થયા પછી, મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ રેટ ઘટાડવામાં આવ્યો છે. મંત્રાલયે કહ્યું છે કે, 28%ના ટેક્સ સ્લેબ હેઠળ, લક્ઝરી વસ્તુઓ અને ડેટ્રિટલ વસ્તુઓ જ રાખવામાં આવી છે. આ ટેક્સ સ્લેબ હેઠળ 230 વસ્તુઓ હતી, પરંતુ આશરે 200 વસ્તુઓને તેમાંથી હટાવીને ઓછી ટેક્સ સ્લેબમાં મુકવામાં આવી હતી.

સિનેમા ટિકિટ પર GST દરમાં ઘટાડો કર્યો
અગાઉ સિનેમા ટિકિટ પરનો GST 35%થી 110% હતો. બાદમાં તે ઘટાડીને 12થી 18% કરવામાં આવ્યો હતો. દૈનિક વપરાશની મોટાભાગની વસ્તુઓ GSTના 0-5%ના ટેક્સ સ્લેબમાં છે. રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સના બાંધકામોના ટેક્સ દર ઘટાડ્યા અને હવે તે 5% અને 1%ના સ્લેબમાં છે. હેર ઓઇલ, ટૂથપેસ્ટ, સાબુ વગેરે સામાન્ય વપરાશની વસ્તુઓને 29.3%ના ટેક્સ સ્લેબથી નીચે લાવીને 18%ના સ્લેબમાં લાવવામાં આવી છે.