૩૧ ઓક્ટોબર પહેલાં રિવરફ્રન્ટથી સી-પ્લેન શરૂ કરવાની કવાયત

૩૧ ઓક્ટોબર પહેલાં રિવરફ્રન્ટથી સી-પ્લેન શરૂ કરવાની કવાયત

। ગાંધીનગર ।

અમદાવાદ સ્થિત સાબરમતી રિવરફ્રન્ટમાંથી કેવડિયા કોલોની પાસે સરદાર સરોવર નર્મદા ડેમ વચ્ચે સરદાર જંયતિ- ૩૧ ઓક્ટોબરથી આરંભ થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતી ભારતમાં પ્રથમ સી- પ્લેન સર્વિસનું લોકાપર્ણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા થશે. તેની તૈયારીઓના ભાગરૂપે શનિવારે સચિવાલય ખાતે ચીફ સેક્રેટરી અનિલ મુકિમની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી.

સરદાર જંયતિ નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસથી સાબરમતી નદીથી કેવડિયા વચ્ચે સી-પ્લેન સર્વિસનો આરંભ થશે. સરકારે જાહેર કર્યા મુજબ સાબરમતીથી સરદાર સરોવર વચ્ચે શરૂ થનારી આ સેવામાં દિવસમાં કુલ ચાર ફ્લાઈટ શરૂ કરવામાં આવશે. સ્પાઈસ જેટ દ્વારા આશરે ૧૯ સીટ ધરાવતું વિમાન રાખવામાં આવશે અને આ રૂટ ઉપર એક મુસાફર માટે ટિકિટનું ભાડું રૂ.૪૮૦૦ રાખવામાં આવનાર છે. અમદાવાદથી સ્ટેચ્યુ ઓફ યુનિટી વચ્ચે જમીન માર્ગે ૧૯૮ કિલોમીટરના અંતરને કાપતા સાડા ત્રણથી ચાર કલાક જેટલો સમય થાય છે. સી-પ્લેન સર્વિસથી એક જ કલાકમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક લેન્ડ થઈ શકાશે. આ સર્વિસથી પ્રવાસીઓનો સમય પણ બચશે.

સી- પ્લેનમાં બેસવા સાબરમતી નદી અને સરદાર સરોવરમાં પાણીમાં તરતી જેટી બનાવાશે. વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાન મોદીએ સી-પ્લેન મારફતે આ રૂટ ઉપર સૌથી પહેલી ઉડાન ભરી હતી. ગુજરાતમાં સરદાર સરોવર ઉપરાંત અમદાવાદ સ્થિત રિવરફ્રન્ટથી અંબાજી જવા ધરોઈ ડેમ ખાતે અને પાલીતણા જવા ક્ષેત્રુંજો ડેમ ખાતે સી-પ્લેન સર્વિસ શરૂ કરવાનું આયોજન છે. ચીફ સેક્રેટરી અનિલ મુકિમના અધ્યક્ષસ્થાને સચિવાલયમાં મળેલી સમિક્ષા બેઠકમાં ભારત સરકારના નાગરીક ઉડ્ડયન મંત્રાલય અને એરપોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના પ્રતિનિધીઓ સહિતના રાજ્ય સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા છે.

( Source – Sandesh )