એક કરતા વધારે નામથી જાતકને બે રાશિ ભોગવવી પડે? હુલામણા નામની કેવી પડે અસર જાણીલો

એક કરતા વધારે નામથી જાતકને બે રાશિ ભોગવવી પડે? હુલામણા નામની કેવી પડે અસર જાણીલો

શાસ્ત્રો કહે છે, ‘ગ્રહાધિનમ્ જગત સર્વના’, એટલે કે આખું વિશ્વ ગ્રહોને આધીન છે, તેથી સમગ્ર વિશ્વમાં કોઈ પ્રાણી તેમના શુભ અને અશુભ પ્રભાવથી બચી શકતુ નથી. પરમપિતા બ્રહ્માજીએ પૂર્વના કર્મોને આધીન શુભ અશુભ ફળ તેમજ જન્મકુંડળીમાં વર્તમાન જન્મમાં ગ્રહોની સ્થિતિનું નિર્ધારણ કર્યુ છે.

આનો અર્થ એ કે જો તમારૂ કર્મ પૂર્વના જન્મમાં સારૂ હોય, તો હાલમાં તમારી કુંડળીમાં મોટાભાગના ગ્રહો શુભ રહેશે અને સારા પરિણામ આપશે. જો તમારા પાછલા કાર્યો સારા ન હોય, તો આ જન્મમાં કુંડળીના ગ્રહોની સ્થિતિના અશુભ પ્રભાવોને લીધે, તમને વિવિધ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેમાં દેવામાં ડૂબવું, લાંબી માંદગી, આજીવન પારિવારિક તકરાર, અકાળ મૃત્યુ વગેરે આવે છે.

પૂર્વ જન્મમાં જીવનમાં થયેલાં પાપોનાં પરિણામે માણસને વર્તમાનમાં અનેક પ્રકારની વેદનાઓનો સામનો કરવો પડે છે. બાળકનું નામકરણ કરવાથી તેના જીવન પર અસર પડે છે. બાળકનું નામ પાડતી વખતે, કુંડળીની રાશિ, નક્ષત્રો અથવા ગ્રહો પરથી જીવન પર પ્રભાવ પડે છે.

બાળકના જન્મ પછી નામ રાખતી વખતે જન્મ રાશિ નક્ષત્ર અનુસાર નામ નિશ્ચિત રહે છે, તે બદલી શકાતું નથી કારણ કે તે બાળકના જન્મ નક્ષત્ર સાથે સંબંધિત છે. જે તબક્કે મૂળ નક્ષત્ર હશે તે તબક્કે આવતા અક્ષર પર જન્મ નામ હશે. બાળકને બોલાવતી વખતે માતાપિતાએ વિશેષ કાળજી લેવી જોઈએ કારણ કે ભવિષ્યમાં આ બાળકના ઉદય અને પતન તરફ દોરી શકે છે.

તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે તેણે તેનું નામ બદલ્યું અને નસીબ બદલાયુ. આથી જ બાળકને ગમે તે હુલામણા નામથી ન બોલાવતા જે તે નામથી બોલાવવું જોઇએ જેથી બાળક એક જ રાશિ ભોગવે. નામ અને હુલામણુ નામ એક રાખવુ અથવા રાશિઓ સાથે મિત્રતા, શત્રુતા, શુભ-અશુભ ભાવ ષડાષ્ટક યોગ, દ્વિદ્વાદશ યોગ વગેરેને ધ્યાનમાં રાખવુ જોઇએ.

લગ્ન સમયે, માંગલિક કાર્યો દરમિયાન, પ્રવાસ, ગ્રહોના રાશિપરિવર્તનને ધ્યાનમાં રાખીને જન્મ સમયને ધ્યાનમાં લેવો જોઈએ. જન્મ નક્ષત્ર અને રાશિચક્રના શત્રુઓના નક્ષત્રનો વિચાર, કેન્દ્ર અથવા ત્રિકોણ ઘર સાથેનો તેમનો સંબંધ જોયા પછી નામ રાખવાથી આરોગ્ય, શિક્ષણ, નોકરી, ધંધો, રોજગાર વગેરેમાં મુશ્કેલીઓ આવતી નથી અને જીવન સરળતાથી ચાલે છે.

( Source – Sandesh )