પાસા એક્ટમાં સુધારો કર્યા બાદ ‘ઈચ્છે તેને ગુંડો ચિતરી જેલમાં પુરાશે, ગુજરાત પોલીસને અધિકાર મળ્યો

પાસા એક્ટમાં સુધારો કર્યા બાદ ‘ઈચ્છે તેને ગુંડો ચિતરી જેલમાં પુરાશે, ગુજરાત પોલીસને અધિકાર મળ્યો

પાસા એક્ટમાં સુધારો કર્યા બાદ બુધવારે બહુમતીના જોરે ભાજપના ધારાસભ્યોએ વિધાનસભામાં ”ગુજરાત ગુંડા અને અસમાજિક પ્રવતિઓ અટકાવવા બાબતનો અધિનિયમ- ૨૦૨૦” પસાર કરાવ્યો હતો. આ વિધેયકની ચર્ચા વખતે વિપક્ષના નેતા સહિત અધિકાંશ સભ્યોએ ૩૦ વર્ષના શાસનની નિષ્ફળતાઓને ઢાંકવા ભાજપ સરકારે આવો કાયદો ઘડયાનો આક્ષેપ કર્યો હતો.

પરેશ ધાનાણીએ આ કાયદાથી ગુજરાતમાં સરકાર ઈચ્છે તેને કાલ્પનિક ગુંડો ચિતરી તેને સીધા ૧૦ વર્ષની જેલમાં પુરવા પોલીસને અધિકાર આપ્યાનું કહ્યું હતુ. જ્યારે ગાંધીનગરના ધારાસભ્ય ડો. સી. જે. ચાવડાએ ભાજપ આવા કાયદાથી પ્રજાના મનમાં ભય ઉભો કરીને સત્તા પર રહેવા ગતડકા કરી રહ્યાનો આક્ષેપ કર્યો હતો.

૨૫-૩૦ વર્ષના શાસનમાં આ પ્રકારનો કાયદો લાવવો પડે એ જ ગુજરાતમાં ભાજપની નિષ્ફળતા પુરવાર કરી રહ્યાનું કહેતા તેમણે ભાજપના રાજમાં સફેદ કોલર ગુંડાઓની બોલબાલા હોવાનું ઉમેર્યુ હતુ. જ્યારે સાવરકુંડલાના પ્રતાપ દુધાતે તો સરકાર સામે ઉઠતા અવાજને દબાવવા આવો કાયદો લાવ્યાનું કહીને રાજ્યસભા ચૂંટણી વખતે પક્ષ બદલતા ધારાસભ્યોને પણ ગુંડા એક્ટ હેઠળ સમાવવા વિધેયકમાં સુધારો સુચવ્યો હતો.

લવ જેહાદ, ગૌ હત્યા, માનવ તસ્કરો સામે ગુંડા એક્ટ ઉગામાશેઃ ગૃહમંત્રી

ગુંડા એક્ટનો ઉપયોગ દારૂનો વેપાર, ગાયોની કતલ, વિદેશથી મહિલાઓને લાવી સ્પાના નામે થતા અનૈતિક વૈપાર, માનવ તસ્કરી, વ્યાજ ખોરો, જમીન પડાવતા ભૂ-માફિયા, ગેરકાયદે હથિયારો રાખતા, લવ જેહાદ ચલાવતા અસામાજિક તત્વો સામે થશે. એમ કહીને ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ કાયદાનો વિરોધ કરી રહેલા વિપક્ષને આવા ગુંડાઓની દલાલી બંધ કરી કોંગ્રેસના ધારાસભ્યો શા માટે આમ કરી રહ્યા છે તેનો ખુલાસો કરવા પડકાર ફેંક્યો હતો. કાયદાની જરૂરીયાતને સમજાવતા જાડેજાએ કહ્યુ કે, ઔદ્યોગિક વિકાસ વચ્ચે ગુજરાતીઓની જીવનશૈલી પણ બદલાઈ છે. તેની સાથે અસામાજિક તત્વોની ગુનો આચરવાની માનસિકતા પણ બદલાઈ છે એથી ટપોરીછાપ ગુંડાઓને ઉગતા ડામવા પ્રસ્તૃત કાયદાનો ઉપયોગ થશે. ગુડાં તત્વોની વ્યાખ્યામાં વ્યક્તિગત અથવા જુથમાં હિંસાની ધમકી આપવી તથા અન્ય રીતે જાહેર વ્યવસ્થાને નુકશાન પહોંચાડવાના ઉદ્દેશ્યથી કામ કરતી અસામાજીક પ્રવૃતિઓમાં સંડોવાયેલા સામે થશે. આ કાયદા હેઠળ વધુમાં વધુ ૭ વર્ષથી ૧૦ વર્ષની કેદની સજા અને ૫૦ હજારના દંડની જોગવાઈ કરી છે. કાયદાનો દુરપયોગ ન થાય તેના માટે પણ પુરતી કાળજી લેવાઈ છે. રેન્જ આઈજી અને પોલીસ કમિશનરની મંજૂરી વગર આ કાયદા હેઠળ ગુનો નોંધાશે નહી એટલુ જ નહી, સરકાર મંજૂરી વગર પ્રોસિક્યુશન પણ થઈ શકશે નહી.

રાજ્ય પાસે સત્તા જ નથી, કાયદો કોર્ટમાં પડકારાશે

વિપક્ષના નેતાએ વિધાનસભા પાસે આવો કાયદો ઘડવાની સત્તા ન હોવાનું કહીને વિધેયક પાછુ ખેંચવા વિનંતી કરી હતી. તેમણે કહ્યુ કે, ગુંડા એક્ટમાં સુચવાયા મુજબના ગુનાઓ સામે એક્શન લેવા અનેક કાયદાઓ પહેલાથી જ છે. તેવામાં IPC, CRPC, એવિડન્સ એક્ટ જેવા કાયદા હેઠળ ૭ વર્ષથી ઓછી સજાની જોગવાઈઓને ગુંડા એક્ટમાં ૧૦ વર્ષ સુધી વધારવાનો પ્રસ્તાવ છે.

ગૃહમંત્રી જાડેજા અને બાદમાં અધ્યક્ષ ત્રિવેદીએ પણ વિધાનમંડળ પાસે સત્તા હોવાનું જણાવીને આ કાયદો બંધારણીય રીતે માન્ય છે કે નહી તે કાર્ટમાં નક્કી થશે. આથી, ગુંડા એક્ટ અમલમાં આવ્યા બાદ પાસાની જેમ તેને પણ પડકારાય તો નવાઈ નહી.