નિયમ બદલાયો : લર્નિંગ લાઇસન્સ પૂરું થયા બાદ રૂપિયા 150 ભરી રિન્યૂ થશે, નવું નહીં કઢાવવું પડે

નિયમ બદલાયો : લર્નિંગ લાઇસન્સ પૂરું થયા બાદ રૂપિયા 150 ભરી રિન્યૂ થશે, નવું નહીં કઢાવવું પડે

  • અગાઉ પાકા લાઇસન્સની અને સ્માર્ટ કાર્ડની ફી પરત કરાતી નહોતી
  • લર્નિંગ લાઇસન્સ એક્સપાયર થશે તો ફરી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે

લર્નિંગ લાઇસન્સ વખતે જ ફરજિયાત ભરાવાતી પાકા લાઇસન્સ ટેસ્ટ અને સ્માર્ટ કાર્ડની ફી લર્નિંગ લાઇસન્સ પૂરું થતાં સરકાર દ્વારા પરત નહીં કરી કરોડોની ઉઘાડી લૂંટ કરાતી હતી, જે હવેથી બંધ થશે. ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા લર્નિંગ લાઇસન્સ અને ફીના નિયમમાં ફેરફાર કરાયો છે. લર્નિંગ લાઇસન્સ 6 મહિના બાદ અેક્સપાયર થઈ જાય તો હવેથી ઉમેદવારે ફરી કમ્પ્યૂટર ટેસ્ટ આપવો નહીં પડે. પોતાના જૂના લર્નિંગ લાઇસન્સનો સંદર્ભ પરિવહનના સોફ્ટવેરમાં સાંકળી આરટીઓ કચેરીમાં ડોક્યૂમેન્ટ વેરીફાઈ કરાવીને ફરી લર્નિંગ લાઇસન્સ મેળવી શકાશે, જેના પગલે ટેસ્ટ ટ્રેક પર ટેસ્ટ આપવામાં વારંવાર નાપાસ થતા ઉમેદવારોને લર્નિંગ લાઇસન્સના કમ્પ્યૂટર ટેસ્ટની ઝંઝટમાંથી છુટકારો મળશે તેમજ આઇટીઆઇ ખાતે ભારણ ઓછું થશે.

આ સાથે સૌથી મોટો બદલાવ આ જોગવાઇનો કરવામાં આવ્યો છે. સારથી-4 સોફ્ટવેરમાં અગાઉ અંદાજે 700 રૂપિયા જેવી માતબર રકમ લર્નિંગ લાઈસન્સ એક્સપાયર થતાં પરત મળતી નહોતી, જે હવે ફરી લર્નિંગ લાઇસન્સ કરાવતી વખતે માત્ર 150 રૂપિયા લર્નિંગ લાઇસન્સની ફી ભરવાની રહેશે. જો નાગરિક દ્વારા એક પણ વખત ટેસ્ટ આપવામાં નહીં આવ્યો હોય તો ટેસ્ટ ફીના પૈસા પણ ફરી વખત માન્ય રહેશે. લર્નિંગ લાઇસન્સ કઢાવ્યાથી એક વર્ષ સુધી જો કોઇ કાર્યવાહી નહીં કરે તો જ ફરી પૈસા ભરવાના થશે. સારથી-4 સોફ્ટવેર શરૂ થયાથી વર્ષો સુધી સરકારે નાગરિકો પાસે કરેલી ઉઘાડી લૂંટ 29 સપ્ટેમ્બરે કરેલા પરિપત્રથી બંધ થશે.

વર્ષે દહાડે રૂા. 1 કરોડ ઉઘાડી લૂંટ બંધ થશે
અગાઉ લર્નિંગ સાથે ફરજિયાત પાકા લાઇસન્સના પૈસા પણ લર્નિંગ લાઇસન્સ વખતે લઈ રિફંડ અપાતું ન હતું. આરટીઓના અધિકારીઓ અને જાણકારો મુજબ રોજના 450 ટેસ્ટ પૈકી 60 ટકા લોકો નાપાસ થાય છે જે પૈકી 30 ટકા લોકોને લર્નિંગ લાઇસન્સ ફરી કઢાવવુ પડે છે આ આંકડો રૂા.200 લેખે 97 લાખ ઉપરાંત રકમ એક વર્ષમાં વડોદરામાંથી સરકારને મફતમાં મળતા હતા. જે હવે નિયમ બદલાતા અરજદારોને ફાયદો થશે. વડોદરા આરટીઓ ખાતે રોજના 300 ટેસ્ટ પાકા લાઇસન્સ માટે લેવાતા હતા. જે પૈકી 60 ટકા મહિલાઓ ટેસ્ટ ટ્રેક પર નાપાસ થાય છે. જ્યારે 30 ટકા જેટલો પુરુષોનો રસિયો છે.