કોરોના ઈફેક્ટ:આ વર્ષે રામલીલા ન હોવાથી ‘સીતા’ બહેનના સલૂનમાં વ્યસ્ત, ‘રાવણ’ ગારમેન્ટનો બિઝનેસ સંભાળે છે!

કોરોના ઈફેક્ટ:આ વર્ષે રામલીલા ન હોવાથી ‘સીતા’ બહેનના સલૂનમાં વ્યસ્ત, ‘રાવણ’ ગારમેન્ટનો બિઝનેસ સંભાળે છે!

દર વર્ષે નવરાત્રિ આવતાં જ દેશભરમાં રામલીલાના રિહર્સલ શરૂ થઇ જાય છે. કલાકારો પોતાના પાત્રને જીવંત બનાવવા સંવાદો મોઢે કરવા માંડે છે. જોકે, આ વર્ષે કોરોના સંક્રમણના કારણે રામલીલાના આયોજનો મુશ્કેલ હોવાથી ઘણા કલાકારો પોતપોતાના કામોમાં વ્યસ્ત છે. લખનઉના ડૉલીગંજમાં દર વર્ષે રામલીલામાં સીતા માતાનું પાત્ર ભજવતી સંગીતાએ હાલ રિહર્સલ અટકાવી દીધું છે. તે તેની બહેનના સલૂનમાં વ્યસ્ત છે જ્યારે અંગદનું પાત્ર ભજવતા રાકેશ કુમાર તેમનો જિમનો બિઝનેસ ફરી જમાવવા મથી રહ્યા છે.

રાવણનું પાત્ર ભજવતા મોહમ્મદ અશરફ ગારમેન્ટનો બિઝનેસ સંભાળી રહ્યા છે. આમ તો આ તમામ કલાકારો માટે હાલનો સમય રિહર્સલનો છે. દર વર્ષે તેઓ તેમના કામમાંથી સમય કાઢીને કલાકો સુધી રામલીલાની તૈયારી કરતા રહે છે.

12 વર્ષથી રાવણનું પાત્ર ભજવતા અશરફ કહે છે, ‘રામલીલા મારા જીવનનો એક ભાગ છે પણ આ વર્ષે કંઇક ખૂટતું હોય તેવું લાગી રહ્યું છે. દર્શકોની હાજરીમાં રામલીલા ભજવવાની જે મઝા છે તે વર્ચ્યુઅલ રામલીલામાં નથી.’ રાકેશ કહે છે, ‘રામલીલા સાથે જોડાયેલા એવા ઘણા લોકો છે કે જેમની પાસે હાલ કોઇ કામ નથી. જેમ કે મેકઅપ આર્ટિસ્ટ, કોસ્ચ્યૂમ ડિઝાઇનર્સ, લાઇટમેન વગેરે. તેમને હજુ સુધી બીજું કોઇ કામ પણ મળ્યું નથી.’