ભારતીયોના સરેરાશ આયુષ્યમાં 10 વર્ષનો વધારો, પ્રદૂષણ અને ધૂમ્રપાન વધુ ખતરારૂપ

ભારતીયોના સરેરાશ આયુષ્યમાં 10 વર્ષનો વધારો, પ્રદૂષણ અને ધૂમ્રપાન વધુ ખતરારૂપ

। નવી દિલ્હી ।

૧૯૯૦ પછી દેશમાં લોકોની સરેરાશ આવરદા વધી છે. ૧૯૯૦માં લોકોનું સરેરાશ આયુષ્ય જે ૫૯.૬ વર્ષ હતું કે વર્ષ ૨૦૧૯માં વધીને ૭૦.૮ વર્ષ થઈ ગયું છે. મેડિકલ જર્નલ ધ લાન્સેટમાં પ્રકાશિત અહેવાલમાં સંશોધકોએ મૃત્યુના ૨૮૬ કારણો, ૩૬૯ બીમારી અને ૮૭ જેટલા જોખમોનું વિશ્લેષણ કરીને ૨૦૪ દેશોનો અભ્યાસ કર્યો છે. અહેવાલમાં જણાવ્યા મુજબ ભારતના લોકોનું સરેરાશ આયુષ્ય ૫૯.૬ વર્ષથી વધીને ૭૦.૮ વર્ષ થઈ ગયું છે. કેરળમાં સૌથી વધુ એવું ૭૭.૩ વર્ષ તો ઉત્તરપ્રદેશમાં ૬૬.૯ વર્ષનું સરેરાશ આયુષ્ય પ્રવર્તી રહ્યું છે.

ઉત્તરપ્રદેશ અને બિહારમાં કુપોષણ ચિંતાજનક 

સંશોધનકર્તાએ જણાવ્યું છે કે ૧૯૯૦ પછી ભારતની આરોગ્યની સ્થિતિમાં મોટો સુધારો આવ્યો છે. પરંતુ ભારતમાં બીમારી અને મૃત્યુ માટે હજી પણ શિશુ અને માતૃકુપોષણ હજીપણ મુખ્યત્વે જવાબદાર છે. દેશમાં નોંધાયેલા કુલ રોગોનો પાંચમો ભાગ ઉત્તર ભારત અને બિહાર જેવા રાજ્યોમાં જોવા મળ્યો છે.

કેન્સરના દર્દીની વધતી સંખ્યા । અમેરિકાની વોશિંગ્ટન યુનિવર્સિટીના અલી મોકડે જણાવ્યું છે કે ભારતમાં માતૃ મૃત્યુદર ઘટયો છે. પહેલાં હૃદય સંબંધી કારણોસર સૌથી વધુ લોકોનાં મૃત્યુ નીપજતાં હતાં, પરંતુ હવે તે કારણ પાંચમા સ્થાને આવી ગયું છે. પરંતુ કેન્સર દર્દીની સંખ્યા સતત વધી રહી છે. સંક્રમક રોગોથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. વિશ્વભરનાં અનેક વિસ્તારમાં રસીકરણની મદદથી સંક્રમક રોગોથી થતા મૃત્યુ અંકુશમાં આવ્યા છે.