નવરાત્રિનો આરંભ : ઈતિહાસમાં પહેલીવાર યૌવન હિલ્લોળે નહીં ચઢે, માત્ર આરતી કરીને સંતોષ માનવો પડશે

નવરાત્રિનો આરંભ : ઈતિહાસમાં પહેલીવાર યૌવન હિલ્લોળે નહીં ચઢે, માત્ર આરતી કરીને સંતોષ માનવો પડશે

માઇ ભક્તો ભક્તજનો મંદિરોમાં કોરોના મહામારીના નિયંત્રણ હેઠળ દર્શન કરી શકશે

કોરોના મહામારી પગલે સમગ્ર ભરૃચ જિલ્લામાં આ વરસે નવલી નવરાત્રીનો આરંભ થશે પરંતુ ઈતિહાસમાં પહેલીવાર નવરાત્રીમાં ખૈલેયાઓમાં થનગનાટ જોવા નહી મળે. એટલુ જ નહી પરંતુ વરસોથી કહેવાય છે તેમ ભરૃચ જિલ્લાના નવરાત્રીમાં યૌવન હીલ્લોળે ચઢે છે પરંતુ આ વરસે આવા દ્રશ્યો પણ નહીં સર્જાય.

ફકત માતાજીની આરતી સાથે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરી હોવાનો સંતોષ કોરોના મહામારીના પગલે માનવો પડશે.

ભરૃચ સ્થિત શકિતપીઠ એવા અંબાજી માતાના મંદિર ખાતે ભકતજનો કોરોના મહામારીના નિયંત્રણ હેઠળ દર્શન કરી શકશે. ખાસ કરીને નવરાત્રીના દિવસોમાં અંબાજી માતાના મંદિરમાં ભકતજનોની ખુબ ભીડ હોય છે તેવા સંજોગોમાં સોશ્યલ ડીસ્ટન્સ જાળવવુ મુશ્કેલ બની જાય છે. નવરાત્રીની નવલી રાત્રિઓ દરમ્યાન શેરી ગરબા અંગે પણ કોઈ પરવાનગી નથી ત્યારે સામુહિક આરતી માટે પણ પરવાનગી માંગવી પડે તેવી પરિસ્થિતિનું સર્જન કોરોનાના કારણે થયુ છે.

આવી નવરાત્રી શૈકાઓમાં કોઈએ જોઈ નથી અને સૌ માતાજીને એવી પ્રાર્થના કરે છે કે આવતા વરસે નવરાત્રી રંગેચંગે ઉજવાઈ તેવી દયા રાખજો અને ત્યાં સુધી કોરોનાને જાકારો આપી દેજો.

નવરાત્રીના પહેરવેશ દુકાનોમાં લટકી રહ્યા

ભરૃચ જિલ્લામાં આ વરસે નવરાત્રીના પહેરવેશની ખરીદી ન નીકળતા વેપારીઓ દેવાના ડુંગર હેઠળ આવી ગયા છે. એટલુ જ નહી પરંતુ દર વરસે નવરાત્રીની આગલા દિવસે નવરાત્રીના પહેરવેશ, દાંડીયા, બ્યુટીપાર્લર તેમજ અન્ય નવરાત્રીને લગતી તમામ બાબતોમાં જે ભીડ જણાતી હતી તે આ વરસે કોરોનામાં જણાતી નથી. કોરોનામાં નવરાત્રીનો ઉમંગ ખૈલેયાઓના મન અને મગજમાં એટલો જ પરંતુ તે પ્રર્દિશત કરી શકતા નથી તેવી પરિસ્થિતિનું સર્જન થયુ છે.

ઘેરઘેર અખંડ દિવા પ્રજ્વલિત થશે

નવરાત્રીના દિવસો શરૃ થતા જ ભકિત અને વ્રતની શરૃઆત થઈ જશે. માતાજીના ભકતો સમગ્ર નવરાત્રી દરમ્યાન ઉપવાસ કરી માં અંબા જગદંબાની આરાધના કરશે એટલુ જ નહી પરંતુ પોતાના નિવાસસ્થાને અખંડ દિવા પ્રજવલિત કરશે. માતાજીની નવરાત્રી મહોત્સવ દરમ્યાનની ભકિત આખુ વર્ષ ભકતજનોને તેજ અને ઓજસ પુરૃ પાડે છે ત્યારે માતાજીના ભકતો પણ નવરાત્રીના દિવસો દરમયાન પોતાના ઘરે જ રહીને આરાધના કરવા કટીબધ્ધ બની ગયા છે.

ભરૃચના શકિતપીઠ અંબાજી મંદિર ખાતે દર્શન લાભ

ભરૃચ નગરના પ્રસિધ્ધ અને પ્રાચિન એવા શકિતપીઠ અંબાજી મંદિર ખાતે ભકતજનો દર્શન લાભ લઈ શકશે. પૂજારી મહંત પ.પૂ.સત્યનારાયણ ગોસ્વામીના જણાવ્યા અનુસાર નવરાત્રીના દિવસો દરમ્યાન સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ અને સાંજે પણ ૭.૩૦ થી ૧ર.૩૦ સુધી મંદિર દર્શન માટે ખુલ્લુ રહેશે. કોરોના પગલે માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા ફરજીયાત છે.