યુવતીઓનાં લગ્નની વયમર્યાદા પર ટૂંકસમયમાં નિર્ણય : વડા પ્રધાન

યુવતીઓનાં લગ્નની વયમર્યાદા પર ટૂંકસમયમાં નિર્ણય : વડા પ્રધાન

। નવી દિલ્હી ।

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે જણાવ્યું હતું કે યુવતીઓનાં લગ્ન માટેની લઘુતમ ઉંમર નક્કી કરવા માટે રચાયેલી સમિતિનો રિપોર્ટ આવી જાય ત્યારબાદ સરકાર તેના પર નિર્ણય લેશે. છેલ્લા ૬ વર્ષમાં સરકાર દ્વારા લેવાયેલાં પગલાંને કારણે દેશમાં પહેલીવાર શિક્ષણમાં પ્રવેશ લેનારી કુમારિકાઓની સંખ્યા કુમારો કરતાં વધુ નોંધાઈ છે. ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)ની સ્થાપનાની ૭૫મી જયંતી પર રૂપિયા ૭૫નો પ્રતીક સિક્કો જારી કર્યા બાદ વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, યુવતીઓ માટે લગ્નની આદર્શ ઉંમર શું હોવી જોઈએ તે નક્કી કરવા પર અત્યારે મહત્ત્વની ચર્ચા ચાલી રહી છે. મને સમગ્ર દેશમાંથી મહિલાઓના પત્ર મળી રહ્યા છે. તેઓ મને પૂછી રહી છે કે કમિટીનો રિપોર્ટ ક્યારે આવશે અને સરકાર તેના પર નિર્ણય ક્યારે લેશે? હું તેમને આશ્વાસન આપવા માગું છું કે એકવાર સમિતિનો રિપોર્ટ આવી ગયા બાદ સરકાર ઝડપથી નિર્ણય લેશે. આ પહેલાં ૧૫મી ઓગસ્ટે લાલ કિલ્લા પરથી કરેલા સંબોધનમાં વડા પ્રધાને જાહેરાત કરી હતી કે, સરકાર યુવતીઓનાં લગ્ન માટેની લઘુતમ ઉંમર કેટલી હોવી જોઈએ તેના પર ચર્ચા કરી રહી છે અને તે માટે એક સમિતિની રચના કરવામાં આવશે. હાલમાં યુવતીઓનાં લગ્ન માટે લઘુતમ વયમર્યાદા ૧૮ વર્ષ છે.

યુવતીઓનાં લગ્નની લઘુત્તમ વય ૨૧ વર્ષ કરવા કવાયત

સરકાર યુવતીઓ માટે લગ્નની લઘુત્તમ વયમર્યાદા વધારવાની તૈયારી કરી ચૂકી છે. યુવતીઓમાં વધી રહેલા શિક્ષણ અને કારકિર્દીને ધ્યાનમાં લેતાં સરકાર યુવતીઓની લગ્ન માટેની લઘુત્તમ વયમર્યાદા ૨૧ વર્ષ કરે તેવી સંભાવના છે. હાલ ભારતમાં લગ્ન માટેની લઘુતમ વય યુવકો માટે ૨૧ વર્ષ અને યુવતીઓ માટે ૧૮ વર્ષ છે. ૧૯૭૮માં યુવતીઓ માટે લગ્નની લઘુતમ વયમર્યાદા ૧૮ વર્ષ નક્કી કરાઇ હતી. પ્રસુતિ દરમિયાન થતાં મોતનો દર ઘટાડવા અને માતાઓના આરોગ્યમાં સુધારાનો ઉદ્દેશ્ય કારણભૂત છે.

FAOની ૭૫મી જયંતીએ મોદીએ રૂ. ૭૫નો સિક્કો જારી કર્યો

ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (એફએઓ)ની સ્થાપનાની ૭૫મી જયંતી પ્રસંગે વડા પ્રધાન મોદીએ રૂપિયા ૭૫ના મૂલ્યનો સ્મૃતિ સિક્કો જારી કર્યો હતો. વૈશ્વિક ખાદ્ય સંસ્થાન સાથે ભારતના વર્ષો જૂના સંબંધોના સાક્ષી તરીકે આ સિક્કો જારી કરાયો હતો. વડા પ્રધાન મોદીએ આ પ્રસંગે આઠ પાકની વિકસિત કરાયેલી ૧૭ નવી વેરાઇટી પણ રાષ્ટ્રને સર્મિપત કરી હતી.

દેશની ખાદ્ય સુરક્ષા માટે એમએસપી પર કૃષિ ઊપજ ખરીદવા સરકાર પ્રતિબદ્ધ : વડા પ્રધાન

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશનની ૭૫મી જયંતી પર સંબોધન કરતાં જણાવ્યું હતું કે, સરકાર લઘુતમ ટેકાના ભાવે કૃષિ ઊપજ ખરીદવા પ્રતિબદ્ધ છે કારણ કે તે દેશની ખાદ્ય સુરક્ષાનો મહત્ત્વનો હિસ્સો છે. સરકાર લઘુતમ ટેકાના ભાવે કૃષિ ઊપજની ખરીદી વૈજ્ઞાનિક ઢબે થતી રહે તે માટે મંડી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સુધારવાના પ્રયાસ કરી રહી છે. તાજેતરમાં કરાયેલા કૃષિ સુધારા વૈશઅવિક ખાદ્ય સુરક્ષા અંગેની ભારતની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ પાડે છે. મંડીઓ વૈજ્ઞાનિક ઢબે કામ કરે તે અત્યંત જરૂર છે. સરકાર તેના માટે પ્રતિબદ્ધ છે. જથ્થાબંધ મંડીઓ અથવા તો એપીએમસીની આગવી ઓળખ અને ક્ષમતા છે. આ વ્યવસ્થા વર્ષોથી દેશમાં છે અને અમે તેના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા કરી રહ્યાં છીએ. મંડીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારા માટે સરકારે છેલ્લા ૬ વર્ષમાં રૂપિયા ૨,૫૦૦ કરોડનું રોકાણ કર્યું છે. ઇ-નેશનલ એગ્રિકલ્ચર માર્કેટ સાથે મંડીઓને જોડવા આઇટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં કરાયેલા ૩ મોટા કૃષિ સુધારા કૃષિ સેક્ટરનો વિસ્તાર કરવા અને ખેડૂતોની આવક વધારવા માટે છે. એસેન્શિયલ કોમોડિટીઝ એક્ટમાં કરાયેલા સુધારા મંડીઓને વધુ સ્પર્ધાત્મક બનાવશે, ખેડૂતોની આવકમાં વધારો કરશે અને અનાજના બગાડની સમસ્યા ઘટાડશે. અગાઉ ખેડૂતો સીધા મંડી સુધી પહોંચી શકતા નહોતા અને પોતાની ઊપજ વચેટિયાઓને વેચવા મજબૂર હતા. હવે મંડી જ સીધી ખેડૂતોના ઘર આંગણે પહોંચીને તેમની ઊપજની ઊંચી કિંમત આપશે. ખેડૂતો વચેટિયા અને દલાલોની ચુંગાલમાંથી મુક્ત થશે અને ગ્રાહકોને પણ લાભ થશે.

સમાજના અત્યંત ગરીબોને કોરોના મહામારીમાં સંરક્ષણ આપી રહ્યાં છીએ : એફએઓ

વર્લ્ડ ફૂડ ડે નિમિત્તે એફએઓએ જણાવ્યું હતું કે, અમે કોરોના મહામારીમાં સમાજના અત્યંત ગરીબોને સંરક્ષણ આપી રહ્યાં છીએ. દર વર્ષે ૧૬ ઓક્ટોબરના રોજ વર્લ્ડ ફૂડ ડે મનાવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ૧૯૪૫માં એફએઓની રચના કરાઈ હતી. । સંસ્થા યુએનના સભ્ય દેશોમાં કૃષિ અંગેની સમસ્યાઓ પર ચાંપતી નજર રાખે છે અને અનાજની તંગી અને દુકાળ અંગેની જાણ કરતી રહે છે.