કોરોનાકાળમાં સાયકલનું જબ્બર વેચાણ, 5 મહિનામાં તૂટ્યા તમામ રેકોર્ડ, હવે બૂકિંગ કરાવાનો વારો આવ્યો

કોરોનાકાળમાં સાયકલનું જબ્બર વેચાણ, 5 મહિનામાં તૂટ્યા તમામ રેકોર્ડ, હવે બૂકિંગ કરાવાનો વારો આવ્યો

કોરોનાની મહામારી (Covid-19)એ 20 સદીના માનવીનું જીવન બદલી દીધું છે. લોકોની લાઈફસ્ટાઈલથી લઈને ટ્રાવેલ કરવાની રીતોમાં પણ ધડમૂળથી ફેરફાર આવ્યો છે. હવે લોકો સફર કરવા માટે પોતાના પ્રાઈવેટ વાહનોને જ પ્રાથમિકતા આપી રહ્યા છે. તો હવે કોરોના કાળમાં ફિટ રહેવા માટે લોકો સાયકલ (Cycle) ખરીદવામાં દિલચસ્પી દેખાડી રહ્યા છે. અને એ જ કારણ છે કે, છેલ્લા પાંચ મહિનામાં સાયકલનું વેચાણ બમણું થઈ ગયું છે.

5 મહિનામાં અંદાજે 42 લાખ સાયકલોનું વેચાણ

સાયકલ મેન્યુફેક્ચર્સના રાષ્ટ્રીય સંગઠન ઓલ ઈન્ડિયા સાયકલ મેન્યુફેક્ચર્સ એસોસિયેશન (AICMA) અનુસાર મેથી સપ્ટેમ્બર 2020 સુધીના પાંચ મહિનામાં દેશમાં કુલ 41,80,945 સાયકલો વેચાઈ ચૂકી છે. AICMAના મહાસચિવ કેબી ઠાકુરે કહ્યું કે, સાયકલોની માગમાં વધારો અભૂતપુર્વ છે. ઈતિહાસમાં કદાચ પહેલીવાર સાયકલોને લઈ આ રીતનો પ્રતિભાવ જોવા મળ્યો છે.

કારની જેમ હવે સાયકલનું બુકિંગ કરાવવાનો વારો આવ્યો

ઠાકુરે જણાવ્યું કે, આ પાંચ મહિનાઓમાં સાયકલોનું વેચાણ 100 ટકા સુધી વધ્યું છે. અનેક જગ્યાઓએ લોકોને પોતાની પસંદની સાયકલ માટે રાહ જોવી પડી રહી છે. બુકિંગ કરાવવું પડી રહ્યું છે. કોરોના વાયરસ સંક્રમણ ફેલાયા બાદ લોકડાઉનને કારણે એપ્રિલ મહિનામાં દેશમાં એકપણ સાયકલનું વેચાણ થયું ન હતું. મે મહિનામાં આ આંકડો 4,56,818 રહ્યો. જૂનમાં આ સંખ્યા લગભગ બમણી 8,51,060 થઈ ગઈ, જ્યારે સપ્ટેમ્બરમાં દેશમાં એક મહિનામાં 11,21,544 સાયકલ વેચાઈ હતી. છેલ્લા પાંચ મહિનામાં કુલ મળીને 41,80,945 સાયકલો વેચાઈ ચૂકી છે.

જાણો શું છે કારણ?

જાણકારોના કહેવા પ્રમાણે કોરોના વાયરસને કારણે લોકો પોતાના સ્વાસ્થ્ય અને ઈમ્યુનિટી વધારવા માટે સજાગ બની ગયા છે. આ ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સને લઈ પણ લોકો સચેત થયા છે. તેવામાં સાયકલ તેમના માટે એક વિકલ્પ તરીકે સામે આવી છે. તો અનલોક દરમિયાન રસ્તાઓ વાહનોની સંખ્યા અને પ્રદૂષણમાં ઘટાડો થતાં પરણ લોકો સાયકલિંગને લઈ પ્રોત્સાહિત છે. અને સૌથી મોટી વાત એ છે કે, વધારે લોકો પહેલી વાર સાયકલ ખરીદી રહ્યા છે. એક અનુમાન અનુસાર ભારત દુનિયાનો બીજો સૌથી મોટો સાયકલ મેન્યુફેક્ચરિંગ દેશ છે.