અમેરિકામાં ચૂંટણી : અમેરિકામાં આશરે 40.16 લાખ ભારતીય-અમેરિકન રહે છે, તેમાંથી 72%  બાઈડેન અને 22% ટ્રમ્પને મત આપવા ઈચ્છે છે

અમેરિકામાં ચૂંટણી : અમેરિકામાં આશરે 40.16 લાખ ભારતીય-અમેરિકન રહે છે, તેમાંથી 72% બાઈડેન અને 22% ટ્રમ્પને મત આપવા ઈચ્છે છે

અમેરિકન પ્રમુખપદની ચૂંટણીમાં 72% ભારતીય અમેરિકનો જો બાઈડેન અને 22% ડોનાલ્ડ ટ્રમ્પને મત આપવા ઈચ્છે છે. ભારતીય અમેરિકન એટિટ્યૂડના સરવેમાં આ વાત સામે આ‌વી છે. સપ્ટેમ્બરના પહેલા 20 દિવસમાં 936 ભારતીય અમેરિકનોએ આપેલા ઓનલાઈન જવાબના આધારે આ સરવે કરાયો છે. તેમાં જણાવાયું છે કે પાછલા અભ્યાસોની તુલનામાં આ વખતે મોટા ભાગના ભારતીય અમેરિકનો જો બાઈડેનને પ્રમુખ તરીકે જોવા માંગે છે. આ સરવેમાં 56% લોકોએ કહ્યું છે કે, અમે પોતાની જાતને ડેમોક્રેટ માનીએ છીએ, જ્યારે 15% લોકોએ પોતાને રિપબ્લિકન ગણાવ્યા હતા.

આ સરવેમાં બીજી એક રસપ્રદ વાત એ છે કે તમામ ધર્મના ભારતીયો ટ્રમ્પની તુલનામાં બાઈડેનને વધુ પસંદ કરે છે. 82% હિન્દુ અને 67% મુસ્લિમ પોતાને ડેમોક્રેટ્સ માને છે, જ્યારે ખ્રિસ્તી સમાજના કેટલાક લોકોનો ઝોક ટ્રમ્પ તરફ છે.

કાર્નેગી એન્ડોમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસના રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં 40.16 લાખ ભારતીય અમેરિકન છે. તેમાંથી 20.62 લાખને અમેરિકાનું નાગરિકત્વ મળ્યું છે. એવું મનાય છે કે, આ ચૂંટણીમાં ભારતીયો મહત્ત્વનો ભાગ ભજવશે.

ભારતીયોમાં ડેમોક્રેટ્સ માટે કમલા હેરિસે માહોલ બનાવ્યો
ડેમોક્રેટ્સના ઉપ-પ્રમુખપદના ઉમેદવાર કમલ હેરિસ ભારતીય આફ્રિકન મૂળના અમેરિકન છે. તેમણે પોતાનાં ભાષણો થકી અમેરિકામાં ભારતીય સમાજમાં ડેમોક્રેટ્સ માટે માહોલ બનાવવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. તેને લઈને રિપોર્ટમાં કહેવાયું છે કે મોટા ભાગના ભારતીયો કમલા હેરિસના કારણે ડેમોક્રેટ્સને પસંદ કરે છે.