મોટેરા સ્ટેડિયમ ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે

મોટેરા સ્ટેડિયમ ઇંગ્લેન્ડ સામેની ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે

। કોલકાતા ।

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જાહેરાત કરી છે કે અમદાવાદનું મોટેરા સ્ટેડિયમ આગામી વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ સામે ઘરઆંગણે રમાનારી શ્રેણી દરમિયાન ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે. ઇંગ્લેન્ડની ટીમ જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીના સમયમાં પાંચ ટેસ્ટ અને મર્યાદિત ઓવર્સની શ્રેણી માટે ભારતનો પ્રવાસ ખેડશે. કોરોનાવાઇરસની મહામારીના કારણે વર્તમાન આઇપીએલ યુએઇમાં રમાતી હોવાથી ઇંગ્લેન્ડ સામેની શ્રેણીપણ યુએઇમાં રમાશે તેવી અટકળો થઇ રહી હતી, પરંતુ ગાંગુલીએ આ અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બીસીસીઆઇ ભારતમાં જ આ શ્રેણીની યજમાની કરવાના તમામ વિકલ્પોને ચકાસી રહ્યું છે અને તે બાયો-સિક્યોર બબલ માટેના વિકલ્પો પણ શોધી રહ્યું છે.

મોટેરામાં ૧૨ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે

મોટેરા સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં ૧૨ ટેસ્ટ મેચ રમાઈ ચૂકી છે જેમાં ભારતે ચાર ટેસ્ટ જીતી છે. છ ટેસ્ટ ડ્રો રહી છે અને વેસ્ટ ઇન્ડિઝ (૧૯૮૩) તથા સાઉથ આફ્રિકાએ (૨૦૦૮) એક-એક ટેસ્ટ જીતી હતી. ભારતીય ટીમે મોટેરામાં છેલ્લે ૨૦૧૨ની ૧૫મીથી ૧૯મી નવેમ્બરે ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ રમી હતી જેમાં યજમાન ટીમે ઇંગ્લેન્ડને ફોલોઓન કર્યા બાદ નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો. આ ટેસ્ટમાં ચેતેશ્વર પૂજારાએ અણનમ ૨૦૬ રન બનાવ્યા હતા.

ટેસ્ટ શ્રેણીમાટેના  સંભવિત સેન્ટર

ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી માટે અમદાવાદ, ધર્મશાલા તથા કોલકાતા સંભવિત ત્રણ સેન્ટર છે, પરંતુ ગાંગુલીએ જણાવ્યું હતું કે બાયો-સિક્યોર બબલ, સુરક્ષા સહિત વિવિધ પાસાઓની સમીક્ષા કરવા માટે અંતિમ નિર્ણય લેવાશે. અમે અત્યારે યોજના તૈયાર કરી છે પરંતુ તેને હજુ અંતિમ સ્વરૂપ આપ્યું નથી. હજુ અમારી પાસે ચાર મહિનાનો સમય છે.

ઓસ્ટ્રેલિયાના પ્રવાસને અત્યારે પ્રાધાન્ય અપાશે

ગાંગુલીએ જણાવ્યું હતું કે અત્યારે અમે ભારતીય ટીમના ઓસ્ટ્રેલિયાના પ્રવાસને વધારે પ્રાધાન્ય આપી રહ્યા છીએ અને આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયા જનારી ટીમની પસંદગી કરવામાં આવશે. આઇપીએલ બાદ તરત જ ટેસ્ટ ક્રિકેટને અનુકૂળ થવામાં ખેલાડીઓને કોઇ મુશ્કેલી નડશે નહીં. તમામ ક્વોલિટી પ્લેયર્સ છે અને તેમને કોઇ વાંધો આવશે નહીં. આગામી ર્વાિષક સામાન્યસભામાં (એજીએમ) પહેલી જાન્યુઆરીથી ડોમેસ્ટિક સિઝન શરૂ કરવા અંગેનો પણ નિર્ણય લેવાશે.

૨૦૧૨માં રમેલા ચાર જ ખેલાડીઓ અત્યારે એક્ટિવ

ઇંગ્લેન્ડ સામે ૨૦૧૨માં રમાયેલી ટેસ્ટના ચાર જ ખેલાડીઓ અત્યારે ક્રિકેટમાં એક્ટિવ છે. આ ખેલાડીઓમાં વર્તમાન સુકાની વિરાટ કોહલી, બેટ્સમેન ચેતેશ્વર પૂજારા, ઓફ સ્પિનર આર. અશ્વિન અને પેસ બોલર ઉમેશ યાદવનો સમાવેશ થાય છે. સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, ધોની અને ઝહિર ખાન સહિત અન્ય ખેલાડીઓએ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે.