હવે વોટ્સએપ કોલિંગ પણ સલામત નહીં, પોલીસ બધું જ સાંભળી શકશે, રાજકીય દુશ્મનો સામે નવું હથિયાર મળ્યું

હવે વોટ્સએપ કોલિંગ પણ સલામત નહીં, પોલીસ બધું જ સાંભળી શકશે, રાજકીય દુશ્મનો સામે નવું હથિયાર મળ્યું

ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનો આચરનારાને પકડવાના ઓઠા હેઠળ હવે અમદાવાદ પોલીસે સામાન્ય નાગરિકની કનડગત અને કિન્નાખોરીનો માર્ગ મોકળો કરી દીધો છે. પોતાના ફોન કોલ્સનું રેકોર્ડિંગ થતું હોવાનો ભય ધરાવનારા રાજકીય નેતાઓ, કાર્યકરોથી માંડી સામાન્ય નાગરિકો માટે વોટ્સએપ કોલ જ એક માત્ર સલામત માધ્યમ હતું. જેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન થયેલું હોવાથી બે વ્યક્તિ વચ્ચે થયેલી ચેટિંગ કે કોલિંગ કોઈ ત્રીજી વ્યક્તિ જાણી શકતી નથી.

પરંતુ અમદાવાદ પોલીસના દાવા મુજબ દોઢ કરોડના ખર્ચે એવી સિસ્ટમ ડેવલપ કરી છે જેનાથી પોલીસને કોઈપણ વ્યક્તિના વોટ્સએપ ચેટ જ નહીં પણ વોટ્સએપ કોલિંગ, વીડિયો કોલિંગ સાંભળવા-જોવા-રેકોર્ડ કરવાનો બૈખોફ પરવાનો મળી જશે. આના માટે કોઈ જ કોર્ટ ઓર્ડરની પણ તેઓ તસ્દી લેશે નહીં.

આ સિસ્ટમ ડેવલપ કરવા પાછળનો પોલીસની સત્તાવાર દલીલ એવી છે કે, હાલ ગુનેગારો અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હોવાથી તેમના સુધી પહોંચવામાં પોલીસના હાથ હેઠા પડે છે. આથી વોટ્સએપ મેસેજ, કોલિંગથી થતા ગુનાઓ, બેનામી કરોડો રૂપિયાના હવાલાઓ તેમજ તોડકાંડ જેવી ઘટનાઓ પર નજર રાખીને ગુનેગારો સુધી પહોંચી શકશે.

રાજકીય દુશ્મનો સામે સરકારને નવું હથિયાર મળ્યું

હવે પોલીસ કે રાજકીય નેતાઓ સાથે દુશ્માનવટ કરી તો ખેર નહીં. અત્યાર સુધીમાં પોલીસ લોકોની જાસૂસી કરવા ફોન ટેપિંગ કરતી હતી. પરંતુ વોટ્સએપ કોલિંગ ટેપ થઇ શકતા ન હતા. અમદાવાદ પોલીસે વોટ્સએપ કોલિંગ તેમજ મેસેજનો ડેટા સંગ્રહ કરી શકે તેવી સિસ્ટમ વિકસાવીને જાસૂસી કરવામાં પણ બે કદમ આગળ વધી છે. આ સિસ્ટમનો ક્યાં, કેવી રીતે અને કેટલી હદે દુરુપયોગ થશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.