સાવધાન : 40 વર્ષના યુવકના મોં-નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું

સાવધાન : 40 વર્ષના યુવકના મોં-નાકમાં સેનિટાઈઝર જતાં ત્રણ દિવસમાં બંને આંખે દેખાવાનું બંધ થઈ ગયું

  • મગજ-આંખને જોડતાં ચેતાતંતુ ડેડ : 10 હોસ્પિટલમાં રિપોર્ટ કરાવ્યા પરંતુ દૃષ્ટિ પાછી ન મળી
  • સેનિટાઈઝરમાં 70% ઈથેનોલ હોય તો જોખમી બની શકે છે

40 વર્ષના ચેતન પટેલને એકાએક બંને આખે દેખાતું બંધ થઈ ગયું. MRI તેમજ આંખના પડદાના રિપોર્ટ નોર્મલ હોવા છતાં રોશની ચાલી ગઈ. સેનિટાઈઝર મોં અને નાકમાં જવાને કારણે તેમના મગજ અને આંખને જોડતાં ચેતાતંતુ સંપૂર્ણપણે ડેડ થઈ જતા દૃષ્ટિ જતી રહી છે.

રેટિના અને ઓક્યુલર ટ્રોમા સર્જન ડો. પાર્થ રાણાએ જણાવ્યું હતું કે, મહુડી પાસે આવેલા પુન્દ્રા ગામના ચેતન પટેલ એક સેનિટાઈઝર કંપનીમાં કામ કરે છે. કંડલા ખાતેથી કંપનીમાં સેનિટાઈઝરનું ટેન્કર આવ્યું હતું. તે બેરલમાં ઠાલવી સલામત સ્થળે ખસેડી રહ્યા હતા ત્યારે એક બેરલ લીક થતાં સેનિટાઈઝર ઉંડી તેમના નાક અને મોંમાં ગયું હતું. 8થી10 હોસ્પિટલ ફર્યા પછી ચેતન પટેલ અમારી પાસે આવ્યા હતા. તેમણે કહ્યું, સેનિટાઈઝર ઉડ્યા પછી તેમણે મોં સાફ કરી નાખ્યું હતું. તેમણે વિસનગર, મહેસાણા, વિજાપુર અને અમદાવાદની બે હોસ્પિટલમાં 10 દિવસ સારવાર કરાવી. અમારી હોસ્પિટલમાં આવ્યા પછી અમે બંને આંખના પડદાનો રિપોર્ટ અને ઓસીટી કરાવ્યા તો તે પણ નોર્મલ આવ્યા. હાલ તેમની આંખની નસ સફેદ થવા લાગી છે. તેના પરથી કહી શકાય કે મગજ-આંખને જોડતાં ચેતાતંતુ ડેડ થઈ ગયા છે માટે દૃષ્ટિ જતી રહી છે.

હાથ સેનિટાઈઝ કરીને જમવું પણ જોખમી છે
ડો.પાર્થ રાણાએ કહ્યું કે, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો જોઈએ પરંતુ મોં પર અને ખોરાકમાં જાય નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ. જે સેનિટાઈઝરમાં 70 ટકા ઈથેનોલ હોય તે જોખમી બની શકે છે. ઈથેનોલના વધુ પ્રમાણને કારણે આંખની નસને નુકસાન થાય છે. ઘણી રેસ્ટોરાં કે ફુડ આઉટલેટ પર લોકો હાથ સેનિટાઈઝ કરીને જમતા હોય છે. જે ખૂબ નુકસાનકારક છે.

તમામ રિપોર્ટ નોર્મલ આવ્યા
આંખો ગુમાવનાર ચેતન પટેલે ‘દિવ્ય ભાસ્કર’સાથેની વાતચીતમાં કહ્યું કે, સેનિટાઈઝરનું બેરલ લીક થતાં તે ઉડ્યું હતું અને આંખ-મોંમાં ગયું હતું. બેથી ત્રણ દિવસ બાદ આંખોનું વિઝન બિલકુલ જતુ રહ્યું હતું. તમામ પ્રકારના રિપોર્ટ નોર્મલ આવ્યા હતા.