કોરોનાની વેક્સિન પહેલા તબક્કામાં 3 કરોડ કોરોના વોરિયર્સને અપાશે : ગૃહમંત્રાલય

કોરોનાની વેક્સિન પહેલા તબક્કામાં 3 કરોડ કોરોના વોરિયર્સને અપાશે : ગૃહમંત્રાલય

। નવી દિલ્હી ।

કેન્દ્રનાં ગૃહમંત્રાલયના અધિકારીઓએ સંકેતો આપ્યા હતા કે દેશમાં વેક્સિન આવ્યા પછી પહેલા તબક્કામાં ૩ કરોડ લોકોને અપાશે. સરકારે આ માટે ૩ કરોડ વેક્સિનના સંગ્રહની વ્યવસ્થા કરી છે. પહેલા તબક્કામાં જે ૩ કરોડ લોકોને વેક્સિન અપાશે તેમાં ૭૦થી ૮૦ લાખ ડોક્ટર અને ૨ કરોડ આરોગ્ય કર્મીઓ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ આવતા વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધીમાં દેશમાં વેકિસન આવી શકે છે. આ પહેલા કેન્દ્ર સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, પ્રથમ તબક્કામાં કોરોના રસીના ૬૦ કરોડ ડોઝ ખરીદવામાં આવશે. જેમાં કોરોના વોરિયર્સને પ્રાથમિક્તા સાથે રસી અપાશે.

છેલ્લા ૩ દિવસથી એક્ટિવ કેસની સંખ્યા ૧૦ ટકાથી ઓછી

દેશમાં એક્ટિવ કેસની સંખ્યા સતત ઓછી થઈ રહી છે. છેલ્લા૩ દિવસથી સક્રિય કેસોની સંખ્યા ૧૦ ટકાથી નીચી રહી છે. જ્યારે પોઝિટિવિટી રેટ પણ ઘટીને૫ ટકાથી નીચે રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં એક્ટિવ કેસમાં ૨૪,૨૭૮નો ઘટાડો થયો છે જ્યારે ૭૯,૪૧૫ લોકોને સાજા થવાથી ઘરે જવા રજા અપાઈ છે. દેશમાં કોરોનાનું સંક્રમણ ધીમું પડયું છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૫૫,૮૩૮ કેસ પ્રકાશમાં આવતા કુલ કેસની સંખ્યા વધીને ૭૭,૦૬,૯૪૬ થઈ છે. એક જ દિવસમાં વધુ ૭૦૨ દર્દી કોરોનાનો ભોગ બન્યા છે. પરિણામે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક વધીને ૧,૧૬,૬૧૬ થયો છે. દેશમાં રિકવરી રેટ વધીને ૮૯.૨૦ ટકા થયો છે જ્યારે મૃત્યુદર ઘટીને ૧.૫૧ ટકા નોંધાયો છે. દેશભરમાં હજી ૭,૧૫,૮૧૨ દર્દીઓ પોતાનાં ઘરે કે હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા છે. સારવાર પછી ૬૮,૭૪,૫૧૮ દર્દીઓ સાજા થયા છે.

નાક દ્વારા અપાનારી વેક્સિનની આવતા મહિને ટ્રાયલ

કેન્દ્રના આરોગ્યપ્રધાન ડો. હર્ષવર્ધને જણાવ્યું હતું કે, સિરમ ઇન્સ્ટિટયૂટ અને ભારત બાયોટેક દ્વારા આવતા મહિને નાકથી આપવામાં આવનાર વેક્સિનની અંતિમ ટ્રાયલ શરૂ કરાશે. આ ટ્રાયલમાં સ્વેચ્છાએ ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦ લોકો જોડાશે. અત્યાર સુધી નાકથી આપવામાં આવનાર વેક્સિનની કોઈ ટ્રાયલ ક્યાંય ચાલતી નથી.

ભાજપ નેતાઓ સુશીલ મોદી, રૂડી અને શાહનવાઝ કોરોના પોઝિટિવ

બિહારના ડેપ્યુટી સીએમ સુશીલ મોદી કોરોના પોઝિટિવ જણાયા છે. તેમણે ટ્વિટ દ્વારા કોરોના થયો હોવાની જાહેરાત કરી હતી. ભાજપના અન્ય ૩ નેતાઓ રાજીવ પ્રતાપ રૂડી, શાહનવાઝ હુસેન અને બિહારના આરોગ્યપ્રધાન મંગલ પાંડે પણ કોરોના પોઝિટિવ જણાયા છે. તમામ નેતાઓ હાલ સેલ્ફ આઈસોલેશનમાં છે.

ડેટા ચોરી પછી વેકિસન બનાવતી ડો. રેડ્ડીઝે તેના પ્લાન્ટ બંધ કર્યા

વેક્સિન બનાવતી ફાર્મા કંપની ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝનાં સર્વરમાંથી ડેટાની ચોરી થયા પછી કંપનીએ આખી દુનિયામાં તેનાં પ્લાન્ટ બંધ કર્યા છે. ડો. રેડ્ડીઝ અમેરિકા, બ્રિટન, બ્રાઝિલ, રશિયા અને ભારતમાં તેનાં દવાનાં પ્લાન્ટ ધરાવે છે. કંપનીને થોડા દિવસ પહેલા જ રશિયાની કોરોના વેક્સિનની ટ્રાયલની મંજૂરી મળી હતી.

કોરોના એટ અ ગ્લાન્સ

  • છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસ ૫૫,૮૩૮
  • છેલ્લા ૨૪ કલાકમાં નવા મોતનો આંકડો ૭૦૨
  • કોરોનાના કુલ દર્દીઓ ૭૭,૦૬,૯૪૬
  • એક્ટિવ કેસ ૭,૧૫,૮૧૨
  • સાજા થયેલા દર્દીઓ ૬૮,૭૪,૫૧૮
  • કુલ મૃત્યુઆંક ૧,૧૬,૬૧૬