રાણીપમાં ગરબા રમવા મુદ્દે વૃદ્ધે પોલીસને જાણ કરતા ઘર્ષણ, ‘તમે ગરબા બંધ કરાવ્યા, હવે દારૂ પીશો તો અમે પોલીસને ફોન કરીશું’

રાણીપમાં ગરબા રમવા મુદ્દે વૃદ્ધે પોલીસને જાણ કરતા ઘર્ષણ, ‘તમે ગરબા બંધ કરાવ્યા, હવે દારૂ પીશો તો અમે પોલીસને ફોન કરીશું’

  • સોસાયટીના રહીશોએ વૃદ્ધની પુત્રીને ધમકી આપતા પોલીસ ફરિયાદ

રાણીપની એક સોસાયટીના રહીશોએ આરતી કર્યા બાદ ગરબા રમવાનુ શરૂ કર્યું હતું. જોકે સોસાયટીના રહીશ સિનિયર સિટીઝને પોલીસને જાણા કરતાં ગરબા બંધ કરાવાયા હતા. આ અંગે સોસાયટીના સભ્યોએ સિનિયર સિટીઝનની દીકરીને ધમકી આપી કહ્યું હતું કે, તારા પિતા નવરાત્રિ બાબતે પોલીસમાં ફોન કરે છે તો અમે પણ તેઓ દારૂ પીવે ત્યારે પોલીસ ફરિયાદ કરીશું.

ફરિયાદમાં જણાવ્યાનુસાર, ગત 19 ઓક્ટોબરે 9.45 વાગ્યે રાણીપની પિન્ક સિટી એપાર્ટમેન્ટમાં નવરાત્રિની આરતી ચાલતી હતી. ત્યારબાદ સોસાયટીના રહીશોએ ગરબા રમવાનું ચાલુ કર્યું. દરમિયાન સોસાયટીમાં રહેતા સિનિયર સિટીઝન યોગેશ દવેએ પોલીસને જાણ કરતાં પોલીસે ગરબા બંધ કરાવી દીધા હતા.

ત્યારબાદ બીજા દિવસે યોગેશભાઈનાં પુત્રી હેતલબેન આરતીમાં ગયા ત્યારે સુરેશસિંહ પરમાર અને સોસાયટીના સભ્યો તેમની પાસે ગયા હતા અને સુરેશસિંહ પરમારે હેતલબેનને કહ્યું હતું કે, તારા પિતા નવરાત્રિ બાબતે પોલીસને ફોન કરે છે તો હું પણ તેઓ દારૂ પીવે ત્યારે પોલીસને જાણ કરીશ. આ અંગે હેતલબેને સુરેશસિંહ પરમાર અને નીતિન પંચાલ સામે ફરિયાદ નોંધાવી છે.

સોસાયટીના રહીશોએ બે દિવસ ધમકી આપી
20મી હેતલબેનને સોસાયટીના રહીશોએ ધમકી આપી હતી. ત્યારબાદ 21મીના રોજ યોગેશભાઈ બહારગામ ગયા હોવાથી તેમની પુત્રી હેતલબેન ઘરની બાલ્કનીમાં ઊભા રહી આરતી જોતાં હતાં. આ વખતે સોસાયટીના જી બ્લોકમાં રહેતા નીતિન પંચાલ તેમના બ્લોક નીચે આવ્યા હતા. તેમણે પણ હેતલબેનને ‘તમને જોઈ લઈશું’ કહીને ધમકી આપી ઝઘડો કર્યો હતો.