લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લેતા સમયે બીમારીથી જોડાયેલી માહિતી છુપાવી ન શકાય, ક્લેઈમ ફગાવવામાં આવી શકે છે

લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લેતા સમયે બીમારીથી જોડાયેલી માહિતી છુપાવી ન શકાય, ક્લેઈમ ફગાવવામાં આવી શકે છે

જો તમે લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી લઈ રહ્યાં છો તો તે તમારી જવાબદારી છે કે તમે વીમા કંપનીને પોતાની બીમારીથી જોડાયેલી તમામ અને સાચી જાણકારીઓ આપો. આવું ન કરવાથી વીમા કંપની તરફથી દાવો ફગાવવામાં આવી શકે છે. આવા જ એક કેસ અંગે સુપ્રીમ કોર્ટે ગુરૂવારે એક મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે.

જસ્ટિસ ડી.વાય.ચંદ્રચુડ, જસ્ટિસ ઈન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ ઈન્દિરા બેનર્જીની બેંચે કહ્યું કે, વીમાનો સંબંધ વિશ્વાસ પર નિર્ભર હોય છે. કોઈ વ્યક્તિ જીવન વીમો લેવા ઈચ્છે છે તો તેનું એ દાયિત્વ છે કે તે તમામ તથ્યોનો ખુલાસો કરે, કે જેથી વીમા કંપની તમામ જોખમો પર વિચાર કરી શકે.

કોર્ટે કહ્યું- ફોર્મથી વીમા કંપની જોખમનો અંદાજો લગાવે છે

કોર્ટે કહ્યું કે વીમા માટે ભરવામાં આવતા ફોર્મમાં કોઈ જૂની બીમારી અંગે જણાવવાની કોલમ હોય છે. તેનાથી વીમા કંપની તે વ્યક્તિના વાસ્તવિક જોખમનો અંદાજો લગાવી શકે છે. આ ટિપ્પણી કરતા કોર્ટે રાષ્ટ્રીય ઉપભોક્તા વિવાદ નિવારણ પંચ (એનસીડીઆરસી)નો એક ચુકાદો ફગાવી દીધો છે.

એનસીડીઆરસીએ આ વર્ષે માર્ચમાં વીમા કંપનીને મૃતકની માતાના ડેથ ક્લેઈમની સંપૂર્ણ રકમ વ્યાજ સહિત આપવાનો આદેશ આપ્યો હતો. વીમા કંપનીએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે કાર્યવાહી લાંબા સમય સુધી રહેવાને કારણે તેમના તરફથી ક્લેઈમની સંપૂર્ણ રકમની ચુકવણી કરી દેવામાં આવી છે. સુનાવણી દરમિયાન જજને ખ્યાલ આવ્યો કે મૃતકની માતાની ઉંમર 70 વર્ષની છે અને તેઓ મૃતક પર જ આશ્રિત હતા. તેથી તેઓએ આદેશ આપ્યો કે વીમા કંપની આ રકમની રિકવરી નહીં કરે.

ઉચ્ચ અદાલતે એનસીડીઆરસીની સમીક્ષા કરતા કહ્યું કે તપાસ દરમિયાન મળેલા મેડિકલ રિપોર્ટમાં તે સ્પષ્ટ છે કે વીમો લેનાર પહેલાંથી જ ગંભીર બીમારીથી ત્રસ્ત છે. આ અંગે વીમા કંપનીને જાણ કરવામાં આવી ન હતી. તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો હતો કે તેમને હિપેટાઈટિસ-સીની બીમારી હતી.

આ તથ્યને છુપાવવાના કારણે વીમા કંપનીએ મે 2015માં ક્લેઈમ રદ કરી દીધો હતો. જે બાદ નોમિનીએ જિલ્લા ઉપભોક્તા વિવાદ નિવારણ ફોરમમાં ફરિયાદ કરી હતી. આ અંગે ફોરમે વીમા કંપનીને વ્યાજની સાથે વીમાની રકમ ચુકવવાનો આદેશ આપ્યો હતો.

2014માં વીમો કરાવ્યો હતો

સંબંધિત વ્યક્તિએ પોલિસી માટે ઓગસ્ટ, 2014માં વીમા કંપનીનો સંપર્ક કર્યો હતો. જેના ફોર્મમાં સ્વાસ્થ્ય અને મેડિકલ હિસ્ટ્રી સાથે જોડાયેલા સવાલ હતા. જેમાં હાલની બીમારી, હોસ્પિટલમાં દાખલ થવાના કે સારવાર અંગે જાણકારી આપવાની હતી. તેઓએ આ સવાલનો જવાબ નામાં આપ્યો હતો. આ જવાબના આધારે વીમા પોલિસી આપવામાં આવી હતી. સપ્ટેમ્બર, 2014માં તે વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જે બાદ મેડિકલ ક્લેઈમ માટે દાવો કરવામાં આવ્યો હતો.