આતંકવાદનો આકા પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત્

આતંકવાદનો આકા પાકિસ્તાન FATFના ગ્રે લિસ્ટમાં યથાવત્

। નવી દિલ્હી ।

વિશ્વમાં આતંકવાદી પ્રવૃત્તિઓ પર ચાંપતી નજર રાખતા ટોચના સંગઠન ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સે શુક્રવારે આતંકવાદના આકા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવા મુદ્દે મતદાન કર્યું હતું. FATF દ્વારા આતંકવાદને નાબૂદ કરવા પાકિસ્તાનને અપાયેલા ૨૭ મુદ્દાના એક્શન પ્લાન પર અમલ કરવામાં નિષ્ફળતા માટે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રાખવાનો નિર્ણય લેવાયો છે. આ રીતે પાકિસ્તાનને બચાવવાના તુર્કી અને ચીનના પ્રયાસો નિષ્ફળ થઇ ગયા છે.

અહેવાલો અનુસાર પાકિસ્તાન FATF દ્વારા અપાયેલા ૨૭ મુદ્દાના એક્શન પ્લાનમાંથી ૬ મુદ્દાનું પાલન કરવામાં નિષ્ફળ ગયો છે. સંસ્થાએ પાકિસ્તાનને તેના એક્શન પ્લાનનો અમલ કરવા ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીનો સમય આપ્યો છે. FATFએ પાકિસ્તાનને જૂન ૨૦૧૮માં તેના ગ્રે લિસ્ટમાં સામેલ કર્યો હતો અને ૨૦૧૯ના અંત સુધીમાં આતંકવાદને પૂરા પડાતા ભંડોળ અને મની લોન્ડરિંગનો અંત લાવવા એક્શન પ્લાનના અમલની સૂચના આપી હતી પરંતુ પાકિસ્તાન તેમાં સદંતર નિષ્ફળ રહ્યો છે. જોકે પાકિસ્તાન FATFના બ્લેક લિસ્ટમાં સામેલ થતાં પોતાને બચાવી શક્યો છે. FATFના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાને એક્શન પ્લાનના ૨૭ મુદ્દામાંથી ૨૧ મુદ્દાનું પાલન કર્યું હોવાની માહિતી સંસ્થાને આપી છે. FATFએ જણાવ્યું હતું કે, પાકિસ્તાને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પ્રતિબંધિત આતંકવાદીઓ સામે કોઇ નક્કર કાર્યવાહી કરી નથી. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ અને જર્મની પણ પાકિસ્તાનની ધરતી પરથી સક્રિય આતંકવાદી સંગઠનો સામે પાકિસ્તાને કરેલી કાર્યવાહીથી સંતુષ્ટ નથી. આર્થિક રીતે ખસ્તાહાલ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં જ રખાતાં તેના માટે આઇએમએફ, વિશ્વ બેન્ક અને યુરોપિયન સંઘ પાસેથી આર્થિક મદદ મેળવવાનું મુશ્કેલ બનતું રહેશે.

પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત ભારતે FATFની બેઠક પહેલાં જણાવ્યું હતું કે, પાકિસ્તાન સતત જૈશ એ મોહમ્મદના મસૂદ અઝહર, લશ્કર એ તોયબાના ઓપરેશન કમાન્ડર ઝકિઉર રહેમાન લખવી અને અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ જેવા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા જાહેર કરાયેલા પ્રતિબંધિત આતંકવાદીઓને સેફ હેવન પૂરું પાડી રહ્યો છે.

પાકિસ્તાન આતંકવાદીઓ સામે કાર્યવાહીના મામલે સતત સંતાકૂકડી રમી રહ્યો છે. ૨૦૧૮માં પાકિસ્તાને પોતાને બ્લેક લિસ્ટમાં મૂકવામાં ન આવે તે માટે એફએટીએફને ૭૬૦૦ આતંકવાદીઓની યાદી સોંપી હતી. ૨૦૨૦માં આ યાદીમાંથી ૩૮૦૦ નામ બાકાત થઇ ગયાં છે.

ભારતે ૩૫ વર્ષ પછી ILO ગવર્નિંગ બોડીનું ચેરમેનપદ સંભાળ્યું

આખરે ૩૫ વર્ષનાં અંતરાલ બાદ ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન(ILO)ની ગવર્નિંગ બોડીનું ચેરમેન પદ ભારતે સંભાળ્યું છે. ભારતનાં શ્રમ સચિવ અપૂર્વ ચંદ્રા આ હોદ્દા માટે ચૂંટાઈ આવ્યા છે. ઓક્ટોબર ૨૦૨૦થી જૂન ૨૦૨૧ સુધી તેઓ આ હોદ્દા પર કામગીરી સંભાળશે. ભારત અને ILO વચ્ચેનાં ૧૦૦ વર્ષ જૂના રચનાત્મક સંબંધોમાં ૩૫ વર્ષ પછી એક નવા યુગનો પ્રારંભ થશે. ILOની ગવર્નિંગ બોડીનું ચેરમેનપદ આંતરરાષ્ટ્રીય સ્તરે સન્માનને પાત્ર હોય છે. ILOની ગવર્નિંગ બોડી દ્વારા વિવિધ નીતિઓ, કાર્યક્રમો, એજન્ડા, બજેટ અંગે નિર્ણયો લેવાય છે.