ચંદ્રની સપાટી પર નાસાએ શોધ્યું પાણી, માનવ વસાહતો બનાવવામાં મળશે મદદ

ચંદ્રની સપાટી પર નાસાએ શોધ્યું પાણી, માનવ વસાહતો બનાવવામાં મળશે મદદ

યુએસ સ્પેસ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પાણીની શોધ કરી છે. મોટી વાત એ છે કે ચંદ્રની સપાટી પર આ પાણીની શોધ જ્યાં સૂર્યની કિરણો પડે છે તે વિસ્તારમાં થઈ છે. આ મોટી શોધથી ના ફક્ત ભવિષ્યમાં ચંદ્ર પર થનારા મિશનને મોટી શક્તિ મળશે, પરંતુ આનો ઉપયોગ પીવા અને રોકેટ ઇંધણના ઉત્પાદન માટે પણ કરી શકાશે. આ પાણીની શોધ નાસાની સ્ટ્રેટોસ્ફિયર ઓબ્ઝર્વેટરી ફોર ઇન્ફ્રારેડ એસ્ટ્રોનોમી (સોફિયા)એ કરી છે.

ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ

સોફિયાએ ચંદ્રના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા, પૃથ્વી પરથી દેખાતા સૌથી મોટા ખાડાઓમાંથી એક ક્લેવિયસ ક્રેટરમાં પાણીના અણુઓ (H2O)ની શોધ કરી છે. અગાઉના અધ્યયનોમાં ચંદ્રની સપાટી પર હાઇડ્રોજનના કેટલાક સ્વરૂપ હોવાની જાણ થઈ હતી, પરંતુ પાણી અને હાઇડ્રોક્સિલ (OH)ની શોધ નહોતી થઈ.

2024 સુધીમાં ચંદ્રની સપાટી પર માનવ મિશન

નાસાની યોજના ચંદ્ર પર માનવ વસાહતો બનાવવાની છે. નાસા પહેલેથી જ આર્ટેમિસ (Artemis) પ્રોગ્રામ દ્વારા 2024 સુધીમાં ચંદ્રની સપાટી પર માનવ મિશન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નાસા તેના આર્ટેમિસ પ્રોગ્રામ દ્વારા 2024 સુધીમાં મનુષ્યને ચંદ્રની સપાટી પર પહોંચાડવા માંગે છે. આના દ્વારા, ચંદ્ર સપાટી પર માનવ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવામાં આવશે. ચંદ્ર પરના માણસો એવા સ્થળોની શોધ કરશે જ્યાં પહેલાં કોઈ પહોંચ્યું ન હતું અથવા તે હજી સુધી સ્પર્શી શકાયા નથી.